મુખ્ય માર્ગો પર પરિવહન મુદ્દે અભ્યાસ કરશે વિદ્યાર્થીઓ
દેશના સૌથી મોટા બંદરોમથી બે બંદર ધરાવતા કચ્છ જિલ્લામાં પરિવહન મુદ્દે અભ્યાસ કરવા અને ભવિષ્યમાં તેના વિકાસથી લોકોના પરિવહન પર અસર ન પડે તે મુદ્દે સંશોધન કરવા ભોપાલની સ્કુલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ કચ્છ પહોંચ્યા છે
Dhairya Gajara, Kutch: દેશના સૌથી મોટા બંદરોમાંથી બે બંદર કચ્છમાં (Kutch Ports) આવેલા છે ત્યારે અહીં માલવાહક પરિવહન (Kutch Transport) કરતા વાહનોની અવર જવર પણ ખૂબ રહે છે. શહેરી પરિવહન વચ્ચે ચાલતા આ માલવાહક પરિવહનને સમજવા, તેનાથી ઊભી થતી મુસીબતો જાણવા અને તેના ઉપાયો શોધવા ભોપાલની પ્રતિષ્ઠિત સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરના (Schoolof Planning and Architecture) વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ખાસ કચ્છ આવ્યા છે. કચ્છના મુખ્ય માર્ગો પર વાહનોની અવર જવર જોઈ, વાહનોની પરિવહન શૈલી ચકાસી, મહત્વપૂર્ણ અભ્યાસ ચલાવી રહ્યા છે.
2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છ રાખમાંથી ફરી ઉભો થયો છે. ઉદ્યોગ ક્ષેત્રે અનેકગણો વિકાસ કરેલા કચ્છમાં મોટી મોટી કંપનીઓએ પોતાના પ્લાન્ટ સ્થાપ્યો હતા. તો બીજી તરફ મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી સતત વધી રહેલા આયાત નિકાસના કારણે ટ્રકો દ્વારા માલ સામાનનું પરિવહન પણ સતત વધી રહ્યું છે. આવા સેંકડો વાહનો પણ જિલ્લાના શહેર ગામોના રસ્તાઓ પરથી જ અન્ય ખાનગી વાહનો વચ્ચેથી જ પસાર થતા હોય છે.
આ પરિવહન શૈલીને જાણવા અને તેને સમજવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્પોર્ટન્સનો દરજ્જો મેળવેલ ભોપાલની સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરના બે પ્રાધ્યાપકો સાથે માસ્ટર ઓફ ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટના 21 વિદ્યાર્થીઓ કચ્છ આવ્યા છે. 20 ઓગસ્ટથી શરૂ કરેલો અભ્યાસ 1 સપ્ટેમ્બર સુધી ચાલશે જેમાં તેઓ ભુજ તેમજ આસપાસના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર નોંધી તેનો અભ્યાસ કરશે.
News18 સાથે વાતચીત કરતા પ્રાધ્યાપકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ત્રીજા સેમેસ્ટરમાં પરિવહન અને માલ વ્યવસ્થાપન વિષયો ભણાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓ ભુજ આવી અહીંના પરિવહન વિશે માહિતી મેળવી તેના માટે શહેરી પરિવહન અને માલ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરશે. અત્યારની પરિસ્થિતિ જોઈ આવતા 20 વર્ષ બાદની પરિસ્થિતિ નિર્ધારિત એક પ્લાન તૈયાર કરવામાં આવશે જે જણાવશે કે આવનારા સમયમાં કઈ રીતે વધતા પરિવહન વચ્ચે લોકોને સમસ્યાઓ ઊભી ન થાય.
ઉલ્લેખનીય છે કે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા કચ્છમાં આ પ્રકારનું સંશોધન હાથ ધરાતા પરિવહનની દૃષ્ટિએ વિકાસ પામેલા કચ્છ જિલ્લામાં જરૂરી ફેરફારો માટે સારા સુઝાવ મળશે, જેથી આવનારા સમયમાં વ્યવસાયોમાં વિકાસની સાથે શહેરીજનોને પણ મુસીબત ઊભી ન થાય.