ભુજ: નગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત પૂરી કરવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુરુવારે નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં પતંગના સ્ટોલ પર જઈ પતંગ પર વેરા ભરવાની અપીલ કરતા સ્ટીકર લગાડવામાં આવ્યા હતા.
ભુજ શહેર નગરપાલિકા દ્વારા ગુરુવારે લાંબા સમયથી લોકોના બાકી રહેલા વેરા વસૂલાત પૂરા થાય તે હેતુથી અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની ટેકસ કમિટીના ચેરમેન જયંત ઠકકર દ્વારા પાલિકા પ્રમુખને સુઝાવ આપવામાં આવ્યો હતો કે ઉત્તરાયણ પૂર્વે અનેક લોકો પતંગ લેવા નીકળતા પતંગ પર સ્ટીકર લગાડવાથી અનેક લોકો સુધી પહોંચી શકાય છે.
ગુરુવારે સવારે નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા થયેલા પતંગના સ્ટોલ પર જઈ પતંગો પર વેરા ભરવાની અપીલ કરતા સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે નગરપાલિકાને રૂ. 19 કરોડના વેરા વસૂલવાના બાકી હોતાં પાલિકાના સ્વભંડોળ પર અસર પડી રહી છે.