Home /News /kutchh /Kutch: કચ્છ યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યો છે જૂથવાદ, વિદ્યાર્થીઓ PhDથી કેમ છે વંચિત?

Kutch: કચ્છ યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યો છે જૂથવાદ, વિદ્યાર્થીઓ PhDથી કેમ છે વંચિત?

કચ્છ યુનિવર્સિટીમાં જૂથવાદ વકર્યો

ત્રણ વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષા યોજાઇ નથી ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપતી માસિક સ્કોલરશીપ સહાયથી પણ કચ્છના વિદ્યાર્થીઓ વંચિત

  • Hyperlocal
  • Last Updated :
  • Kachchh, India
    Dhairya Gajara, Kutch: સમય સાથે ભારતનું સાક્ષરતા દર તો વધી રહ્યું છે અને સાથોસાથ ગ્રેજ્યુએશન દર પણ વધી રહ્યું છે. સ્નાતક કક્ષાનું અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ સતત વધી રહી છે અને તે કારણે જ અનુસ્નાતક અને ડોક્ટરેટ કક્ષાનો અભ્યાસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ પણ વધી રહ્યા છે. કચ્છમાં પણ હવે ડોક્ટરેટ પદવી માટે અભ્યાસ અને રિસર્ચ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ યુનિવર્સિટીના અંદરોઅંદર ચાલતા જૂથવાદ વચ્ચે અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી અંધારામાં મુકાઈ ગઈ છે.

    2005માં કચ્છ યુનિવર્સિટીની શરૂઆત સાથે કચ્છના શિક્ષણ જગતમાં એક નવો સૂર્યોદય થયો હતો. ગ્રામીણ પ્રદેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ અભ્યાસ માટે એક સારી તક આ યુનિવર્સિટી આપે છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સ બાદ યુનિવર્સિટીએ ડોક્ટરેટ ડિગ્રીના કોર્સ પણ શરૂ કર્યા હતા. જો કે, આ માટેની સીટ ખૂબ મર્યાદિત સંખ્યામાં હોતાં મોટાભાગના ઇચ્છુક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હતા.



    આ વચ્ચે ગત વર્ષે યુનિવર્સિટીએ એક સાથે 175 વિદ્યાર્થીઓને PhD માટે પ્રવેશ મળી શકે તે પ્રકારનું આયોજન કરી નવરાત્રી સમયે પરીક્ષા યોજવાનું નક્કી કર્યું હતું. પરંતુ યુનિવર્સિટીમાં અંદરોઅંદર ચાલતા જૂથવાદમાં એક જૂથે આ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા PhD પરીક્ષા પર સ્ટે આવ્યો હતો અને ફરિયાદ સંબંધિત તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટે આવતા જ PhDની પ્રવેશ પરીક્ષા માટે અરજી કરનારા 580 વિદ્યાર્થીઓની કારકિર્દી અધ્ધરતાલ લટકી પડી હતી.

    આ મુદ્દે યુનિવર્સિટી ના રજીસ્ટ્રાર ડૉ. જી.એમ. બુટાણીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદોની યોગ્ય તપાસ થાય બાદ જ્યારે પરીક્ષા લેવાની પરવાનગી મળી ગઈ ત્યારે ફરી ફરિયાદ કરવામાં આવતા છેલ્લા એક વર્ષથી PhD પરીક્ષા લેવાઈ શકી નથી. જો કે, રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આની તપાસ પૂર્ણ થશે અને પરીક્ષાની જાહેરાત કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટીમાં PhD માટેની પરીક્ષા છેલ્લે 2019 ડિસેમ્બરમાં લેવાઈ હતી, જેને હવે ત્રણ વર્ષ થવા આવ્યા છે. ગત વર્ષે પણ 580 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી હતી જે બાદ આ વર્ષે પરીક્ષામાં બેસવા ઈચ્છતા 200 જેટલા વિદ્યાર્થીઓ પણ વધશે. તેની સામે યુનિવર્સિટી પાસે માત્ર 175 સીટ જ છે. જો આ વર્ષે પરીક્ષા લેવાય તો પણ અંદાજે 800 થી 1000 જેટલા વિદ્યાર્થીઓમાંથી માત્ર 175ને જ પ્રવેશ મળી શકે. તે જ કારણે યુનિવર્સિટીના આંતરિક જૂથવાદની અસર સીધી કચ્છના વિદ્યાર્થીઓ અને તેમના ભવિષ્ય પર પડી રહી છે.

    પરીક્ષાના રૂ. 500 અટક્યા અને માથે 1.80 લાખની ખોટ

    ગત વર્ષે યોજાનારી પરીક્ષા માટે 580 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા માટે રૂ. 500 ફી ભરી હતી જે હજુ સુધી તેમને પરત મળ્યા નથી. રાજ્ય સરકાર દ્વારા હર વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે PhDના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી તેમને માસિક રૂ. 15 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ન યોજાયેલ પરીક્ષાના કારણે કચ્છના અનેક વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. તો આ વર્ષે પણ ડિસેમ્બર પહેલા આ સમસ્યાનો નિરાકરણ ન આવે તો વધુ એક વર્ષ વિર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહેશે.
    First published:

    Tags: Kutch, Local 18, Students

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन