Dhairya Gajara, Kutch: શિયાળા સમયે કચ્છના બન્ની વિસ્તારને રણોત્સવ માટે દુલ્હનની જેમ શણગારવામાં આવે છે પણ જેમ રણોત્સવ પૂરો થયા અને ગરમીની શરૂઆત થાય તેમ આ વિસ્તાર તરફ કોઈ એક નજર પણ જોતું નથી. રણોત્સવમાં યજમાન બની લાખો પ્રવાસીઓને આવકારતો બન્ની વિસ્તાર ફરી ઉનાળો શરૂ થતાં દર વર્ષની જેમ પાણી માટે તરસી રહ્યો છે. તે કારણે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ પોતાના ગામમાંથી હિજરત શરૂ કરી છે. અહીંના માલધારીઓને પોતાની નહીં પરંતુ પોતાના માલ ઢોરની ચિંતા હોય છે. જેમ કોઈ પરિવાર પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટા શહેર તરફ સ્થળાંતર કરે છે બસ તેમજ આ બન્નીના માલધારીઓ પણ પોતાના બાળકો એટલે કે તેમના માલ ઢોર માટે આ ત્રણ મહિના અન્ય સ્થળે હિજરત કરે છે.
અર્થાત્ છોડી ગયા, મૂકી ગયા, ઢોર સાથે ન છૂટકે નીકળી આવ્યા, છતાં પણ મારો વતન બન્ની સૌથી મીઠો.
કચ્છના બન્ની વિસ્તારમાં ગામના લોકો હિજરત કરતી વેળાએ આ પંક્તિઓ સંભાળવા મળતી હોય છે. હિજરત તો હવે જાણે કોઈ ક્રિયા નહીં પરંતુ કોઈ ઋતુ હોય તેમ દર બાર મહિને તેમના જીવનનો એક નિયમિત ક્રમ બની ગયો છે. માનવ વસતી સામે ત્રણથી ચાર ગણા વધારે પશુઓની વસતી ધરાવતા આ ગામોને દિવસમાં માત્ર એક કલાક જેટલું જ પાણી મળે છે. અહીંના લોકો તો આ ભેંસોના અવાડામાં આવતું ખારું પાણી પણ પી લે છે પરંતુ અહીંની બન્ની ભેંસોને આટલું પાણી પૂરું પાડતું નથી. માટે જ દર વર્ષની જેમ ફરી એકવખત ઉનાળો શરૂ થતાં જ માલધારીઓ પોતાના ઘરવખરીનો સામાન ગાડીમાં ભરી, પોતાના માલ ઢોરને ટ્રકમાં ભરી પોતાના વતનને ત્રણ મહિના માટે અલવિદા કહી રહ્યા છે.
નાના સરાડો જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ગુલામ મીઠા ખાને News18ને જણાવ્યું હતું કે, \"ગામની સીમમાં આવેલા ઘાસમાં આગ લાગી ગયા બાદ હવે ઘાસની અછત ઊભી થઈ છે. અનિયમિત પાણીના કારણે ટાંકા એટલા ખાલી થઈ ગયા છે કે તેમાં જો આગ લગાવવી હોય તો પણ લાગી શકે.\" પંચાયતના પૂર્વ સરપંચ ફકીરમામદ જતે જણાવ્યું હતું કે ગામના તળાવોમાં હવે પાણી તળિયે છે અને ખૂબ જ ગંદો છે. \"અવાડામાં પૂરતો પાણી ન મળતાં અમારા માલ ઢોરને ન છૂટકે તળાવનો ગંદો પાણી પીવો પડે છે અને તે કારણે તે બીમાર પડે છે અને તેમના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ પાણીની સમસ્યાને કારણે જ ગામની અનેક ભેંસોના પાંચથી છ મહિનાનો ગર્ભ પડી જાય છે.\"
ગત વર્ષે કચ્છની એક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે લાઈવ જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્નીના આ માલધારીઓ માટે ચિંતા વ્યક્ત કરતા તેમને આગ્રહ કર્યું હતું કે તેઓ પોતાના ગામ મૂકીને હિજરત ન કરે, પરંતુ જીવનની સૌથી અગત્યની વસ્તુ પાણી વગર આ માલધારીઓ પણ લાચાર બન્યા છે. પોતાના માટે નહીં તો પોતાના પશુઓ માટે વર્ષે ને વર્ષે માલધારીઓ આ ત્યાગ કરતા આવ્યા છે.