Home /News /kutchh /Kutch: BSFના 18 જવાનોએ 2117 કિમીની સાઇકલ યાત્રા યોજી, યુવાનોને આપ્યો આવો સંદેશ

Kutch: BSFના 18 જવાનોએ 2117 કિમીની સાઇકલ યાત્રા યોજી, યુવાનોને આપ્યો આવો સંદેશ

ભુજ ખાતે પહોંચતા જવાનોનું ભવ્ય સ્વાગત કરાયું

યુવાનો ડ્રગ્સથી દુર રહે અને બીએસએફમાં જોડાય તે માટે 18 જવાનોએ જમ્મુથી ભુજ સુધી 35 સરહદી શહેરોની મુલાકાત લઈ યુવાનોને પ્રેરણા આપી

    Dhairya Gajara, Kutch: ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ કહેવાતા સીમા સુરક્ષા બળના જવાનો સીમા પર રહી દેશની સુરક્ષા સાથે દેશમાં પણ લોકોને વિવિધ મુદ્દાઓ વિશે જાગૃત કરતા હોય છે. આવી જ એક પહેલમાં બીએસએફના 18 જવાનો જમ્મુથી ભુજ સુધી સાઇકલ રેલી યોજી યુવાનોને ડ્રગ્સથી દુર રહેવા તેમજ બીએસએફમાં જોડાવવા પ્રેરણા આપી હતી. બે હજાર કિલોમીટરની લાંબી સફર ખેડી આ જવાનો ભુજ ખાતે પહોંચ્યા હતા ત્યારે સેક્ટર હેડક્વાર્ટર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


    ગત મહિને 13 ઓકટોબરના બીએસએફના એક ઓફિસર, ત્રણ સબોર્ડીનેટ ઓફિસર અને 14 અન્ય જવાનોએ જમ્મુના સુચેતગઢમાં આવેલા ઓક્ટ્રોઇ પોસ્ટ પરથી સાઇકલ લઈને પ્રસ્થાન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ જવાનોએ એક મહિનામાં 2117 કિલોમીટરનો અંતર કાપી તેમના માર્ગમાં અનેક સ્થળો પર યુવાનોને મળી તેમને પ્રેરિત કર્યા હતા.



    આ રેલી ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ પર આવેલા 35 શહેરોમાંથી પસાર થઈ હતી અને છેલ્લા થોડા સમયમાં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સમાં વધારો થયો હોતાં આ સરહદી વિસ્તારોના યુવાનોને ડ્રગ્સ વિશે જાગૃત કર્યા હતા. તો સાથે જ યુવાનોને બીએસએફમાં જોડાઈ દેશની સેવા કરવા માટે પણ પ્રેરણા આપી હતી. વિવિધ ભૂપ્રદેશો, વિષમ હવામાન અને અનેક પ્રકારની મુશ્કેલીઓને પાર કરી આ જવાનો રવિવારે ભુજના 59 બટાલિયન સેક્ટર હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


    એક મહિનામાં 2117 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરી જ્યારે આ જવાનો પોતાની મંઝિલ પર પહોંચ્યા હતા ત્યારે ભુજમાં સેક્ટર હેડક્વાર્ટરમાં બીએસએફની બેન્ડ યુનિટના સંગીતના સથવારે જવાનોએ પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન બનેલા ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કરની ઉપસ્થિતિમાં જવાનો અને વિવિધ શાળાના બાળકોએ દેશપ્રેમના ગીતો રજૂ કરી દેશભક્તિનો અનેરો માહોલ ઊભો કર્યો હતો.




    આ પ્રસંગે બીએસએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અનંત સિંઘે કહ્યું હતું કે, \"છેલ્લા થોડા સમયથી દેશમાં ડ્રગ્સ ઘૂસાડવાનો સિલસિલો ચાલુ થયો છે ત્યારે દેશના યુવાનો આ દુષણથી દૂર રહે અને દેશમાં ડ્રગ્સ આવવાનું બંધ થાય તે માટે આ જવાનોએ બે હજાર કિલોમીટરની વધારાનો સફર સાઇકલ પર પૂરો કરી હજારો યુવાનોને પ્રેરિત કર્યા હતા. આ થકી અનેક યુવાનોને બીએસએફમાં જોડાવવા પણ પ્રેરણા મળશે.\"
    First published:

    Tags: BSF, Kutch

    विज्ञापन
    विज्ञापन