લોકોને કમર સુધીના પાણીમાં ચાલી ગામ બહાર નીકળવું પડે છે
અબડાસા તાલુકાના બારા ગામને જોડતી એકમાત્ર પાપડી પહેલા વરસાદમાં તૂટ્યા બાદ રીપેર કરાતા બીજા વરસાદમાં ફરી તૂટી પડતા ગામ એક જ સીઝનમાં બીજી વખત સંપર્ક વિહોણું થયું
Dhairya Gajara, Kutch: રણપ્રદેશ કચ્છમાં આ વર્ષે તો મેઘરાજાએ શ્રીકાર વરસાદથી (Kutch Rainfall) લોકોના હૃદય ભરી નાખ્યા છે. અનેક દુષ્કાળ ભોગવેલા આ કચ્છ જિલ્લામાં (Kutch Monsoon) આવો વરસાદ વરસતા સર્વત્ર ખુશીનો માહોલ છવાયો છે. તો આ ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે. છેવાડાના સરહદીય તાલુકા અબડાસાના (Abadasa Taluka) બારા ગામમાં ભારે વરસાદના કારણે ગામને જોડતી પાપડી તૂટી પડતાં ગામ સંપર્ક વિહોણું (Bara Village) થયું હતું. તો જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાનું રીપેરીંગ કર્યા બાદ ફરી વરસાદ પડતાં માર્ગની હાલત બિસ્માર થઈ ગઈ છે.
કચ્છમાં આ વર્ષે સીઝનનો 145.86 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો મોટેભાગે સરેરાશ કરતાં ઓછો વરસાદ જોતા અબડાસા તાલુકામાં પણ આ વર્ષે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. તાલુકામાં આ વર્ષે સરેરાશ વરસાદની 151 ટકા વરસાદ નોંધાયો છે. તો છેવાડાના આ તાલુકાના અંતરિયાળ ગામોમાં તેની વિપરીત અસર જોવા મળી રહી છે.
તાલુકાનો બારા ગામ ફક્ત એક નાની પાપડી થકી તાલુકા અને જિલ્લા સાથે જોડાયેલો છે. જે વર્ષે અબડાસામાં ભારે વરસાદ વરસે તે વર્ષે આ પાપડી પાણીમાં ડૂબી જાય છે અને ગામ સંપર્ક વિહોણું થાય છે. આ વર્ષે પણ જુલાઈ મહિનામાં વરસાદના પહેલા રાઉન્ડમાં જ સીઝનનો 100 ટકા વરસાદ ખાબકતા આ પાપડી તૂટી પડી હતી. ગામ સંપર્ક વિહોણું થતાં જિલ્લા તંત્ર એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે માર્ગ રીપેર કરવા આદેશ અપાયા હતા.
અગાઉ રૂ. 80 લાખના ખર્ચે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. તો સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે વરસાદ શરૂ થતાં જ 15 મિનિટમાં પાપડી તૂટી પડી હતી. યુદ્ધના ધોરણે શરૂ થયેલું રીપેરીંગ કામ થકી અઠવાડિયામાં પૂરું થયું હતું અને રૂ. 40 લાખનો ખર્ચ કરી રસ્તાને ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
તો આ વચ્ચે ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવતો રસ્તો યોગ્ય નથી અને વધારે સમય ટકશે નહીં. અને વરસાદના બીજા રાઉન્ડમાં જ ફરી પુલને નુકસાન પહોંચ્યું હતું અને પાપડીનું પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બારા ગામ ફરી એકવખત સંપર્ક વિહોણું થઈ ગયું છે. ગામના લોકોને કમર સુધીના પાણીમાં ચાલી ગામની બહાર નીકળવું પડે છે અને જો કોઈ આરોગ્ય લક્ષી ઇમરજન્સી આવે ત્યારે સૌ કોઇના જીવ તાળવે ચોંટી જાય છે.