વૈશ્વિક મહામારી કોરોનાને (Corona Virus)બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજુ પણ આ મહામારીના (Covid 19 pandemic) કારણે લોકો આર્થિક રીતે તો ભાંગ્યા જ છે પરંતુ સાથે સાથે માનસિક રીતે પણ પડી ભાંગ્યા છે. ત્યારે ભુજની (Bhuj Mental Hospital) મેન્ટલ હોસ્પિટલમાં કોરોનાના કારણે લોકોની માનસિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ હોઈ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લોકોના ધંધા, રોજગારને અસર તો પડી જ છે સાથે સાથે લોકોની પારિવારીક તેમજ માનસિક સ્થિતિ કથળી છે. લોકો સતત કોરોનાના ભય સાથે જીવી રહ્યા છે. જેના પગલે કચ્છમાં મનોરોગીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. આ અંગેની વિગતો મુજબ કોરોનાના કારણે પ્રથમ લહેરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેના લીધે લોકોને ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી. લોકડાઉન સહિતના નિયમો તો હળવા થયા પરંતુ સંક્રમણ યથાવત રહેતા લોકોના માનસ પટ પર કોરોનાએ ગંભીર અસરો પહોંચાડી છે. જનજીવન રાબેતા મુજબ થવાના લીધે લોકો પોતાની દૈનિક પ્રવૃતિઓમાં પરોવાઈ તો ગયા છે પરંતુ હજુય કોરોનાનો ભય સતાવી રહ્યો હોઈ માનસિક રીતે પણ અનેક લોકોની સ્થિતિ કથળી છે.
કોરોનાની પહેલી લહેર કરતા કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોના અવસાન થયા છે જેમાં કેટલાક પરિવારે ઘરમાં પૈસા કમાવનાર વ્યક્તિને પણ ખોયા છે તો કેટલાક પરિવાર પણ વિંખાઈ ગયા છે. કેટલાક પરિવારના ધંધા રોજગાર પર પણ મોટી અસર થઈ છે. આ મહામારીના કારણે માનસિક દર્દીઓની સંખ્યામાં મોટા પાયે વધારો નોધાયો છે. હાલ ત્રીજી લહેરમાં વધતા જતા કેસોએ લોકોમાં ચિંતા વધારી છે ત્યારે ભુજ ખાતેની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઉછાળો આવી રહ્યો છે.
ભુજ મેન્ટલ હોસ્પિટલના તબીબ ડો. જે. વી. પાટણકરે જણાવ્યું હતું કે મેન્ટલ હોસ્પિટલમાં જૂના કેસોની સાથોસાથ નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જાન્યુઆરી માત્ર 18 દિવસમાં 200 નવા અને 962 જૂના કેસના દર્દીઓએ સારવાર લીધી છે. કોરોનાના કારણે લોકોની માનસિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ હોઈ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમ્યાન 5817 જેટલા નવા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. કેટલાક દર્દીઓને ચેકઅપ માટે સમયાંતરે આવવું પડતું હોઈ વર્ષના અંતે 26259 જુના કેસના દર્દીઓને સારવાર અપાઈ હતી. તો વર્ષ 2021 માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમ્યાન 4121 નવા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. વર્ષના અંતે 24525 જુના કેસના દર્દીઓને સારવાર અપાઈ હતી.
ભુજની જ માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે અન્ય એક તબીબે જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેર વખતે લોકોને પોતાના સ્વાસ્થ્યના કારણે સ્ટ્રેસ અને ટેનશન વધ્યું હતું પણ બીજી લહેર બાદ લોકોને પોતાના પરિવાર અને આર્થિક સ્થિતિની ચિંતા વધી છે. લોકો પરેશાન થઈ રહ્યા છે કે જો તેમને કોરોના થશે તો સાત દિવસની આવક બંધ થઈ જશે અને તે કારણે ઘરના લોકોનું ભરણ પોષણ કેમ થશે. એક વખત કોરોના થયા બાદ ઘણા લોકો એકસેસિવ કેર કરી રહ્યા છે. ફરીથી કોરોનાનો ચેપ ન લાગે તે માટે વારંવાર હાથ ધોવા અને સેનીટાઈઝ કરવા જેવા કાર્યો અતિશય પ્રમાણમાં કરી રહ્યા છે.