આ વર્ષે સમગ્ર કચ્છ સાથે બન્નીમાં પણ શ્રીકાર વરસાદ વરસતા એશિયાના આ સૌથી મોટા ઘાસિયા મેદાનમાં મબલખ ઉત્પાદન થયું છે ત્યારે માલધારીઓ પણ આ ઘાસ કાપી પોતાના પશુઓ માટે લઈ જઈ રહ્યા છે
Dhairya Gajara, Kutch: કચ્છના બન્ની વિસ્તારની એક મુખ્ય વિશેષતા છે તેના ઘાસિયા મેદાન. બન્ની સમગ્ર એશિયા ખંડમાં સૌથી મોટું ઘાસિયા મેદાન ધરાવે છે અને તે કારણે જ અહીં હર વર્ષે ઘાસના ઉત્પાદનમાં વાં વિભાગ સિદ્ધિઓ સર કરે છે. આ વર્ષે સમગ્ર કચ્છ સાથે બન્ની વિસ્તારમાં પણ શ્રીકાર વરસાદથી ઘાસનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું છે. વન વિભાગના લક્ષ્યાંક સામે 200 ટકા જેટલું ઉત્પાદન થતાં બન્નીના સ્થાનિક માલધારીઓ માટે આ વર્ષ સુખમયી બન્યું છે.
બન્ની વિસ્તારમાં માનવ વસતી કરતા પશુઓની વસતી અંદાજે બમણી હશે અને તે કારણે જ આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય પશુપાલન બન્યું છે. અહીંની બન્ની ભેંસો જ કચ્છના દૂધની ખપતને મોટાભાગે પૂરી કરે છે. ત્યારે આ ભેંસો માટે બન્નીના 56 પ્રકારના પૌષ્ટિક ઘાસ તેમને હરેક સીઝનમાં ટકી રહેવા સક્ષમ બનાવે છે. આ વર્ષે ભુજ તાલુકામાં હર વર્ષના સરેરાશ કરતાં 200 ટકા જેટલો વરસાદ વધારે વરસ્યો છે. આ તક ઝડપી વન વિભાગના બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન દ્વારા પણ ઘાસ ઉત્પાદન તરફ મહેનત કરી 200 ટકા જેટલું ઉત્પાદન મેળવ્યું છે.
આ વર્ષે રાજ્ય સરકાર તરફથી વન વિભાગને બન્નીમાં આઠ લાખ કિલોગ્રામ ઘાસ એકત્ર કરવાનું લક્ષ્યાંક અપાયું હતું જેની સામે આ વર્ષે 3847 ચો. કિ.મી.માં પથરાયેલા એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનમાં બમણું ઉત્પાદન થયું છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હેઠળની સરાડા, સરણુ અને ભિરંડિયારા રેન્જ હેઠળ હાલ 12 જેટલા પ્લોટોમાં ગત નવેમ્બરથી ઘાસ કાપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનો શરૂ થતાં હાલ આ ઘાસ કાપણી અંતિમ તબક્કામાં છે.
બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલે જણાવ્યું હતું કે વિભાગને મળેલા આઠ લાખના લક્ષ્યાંક મુજબ ઘાસની કાપણી કરી તેની ઘાંસડી બાંધી સુરક્ષિત સ્થળો પર સાચવી લેવાયા છે. આ ઘાસ ઉનાળા દરમિયાન જો કપરી પરિસ્થિતિ ઊભી થાય તો માલધારીઓને આપવામાં આવશે. ત્યારે હાલ વધારાનો ઘાસ પણ સ્થાનિક માલધારીઓને મળી રહે તે માટે એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દરેક ગામના માલધારીઓને પોતાના ગામમાં આવતા ઘાસિયા મેદાનના ભાગમાં એક-એક કલાક સુધી ઘાસ કાપવા મળે છે. આ માટે માલધારીઓને કાપણી મશીન પણ ભાડે આપવામાં આવે છે. એક કલાકમાં આ માલધારીઓ જેટલો ઘાસ કાપી શકે એટલો સાથે લઈ જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018-19 સુધી બન્નીમાં ઘાસનું ઉત્પાદન વાર્ષિક 1 લાખ કિલો સુધી થતું હતું,જે 2019-20માં વધીને 2 લાખ કિલોએ પહોંચ્યું હતું. વર્ષ 2020-21માં ઉત્પાદન 8 લાખ કિલોને પાર થયો હતો જે ગત વર્ષે 2021-22માં ઓછા વરસાદના કારણે ફરી ઘટીને 6 લાખ કિલો પહોંચ્યો હતો. ત્યારે આ વર્ષનો આંકડો અંદાજે 16 લાખ કિલો સુધી પહોંચતા વન વિભાગે નવી સિદ્ધિ હાંસલ કરી છે.