Home /News /kutchh /Kutch News: કચ્છમાં ફરવાની આ છે જોરદાર જગ્યા, અહીં બીજા ગ્રહમાં આવ્યા હોય એવો થશે અનુભવ!

Kutch News: કચ્છમાં ફરવાની આ છે જોરદાર જગ્યા, અહીં બીજા ગ્રહમાં આવ્યા હોય એવો થશે અનુભવ!

X
હરેક

હરેક ઋતુમાં એક અલગ નજારો આપે છે ભંજડો ડુંગર

ધોળાવીરા પાસે આવેલા આ ડુંગરની ચારેય કોર રણમાં પાણી ભરાઈ જતાં આ ડુંગર હવામાં લટકતું હોય અથવા પાનીપર તરતું હોય તેવો આભાસ કરાવે છે

     Dhairya Gajara, Kutch: પ્રવાસીઓને કચ્છમાં ભૌગોલિક સુંદરતાનો અનુભવ કરાવતા અનેક સ્થળો હજાર છે પરંતુ કચ્છના છેવાડાના ખડીર બેટમાં આવેલો ભંજડો ડુંગર લોકોને એક અલગ જ દુનિયાની અનુભૂતિ કરાવે છે. ભુજથી ધોળાવીરા જતા માર્ગે રણમાં ભરાયેલા પાણી વચ્ચે આવેલો આ વિશાળ ડુંગર જાણે જમીન પર નહીં પરંતુ હવામાં સ્થાયી હોય તેવું આભાસ પ્રવાસીઓને કરાવે છે.

    ભુજથી કાઢવાંઢ થઈને ધોળાવીરા જતા રસ્તે ધોળાવીરા પહેલા જ ડાબા હાથે આ વિશાળ ડુંગર દેખાય છે. ચોમાસા બાદ રણમાં ભરાતા પાણીના કારણે આ રણને જોતા સમુદ્રનો આભાસ થાય છે અને તેની વચ્ચે આવેલો આ એક ટાપુ જેવો દેખાતો ડુંગર છે ભંજડો ડુંગર જેને લોકો ભાંજડો ડુંગર પણ કહે છે. કચ્છની ઉત્તરી દરિયાઈ સીમમાંથી આવતા પાણીના વહેણ અને ચોમાસાના વરસાદના કારણે ભંજડાની ચારેય બાજુ આ રણમાં પાણી ભરાઈ જાય છે અને ઉનાળા સુધી સુકાતું નથી.


    રણમાં ભરાતા આ પાણી આ ડુંગરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જાણે કે આ ડુંગર હવામાં લટકતો હોય અથવા પાણી પર તરતો હોય તેવું આભાસ થાય છે. રણમાં ભરાયેલા પાણીના કારણે જ અહીં પહોંચવું ખૂબ કઠિન બની જાય છે. જો કે, આ વિસ્તાર ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ નજીક હોતાં ભંજડા ડુંગર પર જવા બીએસએફ પાસેથી અનુમતિ મેળવવી પડે છે.

    ભંજડો ડૂંગરનું નામ કઇ રીતે પડ્યું તેના વિશે એવી લોકવાયકા છે કે આ જૂના વખતમાં ડુંગર ઉપર ભાંજડો નામના યોગીએ તપશ્ચર્યા કરેલી હોવાથી આ ડુંગરને ભંજડો ડૂંગર કહેવામાં આવે છે. આ ડુંગર પર હર વર્ષે ભંજડા દાદાનો મેળો ભરાય છે અને ખડિર બેટના મહત્વના મેળાઓમાંથી એક છે. આ ડુંગર પર કરોડો વર્ષો જૂના ફોસિલ પણ સંશોધકોને મળી આવ્યા છે અને તે કારણે આ ડુંગર વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે.

    આ ડુંગર બધી ઋતુમાં એક અલગ દૃશ્ય પ્રવાસીઓને આપે છે. ચોમાસામાં ડુંગરની ચારેય કોર રણમાં વરસાદના પાણી ભરાઈ જાય છે અને ડુંગર પર ઠેર ઠેર ઘાસ ફૂટી નીકળતા આ ડુંગર લીલી ચાદર ઓઢી લે છે. તો ચોમાસા બાદ શિયાળામાં પાણી ઓછું થતાં સુરખાબ અને અન્ય યાયાવર પક્ષીઓ પણ અહીંના મહેમાન બને છે. તો ઉનાળા સુધીમાં પાણી સુકાઈ જતા અહીં મીઠું જામી જાય છે જે આ ભંજડાની સુંદરતામાં સોનામાં સુગંધ ભેળવવા જેવું કામ કરે છે.
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन