ભુજઃ પાકિસ્તાનની સરહદે આવેલો કચ્છ જિલ્લો રાજકારણમાં પણ ઉલટફેર માટે જાણીતો છે. કચ્છની ધૂળ રાજકારણની દિશા નક્કી કરવામાં મહત્વની સાબિત થાય છે. અબડાસા બેઠક બદલી માંડવી પહોંચેલા શક્તિસિંહ ગોહિલને હારનો સામનો કરવો પડ્યો. ગોહિલની હાર કોંગ્રેસ માટે સૌથી મોટા સેટબેક સમાન રહી. જોકે, માંડવીની પ્રજાએ મોટા ચહેરાના બદલે સ્થાનિક ઉમેદવાર પર વધુ વિશ્વાસ મૂક્યો હતો. તો મોદી લહેરની અસરથી શક્તિસિંહ પણ ન બચી શક્યા. બેઠક બદલવી પણ શક્તિસિંહ ગોહિલ માટે માઈનસ પોઈન્ટ સાબિત થઈ. ભાજપની પરંપરાગત બેઠક ગણાતી માંડવીમાં ગોહિલની યોજના સફળ ન થઈ અને ગોહિલને હારનો સામનો કરવો પડ્યો.
ગોહિલની હારના કારણો
- અબડાસાથી પેટાચૂંટણી જીત્યા બાદ માંડવીથી બનાવાયા ઉમેદવાર - ભાજપના પરંપરાગત ગઢમાં કોંગ્રેસે દિગ્ગજને ઉતાર્યા - શક્તિસિંહ ગોહિલ માંડવીવાસીઓ માટે આયાતી ઉમેદવાર સાબીત થયા
માંડવી બેઠકનો ઇતિહાસ
માંડવી બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના પરંપરાગત ગઢમાં તીરાડ પાડવા કોંગ્રેસના દિગ્ગજ નેતાનો સહારો લીધો હતો પરંતુ ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાને 75 હજાર કરતા વધુ મત મળ્યા અને શક્તિસિંહ ગોહિલને 70 હજાર વોટ જ મળી શક્યા. 2012માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર તારાચંદ છેડાને 61, 984 વોટ મળ્યા હતા ત્યારે કોંગ્રેસના કિશોરસિંહ પરમારને 53, 478 વોટ મળ્યા હતા.
સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહેલા ભાજપના વર્તમાન ધારાસભ્ય તારાચંદ છેડાને આ વખતે ઉમેદવાર ન બનાવ્યા અને તેમની જગ્યાએ જાડેજાને તક આપી. છેલ્લી 7 ચૂંટણીમાં આ બેઠક પર માત્ર 2002માં કોંગ્રસને જીત મળી છે. ગોહિલ કચ્છની અબડાસા બેઠકથી વર્તમાન ધારાસભ્ય છે પરંતુ કોંગ્રેસે તેઓને આ વખતે માંડવીથી મેદાને ઉતાર્યા હતો. જોકે, 2012ની ચૂંટણીમાં તેઓ ભાવનગર ગ્રામીણથી હાર્યા હતા, જે બાદ ગોહિલ 2014માં અબડાસા પેટાચૂંટણીમાં 750 મતો સાથે જીત્યા હતા.