Home /News /kutchh /Kutch: ચૂંટણી અને લગ્નની સીઝનમાં મંડપવાળાને બખ્ખા, બૂકિંગ ફૂલ!

Kutch: ચૂંટણી અને લગ્નની સીઝનમાં મંડપવાળાને બખ્ખા, બૂકિંગ ફૂલ!

ચુંટણી પ્રચારની મોટી રેલી વખતે પડશે તાણ

ચૂંટણી જાહેર થયા બાદ હવે 18 તારીખથી લગ્નગાળાની સીઝન શરૂ થતાં મંડપ ધંધાર્થીઓ પાસે ખુરશી અને ગાદલાની માંગ વધતા કચ્છના સૌથી મોટા સપ્લાયર પાસે પણ ખુરશી ખૂટી પડે તેવા એંધાણ 

Dhairya Gajara, Kutch: ચૂંટણીના પડઘમ વાગી ગયા છે જેથી રાજ્યભરમાં માહોલ ગરમ થયો છે. બીજી તરફ આવનારી 18 તારીખથી લગ્નગાળાની સીઝન પણ શરૂ રહી રહી છે. બન્ને પ્રસંગો એવા છે જેમાં ખુરશી, ગાદલા વગેરે વસ્તુઓ ખૂબ મહત્વની બને છે. મંડપના ધંધાર્થીઓ માટે આ સમય કમાણીનો સમય બની રહેશે પરંતુ જેમ જેમ લગ્નની સીઝન નજીક આવતી જાય છે તેમ તેમ લોકોને ખુરશી ગાદલા પૂરા પાડવા મુદ્દે ધંધાર્થીઓમાં ચિંતા વધી રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણી સીઝન તો શરૂ થઈ ગઈ છે અને તેની ગરમી સર્વત્ર જ અનુભવાઈ રહી છે.

તો બીજી તરફ આગામી 18 નવેમ્બરથી લગ્નગાળાની સીઝન પણ શરૂ થતી હોવાથી કચ્છ સહિત ગુજરાતભરમાં ધમધમાટ જોવા મળી રહી છે. લગ્નના મુરતિયાઓ જીવનભર માટે સાથ નિભાવવા વચનો આપશે તો ચુંટણીના મુરતિયાઓ આવતા પાંચ વર્ષ માટે પ્રજાને વચનો આપશે. આ બન્ને પ્રકારના મુરતિયાઓના જીવનના આ એક નવા પડાવમાં મહત્વનું ભાગ ભજવતી કોઈ વસ્તુ હોય તો એ છે ખુરશી.


મંડપ વ્યવસાયિકોના જણાવ્યા મુજબ આગામી 18 તારીખથી શરૂ થતી લગ્નની સીઝન ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ચાલશે અને આ ત્રણ મહિનાના ગણ્યા ગાંઠ્યા દિવસોને બાદ કરતાં બુકિંગ ફૂલ ચાલી રહી છે. આ વચ્ચે ચુંટણીની તડામાર તૈયારીઓ ચાલુ હોતાં દરેક ઉમેદવારના પ્રચાર કાર્યાલય તેમજ પ્રચાર માટે ઠેર ઠેર યોજાતી જાહેર સભાઓ માટે પણ ખુરશીઓનું બુકિંગ વધી રહ્યું છે.



છેલ્લા 15 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા અને મંડપના ધંધાર્થીઓને ખુરશી સપ્લાય કરવામાં કચ્છમાં મોટું નામ ધરાવતા મહેશ લિંબાચિયાએ News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમની પાસે પાંચ હજાર જેટલી ખુરશીઓ છે જે મોટે ભાગે ફેબ્રુઆરી મહિના સુધી બુકિંગમાં છે. \"હાલ તો કોઈ ખેંચતાણ ઊભી થઈ નથી પરંતુ એક વખત લગ્નની સીઝન ચાલી થશે એટલે ખુરશીઓ ઓછી પડશે તેવું લાગી રહ્યું છે,\" મહેશભાઈએ કહ્યું હતું.


તો કચ્છ જિલ્લા મંડપ એસોસિયેશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ જણાવ્યું હતું કે તેમની પાસે એક હજાર જેટલી ખુરશીઓ છે અને તે ઓછી પડતા સપ્લાયર પાસેથી ખુરશીઓ મેળવવી પડતી હોય છે. \"હજુ સુધી ચુંટણી માટે કોઈ મોટી પ્રચાર રેલી અથવા સભા યોજાઈ નથી પણ જો લગ્નગાળાની સીઝન વચ્ચે કોઈ મોટી રેલીનું આયોજન થશે તો ખુરશીઓ ઓછી પડી શકે છે.\" તો અન્ય એક મંડપના ધંધાર્થી રમેશ ભાનુશાલીએ જણાવ્યું હતું કે ઠેકઠેકાણે ઓર્ડર હોતાં તેમને મજૂરો ઓછા પડે છે. કોરોના બાદ સીમિત સંખ્યામાં મજૂરો હોતાં લગ્ન અને ચૂંટણી બન્ને તરફ પહોંચી વળવું ખૂબ કઠિન બનશે.



ઉલ્લેખનીય છે કે 10 ડિસેમ્બરના ચુંટણી સમાપ્ત થતાં ત્યાર બાદ ખુરશી ગાદલાની ખેંચતાણ ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં નથી. પણ આ એક મહિનામાં ઉમેદવારોના સમર્થકોને ખુરશી વગર રહેવું પડે છે કે જાનૈયાઓને તે જોવું રહ્યું.
First published: