Dhairya Gajara, Kutch: આજરોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day in Dholavira) નિમિત્તે વિશ્વના 193 દેશો સાથે મૈસુર પેલેસ, કર્ણાટકથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) અને સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (CM Bhupendra Patel) રાજ્યકક્ષાનો અને કચ્છના સફેદ રણ ધોરડો (Kutch White Desert) ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. તો વડાપ્રધાનની ઈચ્છા મુજબ કચ્છમાં ત્રણ હજારથી વધારે સ્થળો પર લોકોએ ઉત્સાહપૂર્વક યોગ દિવસ નિમિતે ભાગ લઈ યોગાસન કરતા હતા.
રાજ્યના 75આઇકોનિક સ્થળો પૈકી કચ્છ જિલ્લાના સાત સ્થળોએ પણ આજરોજ યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જે પૈકી સફેદ રણ ઉપરાંત ધોળાવીરા, લખપત ગુરુદ્વારા, આઈના મહેલ ભુજ, વિજયવિલાસ પેલેસ માંડવી, માંડવી બીચ, મુન્દ્રા પોર્ટમાં પણ યોગ પ્રેમીઓએ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી. આ તકે 3000 થી વધુ યોગઅભ્યાસીઓ ઉપસ્થિત રહીને યોગાસનો કર્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના તાલુકાઓમાં, સાત નગરપાલિકા તેમજ તમામ ગ્રામ પંચાયતો, 1882પ્રાથમિક શાળાઓ, 483માધ્યમિક શાળાઓ, 44 કોલેજો અને યુનિવર્સિટી તથા 10 આઇ.ટી.આઇ, 523 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, બે જિલ્લા પોલીસ જેલ, 31 પોલીસ સ્ટેશન, તેમજ ગ્રામ્યકક્ષાએ712 સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યોગાઅભ્યાસનું આયોજન કરાયું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં કુલ 3906 યોગના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં જિલ્લામાં અંદાજે પાંચ લાખ જેટલા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે કચ્છની સૌપ્રથમ સુપર સ્પેશ્યલીટી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કચ્છ આ વર્ષના વિશ્વ યોગ દિને વિશ્વ રેકોર્ડ સ્થાપે. તો વડાપ્રધાનના આહવાન મુજબ કચ્છમાં ઠેર ઠેર જોરે શોરે આ નિમિતે કાર્યક્રમ યોજાયા હતા. વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ટેલી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. તો તે ઉપરાંત કંડલા પોર્ટ પર પણ તરત જહાજ પર લોકોએ યોગાસન કર્યા હતા.