રણથી 450 મીટર જેટલી ઊંચાઈએ આવેલા આ ડુંગર પરથી જ્યારે કોઈ રણની તરફ જુએ છે ત્યારે દૂર દૂર સુધી ફેલાયેલા સફેદ રણ અને આકાશ વચ્ચેની ક્ષિતિજ અદ્રશ્ય થઈ ગઈ હોય તેવું દેખાય છે
Dhairya Gajara, Kutch: ધરતી પર ચંદ્રની સપાટીનો અહેસાસ કરાવતા સફેદ રણનો નજારો માણવા હર વર્ષે લાખો પ્રવાસીઓ દેશ વિદેશથી આવે છે. સામાન્યપણે લોકો સફેદ રણમાં ઊભો કરાયેલા વોચ ટાવર પરથી મીઠાના અફાટ રણનો નજારો માનતા હોય છે. પરંતુ સફેદ રણનો અલભ્ય નજારો માણવા આ વોચ ટાવરથી પણ શ્રેષ્ઠ સ્થળ જો કોઈ હોય તો એ છે કાળો ડુંગર, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર પણ છે. કચ્છનો મુગટ કહેવતો કાળો ડુંગર એ ભુજથી 70 કિલોમીટરના અંતરે આવેલો છે. કચ્છનો કૈલાશ પર્વત કહેવાતો આ ડુંગર 229 ચો. માઈલ વિસ્તારમાં ફેલાયેલો છે જેની ઉંચાઈ 462 મીટર છે. રણોત્સવની શરૂઆત સાથે જ આ કાળો ડુંગર સફેદ રણ આસપાસનો સૌથી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો છે. આ સ્થળ એક પ્રવાસન સ્થળની સાથે એક યાત્રાધામ હોવાથી વર્ષભરમાં અહીં લાખો લોકો મુલાકાતે આવે છે.
કાળો ડુંગરની ચોટ પર ગુરુ દત્તાત્રેયનો મંદિર આવેલો છે. કહેવાય છે કે બલુચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીના દર્શને જતી વેળાએ ગુરુ દત્તાત્રેયના પગલાં આ ડુંગર પર પડ્યા હતા અને તે સમયના પગલાંની યાદગીરીના સ્વરૂપે અહીં પાદુકા સ્થાપવામાં આવી છે. અન્ય એક દંતકથા મુજબ ગુરુ દત્તાત્રેય દ્વારા અહીં સાધના કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે કોઈ પણ અહીં આવે તેમને પ્રસાદ મળતો.
કહેવાય છે કે એક વખત એક ભૂખ્યો શિયાળ તેમની પાસે આવ્યો પણ તેમની પાસે એને આપવા માટે કંઈ ભોજન ન હોતાં, તેમણે પોતાના શરીરનો એક અંગ શિયાળને અર્પિત કર્યો હતો. તો જંગલી શિયાળ પણ અર્પિત થયેલ અંગને આરોગ્ય વગર પાછો ચાલ્યો ગયો હતો. ત્યારથી અહીં આવેલા લોંગ ઓટલા પર હરરોજ ગુરુ દત્તાત્રેયને ધરાવતો નૈવેદ્ય મીઠી ભાત શિયાળોને પણ આપવામાં આવે છે. અને મંદિરના મહંત દ્વારા લોંગ લોંગની બૂમો પાડતા જ શિયાળો અહીં આવી પ્રસાદ લે છે. લોંગનો અર્થ અહીં દંતકથા મુજબ લો-અંગ માનવામાં આવે છે.
કાળો ડુંગરને મેગ્નેટિક હિલ પણ કહેવામાં આવે છે. કાળો ડુંગર ચઢતી વેળાએ રસ્તામાં એક સ્થાન એવું આવે છે જ્યાં ગાડીને બંધ કર્યા છતાં પણ ગાડી આપમેળે ચઢાણ પર ચઢે છે. બાળપણથી શીખેલા ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા અહીં કામ કરતી નથી. આ પાછળનું કારણ છે અહીંની જમીનમાં રહેલા મેગ્નેટિક ફિલ્ડ. લદાખ બાદ કચ્છના આ કાળો ડુંગર પર જ આ મેગ્નેટિક હિલનો અનુભવ કરવા મળે છે.
કાળો ડુંગરની પાછળના ભાગે આવેલા સફેદ રણનો અદભુત નજારો આ ડુંગરની ચોટ પરથી જોવા મળે છે. રણથી 450 મીટર જેટલી ઊંચાઈએથી જ્યારે કોઈ આ રણની તરફ જુએ છે ત્યારે દૂર દૂર સુધી ફેલાયેલા સફેદ રણ અને આકાશ વચ્ચેની ક્ષિતિજ અદ્રશ્ય થઈ ગઈ હોય તેવું દેખાય છે.,