Home /News /kutchh /Kutch: દારૂની કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી અને 40 લાખનો માલ પકડાયો, કુખ્યાત બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ
Kutch: દારૂની કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી અને 40 લાખનો માલ પકડાયો, કુખ્યાત બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ
પોલીસે દારૂની 9060 બોટલો અને બિયરના 4080 ટીન સહિત ત્રણ વાહન કબ્જે કર્યા
'કચ્છના જાણીતા બુટલેગરે' મંગાવેલા માલ કટિંગ થઈ રહ્યો હતો તે સમયે જ પોલીસે દરોડો પાડી રૂ. 40 લાખનો અંગ્રેજી શરાબ અને બિયર પકડી પાડ્યું તો સાથે જ કુખ્યાત બુલેગરનો માણસ દબોચાયો.
Dhairya Gajara, Kutch: દારૂબંધી (Alcohol Prohibition) હોવા છતાં અન્ય જિલ્લાઓમાંથી પૂર્વ કચ્છમાં (East Kutch) આવતો દારૂ અવારનવાર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે. તો સોમવારે રાત્રે ફરી એક વખત પૂર્વ કચ્છના વરસામેડીમાં દારૂના મોટા જથ્થાનું કટિંગ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા તેના પર ધામો બોલાવી રૂ. 40 લાખનો અંગ્રેજી શરાબ (IMFL Liquor) કબ્જે કર્યો હતો. તો સાથે જ બે ટ્રક અને એક પિકઅપ ગાડી સહિત કુલ રૂ. 90 લાખનો માલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. જો કે માલ મંગાવનાર જિલ્લાનો જાણીતો બુટલેગર (Kutch Bootlegger) પોલીસના હાથે આવ્યો ન હતો.
અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુખવિંદર સિંહ ગડ્ડુ અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એ. બી. પટેલને મળેલી સંયુક્ત બાતમીના આધારે અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલી ગાયત્રી સોસાયટીના પાછળના ભાગે થઈ રહી દારૂની કટિંગ પર પોલીસે રેડ પાડી હતી. ગેરકાયદેસર માલ મંગાવનાર ઈસમ અન્ય નાના વેપારીઓને દારૂનો માલ સગેવગે કરે તે પહેલાં જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી દારૂના ગેરકાયદેસર જથ્થા સાથે એક ઈસમને પકડી પાડયો હતો.
અંજાર પોલીસ તરફથી મળતી વિગતો મુજબ દારૂના પકડાયેલ જથ્થામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 9060 બોટલો પકડી પાડવામાં આવી હતી જેની કિંમત રૂ. 36,71,700 છે. તો સાથે જ બિયરના 4080 ટીન પણ પોલીસે જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂ. 4,08,000 હતી. આમ, પોલીસે સ્થળ પરથી રૂ. 40,79,700નો ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડી પાડયો હતો. તો દારૂની કટિંગ કરવા માટે વપરાયેલ બે ટ્રક અને એક બોલેરો પીકપ ગાડી મળી પોલીસે કુલ રૂ. 90,89,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે આ માલ કચ્છના જાણીતા બુટલેગર મનુભા વીઠુભા વાઘેલા દ્વારા મંગાવવામાં આવ્યું હતું જેના પાસે કામ કરતો નવલદાન રિશીદાન દાસ સ્થળ પરથી પકડાયો હતો. તો પોલીસે પકડાયેલ આરોપી સિવાય માલ મંગાવનાર મનુભા, સુજીત તિવારી ઉપરાંત માલ મોકલનાર તેમજ ટ્રક અને પીકપ ગાડીઓના ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.