Home /News /kutchh /Kutch: અહીં બન્યો દેશનો સૌપ્રથમ સંપૂર્ણ સોલાર પાવર આધારિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ
Kutch: અહીં બન્યો દેશનો સૌપ્રથમ સંપૂર્ણ સોલાર પાવર આધારિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ
રોજ 6 હજાર યુનિટ વીજળી ઉત્પન્ન કરશે
સરહદ ડેરી દ્વારા ત્રણ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવતા ચાંદરાણી ખાતેનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ દેશનો સૌપ્રથમ સંપૂર્ણ રીતે રીન્યુએબલ એનર્જીરહી ચાલતો પ્લાન્ટ બન્યો છે
Kutch: ખેતી બાદ પશુપાલન કચ્છ જિલ્લાનો સૌથી મોટો વ્યવસાય છે. અહીંના પશુપાલકોએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભર્યું છે. તો જિલ્લામાં સરહદ કો ઓપરેટિવ ડેરીની શરૂઆત સાથે માલધારીઓને પોતાના દૂધના યોગ્ય ભાવ મળતા થયા છે અને માલધારીઓ સફેદ ક્રાંતિમાં પોતાનો સિંહફાળો આપી રહ્યા છે. ત્યારે હાલમાં જ સરહદ ડેરી દ્વારા ત્રણ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવતા ચાંદરાણી ખાતેનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ દેશનો સૌ-પ્રથમ સંપૂર્ણ રીતે રીન્યુએબલ એનર્જીરહી ચાલતો પ્લાન્ટ બન્યો છે.
કચ્છ જિલ્લામાં પોતાની કામગીરી અને પ્રવૃતિથી આગવી ઓળખ સ્થાપિત કરી અને હંમેંશા નીતનવીન કામગીરી દ્વારા પશુપાલકોના હિતાર્થે કામગીરી કરતી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા અંજાર તાલુકાના ચાંદરાણી ગામ ખાતે 3 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ પ્લાન્ટનું ગત ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન વર્ચ્યુઅલી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
બે લાખ લીટરથી છ લાખ લીટર સુધી વિસ્તરણ થઈ શકે તેવો દૂધ અને દૂધની બનાવટોનો પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ શરૂ થયા બાદ આ પ્લાન્ટ ખાતે જ ત્રણ મેગાવોટનું સોલાર પાવર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યું હતું. આ સોલાર પ્લાન્ટ કાર્યરત થતા જ સરહદ ડેરીનો ચાંદરાણી ખાતેનો પ્લાન્ટ દેશનો સૌપ્રથમ સંપૂર્ણપણે સોલાર પાવરથી ચાલતો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ બન્યો છે.
આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે આજની તારીખમાં સરહદ ડેરીએ રૂ 12 કરોડના ખર્ચે ભારતનો સૌ-પ્રથમ સોલાર પાવર પ્લાન્ટની ચાલતો પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટમાં દૈનિક 6 થી 7 હજાર યુનિટ વીજળી ઉત્પન થશે અને અને દૂધ સંઘને માસિક વીજળી બીલમાં બચત થશે જેનો સીધો ફાયદો કચ્છના પશુપાલકોને થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વર્ષ 2017માં દેશનો સૌપ્રથમ સંપૂર્ણ સોલાર પાવર સંચાલિત કેટલ ફીડ પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો. આ સાથે સાથે ડેરી દ્વારા અમૂલ ઇકો છાસનું પ્રોડક્શન પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં ચાંદરાણી પ્લાન્ટમાં આઇસક્રીમ પ્લાન્ટના નિર્માણની કામગીરી ચાલુ છે જે આગામી છ માસમાં તૈયાર થઈ જશે.