Home /News /kutchh /

Kutch: પહેલા જ વરસાદે કચ્છનું વર્ષ સુધર્યું; 13 મોટા અને 71 નાના ડેમ ઓવરફ્લો

Kutch: પહેલા જ વરસાદે કચ્છનું વર્ષ સુધર્યું; 13 મોટા અને 71 નાના ડેમ ઓવરફ્લો

મધ્યમ સિંચાઈના 13 ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોને ખેતી માટે રહેશે લાભકારક

આ વર્ષે ચોમાસાના આગમન સાથે જ પહેલા વરસાદમાં અનેક તાલુકાઓમાં 20 થી 25 ઇંચ વરસાદ થતાં નાની સિંચાઇ અને માધ્યમ સિંચાઇના અનેક ડેમ ઓવરફ્લો થયા છે જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.

    Dhairya Gajara, Kutch: પોતાની ભૌગોલિક પરિસ્થિતિના કારણે કચ્છ જિલ્લાએ (Kutch District) અનેક દુષ્કાળ (Drought in Kutch) જોયા છે. રણપ્રદેશ કચ્છમાં ભૂતકાળમાં લોકોએ ત્રણ ત્રણ વર્ષ સુધી દુષ્કાળવેઠ્યો છે પણ હવે અહીંની પરિસ્થિતિ બદલી છે. છેલ્લા થોડા વર્ષોથી જો સચરાચર વરસાદ (Kutch Rainfall) ન થતું હોય તો દુષ્કાળ પણ આ જિલ્લાને જોવું પડ્યું નથી. ચાલુ વર્ષે પણ ચોમાસાના (Kutch Monsoon) આગમન સાથે જ જિલ્લાના મોટાભાગના ડેમ (Kutch Dams) ઓવરફ્લો થયા છે.

    કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇના 20 ડેમો આવેલા છે અને નાની સિંચાઈના 170 ડેમો છે. જુલાઈ મહિનાની શરૂઆતથી જ કચ્છ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે અને રાજ્યમાં સૌથી વધારે વરસાદ સરહદી જિલ્લા કચ્છમાં વરસ્યો છે. જિલ્લામાં ચાલુ સીઝનમાં 99.44% જેટલો વરસાદ નોંધાયો છે. મધ્યમ સિંચાઇના 13 અને નાની સિંચાઇના 71 ડેમો છલકાઈ ચૂક્યા છે.

    આ વખતે ચોમાસુ બેસતાની સાથે જ કચ્છમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. પહેલા જ વરસાદમાં મધ્યમ કક્ષાના કચ્છના 20 ડેમમાં 50 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થઈ ચૂક્યો છે. કચ્છની ખેતીવાડીને ઉનાળુ-શિયાળાના પાક માટે સિંચાઈ આપતા 20 મધ્યમ કક્ષાના જળાશયમાંથી 13 ડેમ તો છલકાઈ ગયા હતા. ખાસ કરીને જે વિસ્તારમાં હંમેશાં ઓછો વરસાદ પડે છે એવા અબડાસા અને લખપતના 5 મોટા ડેમ પ્રથમ વરસાદે ઓગની જતાં આવનારા આખા વર્ષ માટેના સારા સંકેત છે.


    સિંચાઈ વિભાગના કન્ટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ કચ્છના મોટા ડેમો એવા અબડાસાના કંકાવટી, લખપતનો ગોધાતડ, લખપતનો સાનનધ્રો, અબડાસાનો જંગડીયા, અબડાસાના બેરાચિયા, લખપતનો ગજણસર અને મુન્દ્રા તાલુકાનો કારાઘોઘા ડેમ ઓગની ગયા છે. આ ડેમ અહીંની જન વસ્તીને પીવાનું પાણી પણ આખું વર્ષ આ પુરું પાડે છે. વર્ષ દરમિયાન સિંચાઈની સાથે પીવાના પાણીની સમસ્યા પણ એક જ દિવસમાં હલ થઈ ચૂકી છે.

    ગોધાતડ, સાનનધ્રો, નિરૂણા, ભૂખી, કંકાવટી, મથલ, કાયલા, જગડીયા, વેરાચીયા, ગજણસર, કારાગોગા, ડોણ અને મીઠ્ઠી આ તમામ મધ્યમ સિંચાઈના ડેમ છે જેમાં 100 ટકા પાણીનો જથ્થો સંગ્રહીત થઈ ગયો છે. પીવાના પાણીની વાત કરીએ તો કંકાવટી, મીઠી, ગોધાતડ જેવા ડેમ અંદાજે દોઢસો ગામોને પીવાનું પાણી પુરું પાડે છે. આ ઉપરાંત મુન્દ્રા તાલુકાના કારાઘોઘા ડેમમાં પણ 100 ટકા પાણી ભરાઈ ચૂક્યું છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે ને 50 ટકાથી પણ વધારે પાણી આવી ગયા છે તેમાં 13 ડેમ ઓગની ચૂક્યા છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

    કચ્છમાં વરસી રહેલા અનરાધાર વરસાદે નાની સિંચાઇના 170 ડેમમાંથી 71 ડેમને છલકાવી દીધા છે. ઓગની ગયેલા 71 ડેમમાં સૌથી વધુ અબડાસાના 24 ડેમમાંથી 19 ડેમમાં ઉસ્તિયા, કૂવા પદ્ધર, બાલાચોડ, સરગુઆરા, બુરખાણ, ભારાપર, સુથરીનું બળવંત સાગર, વાઘા પદ્ધર, બુટા, કાલરવાંઢ, મંજલ રેલડિયા, ગોયલા, વમોટી, સણોસરા, કાપડીસર, વાયોર, ચકુડા બાંડિયા, નાની બેર અને પિયોણીનો સમાવેશ થાય છે.

    જિલ્લા પંચાયતની નાની સિંચાઇ કચેરીથી મળતી વિગતો મુજબ ભુજના 10, માંડવીના 18, મુંદરાના 2, નખત્રાણાના 3, લખપતના 13, અબડાસાના 27 નાની સિંચાઇના ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે અંજાર, રાપર અને ભચાઉ તાલુકાના ડેમોમાં નવા નીર આવ્યા છે પણ હજુ ઓવરફ્લો થયા નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Gujarat rain, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन