Home /News /kutchh /Kutch: મોટા યક્ષના મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો બે લાખ લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરશે

Kutch: મોટા યક્ષના મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો બે લાખ લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરશે

મેળામાં પ્રદર્શન મુદ્દે પત્રકાર પરિષદ યોજાઇ હતી

અંબાજીના મેળા બાદ મીની તરણેતરનો મેળો કહેવાતા કચ્છના મોટા યક્ષના મેળામાં કેન્દ્રીય સંચાર વિભાગ દ્વારા પ્રદર્શન થકી લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે

    Dhairya Gajara, Kutch: શ્રાવણ મહિનાથી જ કચ્છભરમાં મેળાઓ શરૂ થઈ જતા હોય છે. તેમાં પણ કચ્છના લોકો જે મેળાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવા મીની તરણેતરનો મેળો કહેવાતા નખત્રાણાના સાયરાનો મોટા યક્ષનો મેળો આવતીકાલે 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે યોજાશે. તો આ વર્ષે દેશના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આ મેળામાં પ્રદર્શન યોજી લાખો લોકોને સરકારી યોજનાઓથી પરિચિત કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનો પોષણ માહ તરીકે ઉજવાતા પોષણ અભિયાનને વિશેષ મહત્વ આપવામાં આવશે.

    કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા છેલ્લા થોડા વર્ષોથી સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચાડવા આવા મોટા લોકમેળાઓમાં પ્રદર્શન સ્ટોલ ગોઠવી ખાસ કરીને ગ્રામીણ તેમજ છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓ વિશે માહિતી પહોંચે તે પ્રકારની પહેલ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ અંબાજીના મેળામાં આ ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત અંદાજિત 20 લાખ જેટલા લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી હતી.

    તો આવતીકાલે તારીખ 11 સપ્ટેમ્બરથી શરૂ થનાર ત્રિદિવસીય મોટા યક્ષના મેળામાં પણ કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આ ભવ્ય પ્રદર્શન સ્ટોલ ઊભો કરવામાં આવશે. ભુજ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રીય અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ મુજબ દેશની સ્વાતંત્ર્ય ચળવળના દુર્લભ ફોટા આ પ્રદર્શનમાં મૂકવામાં આવશે.

    તો સાથે જ આ પ્રદર્શન થકી લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે. પ્રદર્શનમાં મુકાયેલ ટીવી દ્વારા ઓડિયો વિઝ્યુઅલ પબ્લીસિટી કરવામાં આવશે. તો સાથે જ કલાકારો દ્વારા લોકનાટકો, લોકસંગીત અને ભવાઈ જેવા મનોરંજન થકી સંદેશાઓ પાઠવવામાં આવશે. સરકારી યોજનાઓની માહિતી વિશે અપાયેલી સમજૂતી લોકો સુધી પહોંચી તે જાણવા સ્થળ પર જ વિવિધ રમતો અને પ્રશ્નોત્તરી દ્વારા જાણવામાં આવશે, જેના માટે લોકોને ઈનામ પણ આપવામાં આવશે.

    આ પણ વાંચો:  પ્રથમ વખત યોજાઇ પેસેજ માઇગ્રેટરી પક્ષીઓની ગણતરી; અત્યારસુધીની સૌથી મોટી ડિજિટલ ગણતરી

    સપ્ટેમ્બર મહિનો પોષણ માહ તરીકે ઉજવાતો હોવાથી આ પ્રદર્શનમાં પોષણ અભિયાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવશે. આ માટે કેન્દ્રીય મહિલા અને બાળ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા પણ લોકોને પોષણ મુદ્દે માહિતગાર કરવામાં આવશે.

    સવારે 9.30 વાગ્યાથી શરૂ થતાં આ પ્રદર્શન રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે પરંતુ જો જનમેદની ઉમટે તો સમગ્ર રાત્રિ માટે પણ આ આયોજન ચાલુ રાખવાની તૈયારી સંચાર વિભાગે દર્શાવી હતી. આવતીકાલે સાંજે 6.30 વાગ્યે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવશે.

    વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, બાળકો માટે આ પ્રદર્શનમાં એક વિશેષ મોબાઈલ ગેમ રજૂ કરવામાં આવશે. પોતાના ફોન પર ઇન્સ્ટોલ કરી શકે તેવી આઝાદી ક્વિઝ: ભારત કે વીર નામની ગેમમાં બાળકોને આઝાદીની ચળવળમાં ભાગ લીધેલા એવા સેનાનીઓ વિશે માહિતી મળશે જેમના વિશે વધારે પ્રચાર થયું નથી. ગેમમાં 75 પેપરમાં દરેક પેપર દીઠ 10 પ્રશ્નો પૂછવામાં આવશે અને જેટલા સાચા જવાબ અપાય તે મુજબ સિલ્વર અને ગોલ્ડન બેજ આપવામાં આવશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Kutch, Kutch news, કચ્છ, કચ્છ સમાચાર

    विज्ञापन
    विज्ञापन