Home /News /kutchh /Kutch: મહારાણી પ્રીતિ દેવીની પત્રી વિધિ માટેની અરજી કોર્ટે ફગાવી; દિયર હનુમંતસિંહે વિધિની તૈયારી શરૂ કરી

Kutch: મહારાણી પ્રીતિ દેવીની પત્રી વિધિ માટેની અરજી કોર્ટે ફગાવી; દિયર હનુમંતસિંહે વિધિની તૈયારી શરૂ કરી

કોર્ટે કહ્યું પ્રાથમિક દૃષ્ટિએ પ્રીતિ દેવીનો પત્રી વિધિ પર કોઈ હક્ક નહિ

પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ કોર્ટના ચુકાદાથી મહારાણી પ્રીતિ દેવીએ ઐતિહાસિક પત્રી વિધિ કરી હતી જ્યારે કે આ વર્ષે તેમની અરજી નામંજૂર કરાતા કચ્છના અંતિમ મહારાવના નાના પુત્ર હનુમંતસિંહ કરશે પત્રી વિધિ.

  Dhairya Gajara, Kutch: નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આઠમના કચ્છના માતાના મઢ ખાતે યોજાતી ઐતિહાસિક પત્રી વિધિ મુદ્દે કોર્ટે મહત્વનો ચુકાદો આયો છે. કચ્છ રાજપરિવારમાંથી કોણ વિધિ કરી શકે તે મુદ્દે ભુજ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ કચ્છના અંતિમ રાજવી મહારાવ મદનસિંહના નાના પુત્ર હનુમંતસિંહ તરફે ચુકાદો આપ્યો હતો. ગત વર્ષે મહારાણી પ્રીતિ દેવીના હસ્તે પૂજા થયા બાદ આ પરંપરામાં મોટું બદલાવ આવ્યો હતો જે બાદ આ વર્ષે ફરી આ મુદ્દે નવો વળાંક આવ્યો છે.

  પત્રી વિધિ શું છે?

  આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજપરિવાર તરફથી મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે નહાવા પધારે છે અને તે બાદ ચાચરા ભવાનીના મંદીરમાં પૂજા કરે છે. ત્યાર બાદ આશાપુરા માતાજીના મંદીરમાં માતાજીનો ભુવો પત્રી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે. જાગરીયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાઓ પોતાની પછેડીનો ખોળો પાથરી પતરી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પત્રી મહરાઓના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.

  પત્રી વિધિ મુદ્દેનો વિવાદ
  વર્ષ 2009 માં નવરાત્રીની આઠમના રાબેતા મુજબ પત્રી વિધી કરવા ગયેલા પ્રાગમલજી ત્રીજાએ શારિરીક અસ્વસ્થતા અનુભવતા તેમની બાજુમાં હાજર જુવાનસિંહ હમીરજી જાડેજાને પરંપરા મુજબ વિધી કરવાનું કહેલું જે બાદ જુવાનસિંહે ચાચરા ભવાની અને ચામરની પૂજા કરી હતી. તે ઉપરાંત પ્રાગમલજીએ તેમને આશાપુરા માતાજીના મંદિરમાં પત્રી ચડાવી અને ખોળો પાથરીને પત્રી ઝીલવાનું કહેલું, જેનો ત્યાં ઉભેલા રાજબાવા યોગેન્દ્રસિંહ કરમશીએ વિરોધ કર્યો હતો.

  ત્યારબાદ પ્રાગમલજી ત્રીજાએ 2010 ની સાલમાં રાજબાવા અથવા પુજારીને આ વિધિ રોકવાનું કોઈ હક્ક અધિકાર નથી તેવા પ્રકારનું હુકમનામું ફરમાવવા લખપત તાલુકાની દયાપર કોર્ટમાં અરજી કરી હતી. તો કોર્ટે હુકમ આપતા કહ્યું કે ભુવા પુજારી દ્વારા કરાવવામાં આવતી આ વિધીને રોકવાનો કે તોડવાનો કોઈ પણ હક્ક કે અધિકાર રાજબાવા યોગેંદ્રસિંહને પ્રાપ્ત થયો નથી.

  પત્રી વિધિની ઐતિહાસિક ઘટના
  ગત વર્ષે નવરાત્રી પહેલા રાજપરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનો અવસાન થતાં પત્રી વિધિ મુદ્દે કચ્છ જિલ્લા કોર્ટમાં ચાલતા કેસમાં ભુજના અધિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ આર.વી. મંડાણીએ હુકમ કર્યું હતું કે આ વિધિ એ રાજપરિવારની વિધિ છે અને આ ફક્ત રાજવી કુળના વંશાનુક્રમે આવતા નજીકના વ્યક્તિ રાજપરિવારની મુખ્ય વ્યક્તિ સાથે રહીને જ કરી શકે, જે બાદ ગત વર્ષ રાજ પરિવાર તરફથી પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિ દેવીએ પત્રી વિધિ કરી હતી. તો ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય તેવી આ ઘટનામાં પ્રથમ વખત કોઈ મહિલાએ પત્રી વિધિ કરી હતી.

  ઐતિહાસિક ઘટના બાદ ફરી વળાંક
  પત્રી વિધિના ભુજ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સામે પક્ષે પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુમંતસિંહ જાડેજા હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગઇકાલે હાઇકોર્ટના જજ હેમંત પ્રચ્છક દ્વારા ભુજ કોર્ટનો ચુકાદો રદ્દ કરી આ અપીલને ફરી નીચલી કોર્ટમાં લઈ જવા હુકમ કરાયો હતો.

  મહારાણી પ્રીતિ દેવીએ જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી કે તેમના દિયર હનુમંતસિંહ જાડેજા, માતાના મઢ જાગીરના રાજબાવા અને તેમના પિતરાઈ ભાઈ તેમને પત્રી વિધિ કરવામાં અડચણ બની શકે છે. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ મહારાણી પ્રીતિદેવીની અરજી નામંજૂર કરી હતી. હનુમંતસિંહ તરફથી દલીલ કરનાર એડવોકેટ યોગેશ ભંડારકરે જણાવ્યું હતું કે, \"પ્રાથમિક દ્રષ્ટિએ મહારાણી પ્રીતિ દેવીને આ વિધિ કરવાનું કોઈ હક્ક જ નથી તેવું કોર્ટે સૂચન કર્યું હતું.\"

  જો કે, બીજી તરફ પ્રીતિ દેવી તરફના વકીલ એડવોકેટ ભરત ધોળકિયાએ જણાવ્યું હતું કે, \"કોર્ટે પત્રી વિધિના હક્ક મુદ્દે કોઈ સૂચન કર્યું નથી પરંતુ ટેકનિકલ કારણોસર અરજી રદ્દ કરી છે. અમારી માંગ પ્રોટેક્શનની હતી જે મળ્યું નથી એટલે હવે વિધિ કરવા મુદ્દે મહારાણી નિર્ણય લેશે.\"

  ઉલ્લેખનીય છે કે વર્ષોથી ચાલતા આ વિવાદમાં ફરી એક વખત નવું વળાંક આવ્યું છે. આજે સાંજે કોર્ટનો ચુકાદો આવ્યો તે પહેલાં જ પ્રીતિ દેવીએ સવારે પત્રી વિધિ પૂર્વે પાંચમના દિવસે યોજાતી ચામર પૂજા કરી હતી. પરંપરા મુજબ જે વ્યક્તિ ચામર પૂજા કરે છે તે જ માતાના મઢ ખાતે પત્રી વિધિ કરે છે. કોર્ટનો ચુકાદો આવતા હવે હનુમંતસિંહ જાડેજા દ્વારા ચામર પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ આઠમના પત્રી વિધિ કરવામાં આવશે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Kutch, Royal family

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन