Dhairya Gajara, Kutch: યુવાનો ઉપરાંત દરેક વયના લોકો સમગ્ર વર્ષ નવરાત્રિની રાહ જોતા હોય છે. સૌ કોઈ માતાજીની ભક્તિમાં ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના નવરાત્રિના રંગમાં ભંગ કર્યો હતો પણ આ વર્ષે કોરોનાના નિયંત્રણો ન હોવાથી ફરી એકવખત ખેલૈયાઓના પગ થનગની રહ્યા છે. જો કે, કચ્છમાં છેલ્લા બે વર્ષથી બંધ થયેલી કોમર્શિયલ નવરાત્રી મહોત્સવમાંથી આ વર્ષે પણ મોટા ભાગના આયોજન રદ્દ કરવામાં આવ્યા છે. કચ્છના સૌથી મોટા એવા ભુજના બે નવરાત્રી મહોત્સવ પણ આ વર્ષે રદ્દ કરવામાં આવ્યા છે. આ વચ્ચે શેરી ગરબા મહોત્સવ ફરી એકવખત ઠેર ઠેર ધૂમ મચાવશે.
કચ્છમાં છેલ્લા અનેક વર્ષોથી મોટા પાયે આયોજિત કરવામાં આવતી કોમર્શિયલ નવરાત્રી મહોત્સવ ધૂમ મચાવી રહી હતી. મોટા ગાયકો, સેલિબ્રિટી અનેદૂર-દૂર સુધી સંગીત સંભળાવતા લાઉડસ્પીકર સાથે યોજાતા આ નવરાત્રિ મહોત્સવમાં જિલ્લાભરમાંથી લોકો ગરબા રમવા ઉમટે છે. મોંઘાદાટ પાસ ખરીદીને પણ લોકો આ આયોજનોને માણવા જતા પણ કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી આ કોમર્શિયલ નવરાત્રી પર બ્રેક લાગી ગયો છે.
બે વર્ષ પહેલા કોરોના કાબૂ બહાર હોતાં મોટા સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જ્યારે કે ગત વર્ષે કોમર્શિયલ નવરાત્રી પર પ્રતિબંધ લગાવી શેરીઓમાં યોજાતા ગરબા માટે અનુમતિ આપી હતી. ત્યારે આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવા છતાંય મોટા ભાગના આયોજકોએ આ નવરાત્રિમાં આયોજન રદ્દ રાખ્યા છે. ભુજમાં યોજાતી રોટરી નવરાત્રી મહોત્સવ અને ડ્રીમ્સ નવરાત્રી આ વર્ષે રદ્દ રાખવામાં આવી છે. જો કે, ટાઇમસ્ક્વેર ગ્રુપ દ્વારા ધ વિલા ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ આ વર્ષે પણ યોજવામાં આવશે.
જ્યારે બીજી તરફ વાત કરીએ તો ભુજની વિવિધ શેરીઓમાં વર્ષો, દાયકાઓ અને સદીઓ જૂના આયોજનો આ વર્ષે પણ અવિરત ચાલુ રહેશે. વોકળા ફળિયા અને ગેરવાળી વંડી જેવી શેરીઓમાં વર્ષો જૂની ગરબાની પરંપરા અવિરત રહેશે. તો શહેરના નાગર ચકલામાં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને બાલિકાઓ માટે યોજાતો નવરાત્રી મહોત્સવ પણ આ વર્શ યોજવામાં આવશે.
તો છેલ્લા થોડા વર્ષોથી ભુજના વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શરૂ કરાયેલ ગરબા મહોત્સવ પ્રાચીન સંસ્કૃતિ સાથે આ વર્ષે પણ ઉજવાશે. સાથે જ શહેરના પબુરાઈ ફળિયા મિત્રમંડળ દ્વારા યોજાતી નવરાત્રી પણ પારંપરિક ઢબે આ વર્ષે પણ ઉજવવામાં આવશે, જેમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર બાલિકાઓને જ રમવાની અનુમતિ રહેશે..