Dhairya Gajara, Kutch: ગુરુવારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પહેલા તબક્કાનો મતદાન યોજાયો હતો. સમી સાંજે જ્યારે સૌ કોઈ પોતાના મતનો દાન કર્યા બાદ લોકશાહીને જીવંત રાખવાની લાગણી અનુભવી રહ્યા હતા તે સમયે કચ્છની એક હોસ્પિટલમાં બ્રેન ડેડ વ્યક્તિએ પોતાના અંગોનું દાન કરી મહાદાનની વ્યાખ્યા પરિપૂર્ણ કરી હતી. કચ્છના વૃદ્ધાના લીવર, કિડની અને નેત્રો દ્વારા ચાર લોકોને મતદાનના દિવસે જ નવજીવન મળ્યું હતું.
ભુજના 67 વર્ષીય નિહારિકા વ્યાસને મંગળવારે બેભાન અવસ્થામાં ભુજની કે. કે. પટેલ સુપર સ્પેશ્યલીટી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેમના ધબકારા ખૂબ ઓછા હોતાં તેમને વેન્ટિલેટર પર રાખી સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમના મગજમાં હેમ્રેજ હોવાનું જણાયું હતું જે બાદ તેઓ બ્રેન ડેડ થયા હતા. બ્રેન ડેડ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિનો મગજ સંપૂર્ણપણે કામ કરવાનો બંધ થઈ જાય છે અને તે સ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી.
હોસ્પિટલના તબીબોએ દર્દીના પરિવાર સમક્ષ અંગદાન કરવાની વાત મૂકી હતી જેથી પરિવાર સહમત થતાં અમદાવાદથી ખાસ નિષ્ણાંત સર્જનની ટીમ ભુજ આવી પહોંચી હતી. દર્દીના લીવર, બન્ને કિડની તેમજ આંખની કોર્નિયા એકદમ સ્વસ્થ હોતાં આ પાંચ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય તબીબોએ લીધો હતો. આ દરમિયાન એક એર એમ્બ્યુલન્સને ભુજ એરપોર્ટ પર તૈયાર રખાઈ હતી. તો અંગોને હોસ્પિટલથી ભુજ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી સિવિલ હોસ્પિટલ સુધી યુદ્ધના ધોરણે ત્રણ કલાક અંદર પહોંચાડવામાં આવ્યા હતા જે માટે એક ગ્રીન કોરિડોર બનાવી પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ અમદાવાદ પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી દેખાડી હતી.
ઉલ્લેખનીય છે કે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન સોટોના નિર્માણ બાદ કચ્છમાં આ પ્રથમ અંગદાન કરવામાં આવ્યું હતું. માતાની કથળતી પરિસ્થિતિ વચ્ચે પણ તેમના પુત્ર ઓમકાર વ્યાસે મતદાનની ફરજ પૂરી કરી, માતાના અંગોનું દાન કરવા સહમત થઈ ચાર લોકોને નવજીવન અપાવ્યું હતું અને આ થકી મતદાનના દિવસે લોકશાહી અને માનવતાને જીવંત રાખ્યું હતું