Home /News /kutchh /Kutch Earthquake: કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા, એક કલાકમાં બે વખત ધરા ધ્રૂજી
Kutch Earthquake: કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા, એક કલાકમાં બે વખત ધરા ધ્રૂજી
કચ્છમાં ભૂકંપના આંચકા આવ્યા
Earthquake Tremors Hit Kutch: કચ્છને ફરી ભૂકંપના આંચકાએ ધ્રૂજાવ્યું છે. એક કલાકની અંદર બે વખત ભૂકંપના આંચકાએ લોકોને ડરાવી દીધા હતા. દુધઈ અને ખાવડા પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે.
કચ્છઃ કચ્છને ફરી એકવાર ભૂકંપના આંચકાએ ધ્રૂજાવ્યું છે, એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે. ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
કચ્છમાં ફરી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે પરંતુ આ વખતે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 4થી વધુ હોવાથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. કચ્છના દુધઈ અને ખાવડા પાસે આવેલા ભૂકંપના કારણે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
30 જાન્યુઆરીએ વહેલી સવારે 5.18 કલાકે આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો ફટાફટ પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ પછી ફરી એક આંચકો 6.38 મિનિટે દુધઈ પાસે અનુભવાયો હતો. ભૂકંપના આંચકા હળવા હતા પરંતુ 2001માં આવેલા ભૂકંપના કારણે લોકો આ કુદરતી હોનારતને લીધે હંમેશા સતર્ક રહે છે.
વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ સવારે 8.46 મિનિટે આવેલા ભૂકંપની અસર ગુજરાતભરમાં થઈ હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના કારણે નુકસાન થયું હતું. આ ભૂકંપના તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.6ની નોંધાઈ હતી. જેનું મુખ્ય કેન્દ્ર બિન્દુ ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં નોંધાયું હતું.
ભૂકંપના કારણે ભૂજમાં 13,572 લોકોના મોત થયા હતા, જ્યારે 21 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પછી બીજા નંબરે અમદાવાદમાં 700થી વધુ લોકોએ ભૂકંપમાં જીવ ગુમાવ્યો હતો. આ સિવાય રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, સુરત, બનાસકાંઠા, પાટણમાં પણ ભૂકંપના કારણે મોત થયા હતા.
2001 પછી પણ કચ્છ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહ્યા છે. પરંતુ 2001માં આવેલા ભૂકંપને કચ્છવાસીઓ હજુ સુધી ભૂલી શક્યા નથી.