Home /News /kutchh /

Kutch: ઉનાળામાં હિજરત કરતા બન્નીના માલધારીઓને ચોમાસામાં કેમ કરવી પડી હિજરત? આ છે કારણ

Kutch: ઉનાળામાં હિજરત કરતા બન્નીના માલધારીઓને ચોમાસામાં કેમ કરવી પડી હિજરત? આ છે કારણ

માલધારીઓની

માલધારીઓની હિજરતથી ગામડાઓ થયા ખાલી

દર ઉનાળે પાણીના અભાવે કચ્છના બન્ની વિસ્તારમાં માલધારીઓને પોતાનું ગામ મૂકી અન્ય વિસ્તારમાં સ્થળાંતર થવું પડે છે પણ આ વખતે તો ચોમાસામાં અતિભારે વરસાદથી પાણી ભરાઈ જતાં ફરી માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે

  Dhairya Gajara, Kutch: "લડે વ્યા છડે વ્યા, કાહે ધણ ધણાર, તો ભ મીઠડો મુજો વતન બન્નીયનજો..." અર્થાત્ છોડી ગયા, મૂકી ગયા, ઢોર સાથે ન છૂટકે નીકળી આવ્યા, છતાં પણ મારો વતન બન્ની સૌથી મીઠો. કચ્છના બન્ની વિસ્તારમાં (Banni Kutch) ગામના લોકો હિજરત કરતી વેળાએ આ પંક્તિઓ સાંભાળવા મળતી હોય છે. હિજરત તો જાણે આ પંથકના માલધારીઓના (Banni Cattle herders) જીવનનું પર્યાય બની ગયું હોય તેમ દરેક તબક્કે તેમને વળગી રહે છે. દર ઉનાળામાં પાણીના અભાવે પોતાના ઘર ગામ મૂકી હિજરત કરી જતા આ માલધારીઓ (Cattle Herders Relocation) આ વર્ષે તો ઉનાળાની હિજરત પૂરી કરીને પોતાના વતન બન્નીમાં ફરી પહોંચ્યા જ હતા કે અતિભારે વરસાદથી (Kutch Rainfall) ગામોમાં પાણી ભરાઈ જતા 300થી વધારે પરિવારો ફરી હિજરત કરવા મજબૂર બન્યા છે.

  કચ્છનો બન્ની વિસ્તાર અનેક કારણસર વિશ્વવિખ્યાત છે. અહીંનો સફેદ રણ હોય, એશિયાનો સૌથી મોટું ઘાસિયા મેદાન હોય કે પછી દૂધ ઉત્પાદનમાં સિંહફાળો ધરાવતી બન્ની ભેંસ હોય, આ વિસ્તારે કચ્છને એક આગવી ઓળખ આપી છે. પણ રણોત્સવના ચાર મહિના બાદ આગ ઓકતી ગરમીમાં આ પ્રદેશ અગનભઠ્ઠીમાં ફેરવાઈ જાય છે. ધૂળની ઊડતી ડમરીઓ વચ્ચે પાણીની અછત એવી સર્જાય કે માલધારીઓને હર વર્ષે પોતાના ગામડા મૂકી પૂર્વ કચ્છ તરફ હિજરત કરવી પડે છે.

  તો ચોમાસુ શરૂ થતાં જ માલધારીઓ ફરી પોતાના માલ ઢોર લઈ વતન બન્ની તરફ પ્રયાણ કરે છે. આ વર્ષે પણ જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ વરસાદના આગમન સાથે બન્નીમાં પણ માલધારીઓનું આગમન થયું હતું. જો કે, આ વર્ષે મેઘરાજાએ મહેર વરસાવતા ભુજ તાલુકામાં 655 મી.મી. વરસાદ નોંધાયો હતો. સામાન્યપણે 411 મી.મી. વરસાદની બદલે આ વર્ષે સીઝનનો 159.37 ટકા વરસાદ પહેલા મહિનામાં જ વરસી જતા બન્નીના ગામડાઓ માટે આ ફરી આફત બની ઊભી રહી ગઈ હતી.

  બન્નીના ભગાડિયા, છસલા, સેરવો, સરાડા જેવા ગામોમાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં ગ્રામજનો સાથે પશુઓ માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તો ઉનાળાનું હિજરત પૂર્ણ કરી ગામડે પહોંચેલા માલધારીઓને ફરી પોતાના માલ ઢોર લઈ હિજરત કરવી પડી હતી. આવા સમયે માલધારીઓ ભગાડિયા ગામથી 10 કિલોમીટર દૂર આવેલા એક ઊંચા ટેકરા જેવા પ્રદેશમાં જઈને ચોમાસુ વિતાવે છે. હાલ બન્નીના વિવિધ ગામડાઓમાંથી 300 કરતા વધારે પરિવારો પોતાની 1000 કરતા વધારે ગાય ભેંસો સાથે અહીં સ્થળાંતર થયા છે.

  ગુગરધૂઈ નામ અપાયેલું આ પ્રદેશ તેમને વરસાદના પાણી ભરાવાથી તો બચાવે છે પણ બીજી અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે. અહીંથી વાયા નિરોણા 40 કિલોમીટર દૂર આવેલા જિલ્લામથક ભુજ સુધી પહોંચવા ખખડધજ માર્ગના કારણે તેમને ભિરંડિયારા થઈને 80 કિલોમીટરનો ફેરો ખાવો પડે છે જેમાં દોઢ કલાકનો ફરક પડે છે. એક પખવાડિયા અગાઉ જ ગામની એક બાળકીને તાવ ચડતા એમ્બ્યુલન્સ મારફતે ભુજ લઈ જવામાં વિલંબ થતાં બાળકીની હાલત ગંભીર થઈ હતી અને બે દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ આખરે તેણે પોતાની આંખો મીંચી દીધી હતી.
  Published by:Santosh Kanojiya
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन