આ વર્ષે કચ્છભરમાં શ્રીકાર વરસાદથી અનેક ડેમ અને તળાવ છલકાયા છે ત્યારે ભુજના હૃદય સમાન હમીરસર તળાવ છલકાતા ભુજ સુધરાઇ હવે હમીરસર તળાવમાં બોટિંગ શરૂ કરવા આયોજન કરી રહી છે
Dhairya Gajara, Kutch: ભુજનું હમીરસર તળાવ માત્ર એક શહેરી તળાવ નથી પરંતુ લોકલાગણીઓથી બંધાયેલું શહેરનું હૃદય છે. રાજાશાહી સમયથી જ એક અનેરો મહત્વ ધરાવતો આ તળાવ આજે પણ શહેરની ઓળખ બની બેઠો છે. આ તળાવનું મહત્વ એ વાત પરથી સમજી શકાય કે તેના પાણીનું કોઈ મુખ્ય વપરાશ ન થતું હોવા છતાંય તેના છલકાવા પર સમગ્ર શહેર તેને વધાવવા પહોંચે છે. તેવામાં ભુજના આ હૃદયમાં ટુંક સમયમાં લોકો નૌકાવિહાર કરી શકશે.
હમીરસર તળાવ પણ આખરે બે સપ્તાહ પૂર્વે છલકાયું
જ્યારે કચ્છનું સફેદ રણ વિશ્વવિખ્યાત બન્યું ન હતું તે પહેલાથી જ ભુજનું હમીરસર તળાવ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું સ્થળ હતું. રણોત્સવ સાથે શરૂ થયેલું કચ્છ કાર્નિવલ પણ આ તળાવના કિનારે યોજવામાં આવતું હતું. તે સમયે પણ ખૂબ ટૂંકા ગાળા માટે ભુજના હૃદય સમાન આ તળાવમાં બોટિંગની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ અનિયમિત વરસાદના કારણે થોડા સમયમાં જ બોટિંગ બંધ કરવાની ફરજ પડી હતી. આ વર્ષે કચ્છભરમાં શ્રીકાર વરસાદથી ઠેર ઠેર તળાવો અને ડેમ છલકાયા હતા. તો જેનો સૌ કોઈને ચોમાસાના પ્રારંભથી ઇંતેજાર હતો તે હમીરસર તળાવ પણ આખરે બે સપ્તાહ પૂર્વે છલકાયું હતું. બે વર્ષ બાદ છળકાયેલા આ તળાવને નગરપતિના હસ્તે ઉમંગભેર વધાવવામાં આવ્યું હતું. તો ભુજને હમીરસર સંબંધી ભેટ આપતા નગરપાલિકા દ્વારા હવે તળાવમાં બોટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.
ફક્ત પેડલ બોટ જ તળાવમાં ઉતારવામાં આવશે
ભુજ નગરપાલિકા દ્વારા આ માટે ખાનગી એકમો પાસેથી તળાવમાં બોટિંગ શરૂ કરવા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. ટેન્ડર અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી દિવાળી સુધીમાં લોકો આ રમણીય તળાવમાં નૌકાવિહાર કરી શકશે. સાથે જ તળાવની ઇકોલોજીને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે ડીઝલ અને પેટ્રોલ પર ચાલતી બોટ પર પ્રતિબંધ લગાવી ફક્ત પેડલ બોટ જ તળાવમાં ઉતારવામાં આવશે.સાડા ચાર સદી જુનું હમીરસર તળાવ તે સમયના રાજવી રાઓ ખેંગારજીએ બંધાવ્યું હતું અને તેમના પિતા રાઓ હમીરજીના નામે તેને હમીરસર નામ આપ્યું. તે સમયથી જ જ્યારે જ્યારે સર વરસાદથી આ તળાવ છલકાતું ત્યારે મહારાવ આ તળાવને વધારવા પહોંચતા અને સમગ્ર શહેરીજનો પણ આમાં સહભાગી થતાં. આઝાદી બાદ આ તક શહેરના નગરપતિની જવાબદારીમાં આવી.