Home /News /kutchh /Kutch: અરબી સમુદ્રના ખોળે બીએસએફ જવાનોએ બેન્ડ સાથે કોટેશ્વર મહાદેવની આરતી કરી

Kutch: અરબી સમુદ્રના ખોળે બીએસએફ જવાનોએ બેન્ડ સાથે કોટેશ્વર મહાદેવની આરતી કરી

સંધ્યા

સંધ્યા આરતી સમયે બીએસએફ જવાનો બેન્ડ સાથે જોડાયા

અરબી સમુદ્રના ખોળે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે (Koteshwar Mahadev Temple) શ્રાવણ માસના અંતિમ સપ્તાહમાં બીએસએફ દ્વારા બેન્ડ સાથે મહાદેવની આરતી કરવામાં આવી

    Dhairya Gajara, Kutch: શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મમાં સૌથી પાવન મહિનો. શ્રાવણની શરૂઆત થાય એટલે ઠેર ઠેર શિવાલયો ઝગમગી ઉઠે છે અને હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠે છે. ત્યારે દેશના પશ્ચિમી ખૂણે આવેલા કચ્છ જિલ્લાની સમુદ્રી સરહદે બેઠેલા કોટેશ્વર મહાદેવ મંદિરે (Koteshwar Mahadev Temple) એક કોર દરિયો મહાદેવ પર જળાભિષેક કરે છે. ત્યારે બીજી કોર મંદિરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ પોતાના બેન્ડના તાલે મહાદેવની આરતીમાં જોડાયા હતા. આ ક્ષણે શિવભક્તિ અને દેશભક્તિનો એક સુગમ મિલાપ સર્જાયો હતો.

    હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી દેવાધિદેવ મહાદેવની ઉપાસનામાં હર કોઈ જોડાય છે. તો બીજી તરફ ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા હોતાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે દેશના પશ્ચિમી ખૂણે અરબ સાગર જેના પગ પખાડતો હોય તેવા લખપતના કોટેશ્વર મહાદેવના મંદિરે રોજ શિવભક્તોની ભીડ જામી રહી છે અને સૌ કોઈ આ ઐતિહાસિક મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે.

    સરહદી વિસ્તાર હોવાથીસીમા સુરક્ષા બળના જવાનો પણ અહીં ચોવીસ કલાક તૈનાત રહે છે. ત્યારે આ પવિત્ર માસ દરમિયાન મહાદેવની આરાધનામાં સૈન્ય જવાનો પણ જોડાય છે. તેમાં પણ સંધ્યા આરતી સમયે મંદિરના મહંતના શંખનાદ સાથે બીએસએફ જવાનોએ પોતાના બેન્ડ સાથે સંગીત રેલાવી મહાદેવની આરતીમાં ચાર ચાંદ લગાડ્યા હતા. આ આરતીને જીવંત નિહાળનાર ભાવિકોએ કહ્યું હતું કે જ્યારે એકતરફ ઓમ નમઃ શિવાયના નાદ સાથે કોટેશ્વર મહાદેવની આરતી થઈ રહી હોય અને બાજુમાં બીએસએફ જવાનો પણ દેશભક્તિના ગીતોનું સંગીત રેલાવી રહ્યા હોય ત્યારે શિવભક્તિ અને દેશભક્તિની લાગણીઓ એક જ સમયે ઉમટે છે અને એ ક્ષણ અવિસ્મરણીય બની રહે છે.

    ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બીએસએફ જવાનો ઠેર ઠેર બેન્ડ શો યોજી રહ્યા છે. સ્વાતંત્ર્ય દિવસે ભુજ મધ્યે આ બેન્ડ શો યોજાયો હતો તો હાલ શ્રાવણ માસનો અંતિમ સપ્તાહ ચાલી રહ્યો છે ત્યારે લખપતના કોટેશ્વર મહાદેવ ઉપરાંત નારાયણ સરોવર ખાતે પણ બીએસએફ જવાનો સંધ્યા આરતી સમયે બેન્ડ સાથે જોડાયા હતા.

    આ પણ વાંચો:  સરહદ ડેરીના નવા પ્લાન્ટથી કચ્છમાં દૈનિક સાત લાખ લીટર દૂધનું થશે ઉત્પાદન

    કોટેશ્વર મહાદેવ મંદિર પ્રવાસન દૃષ્ટિએ પણ એક મહત્વનો સ્થળ બની રહ્યો છે. તોફાની અરબી સમુદ્રના ખોળે આવેલા આ મંદિરને શ્રાવણ માસ દરમિયાન ફૂલોથી સજાવી તેને નંદનવન બનાવવામાં આવ્યું છે. હાલ શ્રાવણ માસ દરમિયાન સવાર સાંજ મોટી માત્રામાં ભક્તો જિલ્લાભરમાંથી તેમજ જિલ્લા બહારથી અહીં દર્શન કરવા પહોંચી રહ્યા છે તેવું કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત દિનેશગિરિ મહારાજે જણાવ્યું હતું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Devon Ke Dev Mahadev, Kutch, Kutch news, કચ્છ, કચ્છ સમાચાર

    विज्ञापन
    विज्ञापन