Home /News /kutchh /Kutch: ભુજનું ઐતિહાસિક દેશળસર તળાવ વર્ષો બાદ અંતે સંપૂર્ણ રીતે સાફ થશે

Kutch: ભુજનું ઐતિહાસિક દેશળસર તળાવ વર્ષો બાદ અંતે સંપૂર્ણ રીતે સાફ થશે

X
એક

એક અઠવાડિયામાં તળાવના ખાણેતરાનું કામ પૂરું થશે

ભુજના મુખ્ય તળાવોમાંનું એક દેશળસર તળાવ વર્ષોથી પ્રદુષિત થયા બાદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ સાફ ન થતાં આખરે નગરપાલિકાની પહેલ થકી અંતે તળાવ સંપૂર્ણ સાફ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

Dhairya Gajara, Kutch: ભુજ શહેરમાં આવેલા તળાવોમાંથી (Bhuj Lakes) શહેરના હૃદયસમા હમીરસર તળાવ (Bhuj Hamirsar Lake) બાદ જો કોઈ મુખ્ય તળાવ હોય તો એ દેશળસર તળાવ (Bhuj Deshalsar Lake) છે. રાજાશાહી સમયના આ ઐતિહાસિક તળાવ તરફ નગરપાલિકાની (Bhuj Nagarpalika) ઉપેક્ષાના કારણે તળાવમાં ગટરનું પાણી ભળી ગયું હતું તો સાથે જ જળકુંભી ઉગી નીકળતા સમગ્ર તળાવ પર આ જંગલી વનસ્પતિએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. પણ આખરે હાલની નગરપાલિકા બોડી દ્વારા આ તરફ ધ્યાન અપાતા દેશળસર તળાવની સફાઈ અંત તરફ ભણી રહી છે.

દેશળસર તળાવ પાછળ અગાઉની પાલિકા બોડી દ્વારા લાખો રૂપિયા વેડફ્યા છતાં પણ ન તો તળાવના પાણીની સફાઈ થઈ કે ન તેનાથી જળકુંભી નીકળી. પણ છેવટે અત્યારની બોડી દ્વારા આ તરફ પ્રયાસો શરૂ કરી તળાવની સફાઈ કરાવવાની શરૂઆત કરવામાં આવી હતી. એક સામાજિક સંસ્થા સાથે મળી પાલિકા દ્વારા તળાવમાંથી સંપૂર્ણ રીતે જળકુંભી કાઢવામાં આવી હતી તો ત્યારબાદ બે સક્શન મશીન દ્વારા ગટરનું પાણી કાઢી તળાવને ખાલી કરવામાં આવ્યું હતું.

ગટરનું પાણી મિશ્રિત હોતાં તળાવને ખાલી કરવું અનિવાર્ય હતું પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે ગાંધીનગરમાં રહેલા બે મશીન માટે રૂ. 33 લાખ ભાડું માગવામાં આવ્યું હતું જે નગરપાલિકા સ્વભંડોળમાંથી પૂરું કરી શકાય તેમ ન હતું. જેથી નગરપાલિકા દ્વારા ભુજ મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય પાસે માંગ કરતા ભાડામાં રાહત આપી રૂ. પાંચ લાખમાં બન્ને મશીન આપવામાં આવ્યા હતા.

તો ગંદકીયુક્ત પાણી નીકળ્યા બાદ તળાવની માટીમાં રહેલી ગંદકી દૂર કરવા શનિવારથી ખાણેતરાનું કામ પણ શરૂ કરાયું છે. ભુજ પાલિકા દ્વારા ખેડૂતોને આહવાન કરી તળાવની માટી તેમને ખેતી માટે કોઈ ચાર્જ વિના આપવાની જાહેરાત કરી ખાણેતરાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મુદ્દે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં આ કામગીરી પૂરી કરવામાં આવશે.

જો કે તળાવની અંદર આવેલી ગટરની ચેમ્બરની સમારકામ આર.સી.સી. સ્ટ્રકચર દ્વારા કરવાના બદલે સમયના અભાવે હંગામી ધોરણે સમારકામ કરેલું છે તેવું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું .અને સાથે જ ઉમેર્યું હતું કે આવનારા સમયમાં તેને પણ જરૂરિયાત મુજબ પૂરું કરાશે.
First published:

Tags: ગુજરાત, ભૂજ

विज्ञापन