Home /News /kutchh /Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંજાર બેઠકનું સમજો રાજકીય ગણિત

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંજાર બેઠકનું સમજો રાજકીય ગણિત

અંજાર વિધાનસભા ચૂંટણી 2022

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પર સૌની નજર છે. ભાજપ (BJP) પોતાની સત્તા ટકાવી રાખવા મથી રહ્યું છે તો કોંગ્રેસ (Congress) અને આપ (AAP) સત્તા મેળવવા માટે. અંજાર બેઠક (Anjar Constituency) પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો કેસરિયો લહેરાઇ રહ્યો છે.

વધુ જુઓ ...
  અંજાર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) ને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) સહિત રાજકીય પક્ષોએ જીતના દાવા સાથે શ્રીગણેશ કર્યા છે.  રાજકીય માહોલ ગરમી પકડી રહ્યો છે ત્યારે સૂડી, ચપ્પા સહિત ઓજાર માટે જાણીતા અંજાર બેઠકના રાજકીય સમીકરણ તપાસીએ. આ બેઠક પર અગાઉ કોંગ્રેસનો હાથ હતો પરંતુ છેલ્લી ટર્મથી સતત ભાજપનો દબદબો છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અહીં કેવા સમીકરણો સર્જાશે એ તો સમય જ બતાવશે.

  કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 સીટો છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે.આમ તો વર્ષોથી કચ્છ ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, જ્યારે 1 સીટ પર કોંગ્રેસનો હાથ છે.

  અંજાર એટલે મંદિરોનું નગર


  અંજાર બાર-તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. અંજાર મંદિરોનું શહેર પણ કહેવાય છે. અંજાર છરી ચાકૂની બનાવટ, ચામડાની બનાવટો, બાટીક ઉદ્યોગ જગ વિખ્યાત છે. કચ્છ જીલ્લાની એક અતિ મહત્વની વિધાનસભા બેઠક અંજાર કચ્છનું સૌથી જુનું શહેર છે.

  જેસલ-તોરલની ઐતિહાસિક સમાધી ધરાવતા આ વિસ્તારમાં અંજાર અને ભુજ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં અંજાર તાલુકો અને ભુજ તાલુકાના ગામો ધ્રાંગ, લોડાઈ, વાંત્રા, ધરમપુર, જવાહરનગર, લોઠિયા, મોડસર, મોખાણા, ડગાળા સહિત કુલ 66 ગામોનો સમાવેશ થાય છે.

  અંજાર વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા

  કચ્છ જિલ્લામાં વિધાનસભાની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે અંજાર મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 2,68,185 મતદારો છે, જે પૈકી 1,36,952 પુરુષ મતદારો છે, જ્યારે 1,31,233 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

  અંજાર વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો

  કચ્છની અંજાર વિધાનસભા બેઠકમાં આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, લેવા પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53 ટકા પુરુષો છે અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 73 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 86 ટકા અને 73 ટકા છે. ટૂંકમાં અહીં ક્ષત્રિય, દલિત, મુસ્લિમ, આહિર, પટેલ, બ્રાહ્મણ, લોહાણા વગેરે સાથે જ ઓબીસી મતદારોની સંખ્યા નિર્ણાયક છે.

  2012ની ચૂંટણીના પરિણામ

  વર્ષ 2012માં અંજાર વિધાનસભા બેઠક માટે કુલ 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં અંજાર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 1,91,008 મતદારો પૈકી કુલ 1,36,635 મતદારોએ મત આપ્યા હતા.

  અંજાર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર વી કે હુંબલને 60,061 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર વાસણ આહિરને 64,789 મત મળ્યા હતા અને 2012માં અંજાર વિધાનસભા બેઠક માટે વાસણ આહીર 64,789 મત મેળવી વિજેતા બન્યા હતા. વાસણ આહીર 4728 મતથી વિજેતા બન્યા હતા.

  2017ની ચૂંટણીના પરિણામ

  2017 અંજાર વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ જોઇએ તો વર્ષ 2017માં અંજાર વિધાનસભા બેઠક માટે કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અંજાર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,29,493 મતદારો પૈકી કુલ 1,56,253 મતદારોએ મત આપ્યા હતા.

  અંજાર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને 64,018 મત મળ્યા હતા. જ્યારે વાસણ આહીર 75,331 મત મેળવી વિજેતા બન્યા હતા. વાસણ આહીર 11,313 મતથી વિજેતા બન્યા હતાં. આ બેઠક પર આહીર સમાજનું પ્રભુત્વ વધારે હોવાના કારણે ઉમેદવાર તરીકે ભાજપ કે કોંગ્રેસ કોઈ મોટો બદલાવ નહીં કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

  અંજાર વિધાનસભા બેઠક પર હાર-જીતની સમીકરણો 
  વર્ષવિજેતા ઉમેદવારના નામપક્ષ
  2017વાસણભાઈ આહિરBJP
  2017વાસણભાઈ આહિરBJP
  2007ડૉ. નીમાબેન આચાર્યBJP
  2002ડૉ. નીમાબેન આચાર્યINC
  1998વાસણભાઈ આહિરBJP
  1995વાસણભાઈ આહિરBJP
  1990નવીનભાઈ શાસ્ત્રીINC
  1985નવીનભાઈ શાસ્ત્રીINC
  1980ખીમજી જેસંગINC
  1975ઠક્કર પ્રેમજીભાઈINC
  1972ખીમજી જેસંગINC
  1967એન એચ ગઝવાનીINC
  1962મુળજી પરસોત્તમSWA

  માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામમાં ભલે ભાજપને જીત મળી હોય પરંતુ અહીં પણ ભાજપના મત ઓછા થયા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના વાસણભાઈ આહિર વિજેતા બન્યા હતા.

  મતદારોની આ છે માંગ


  • અંજાર શહેરમાં અવારનવાર ટ્રાફિક જામ સર્જાતાં લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે.

  • અંજારથી ગાંધીધામ સુધીના રોડની ડાબી તરફનો સળંગ સર્વિસ રોડ વિકસાવવો

  • વરસાદ પહેલા ડ્રેનેજ સિસ્ટમ બનાવવા, વરસાદી નાળાની ગંદકી દૂર કરી સફાઈ કરવી

  • રસ્તાઓનુ રીસર્ફેસીંગ, મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીનો નિકાલ થાય એવું ઇચ્છે છે નગરજનો.

  • આંતરીક રસ્તાઓ સુધારી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થિત કલરના પટ્ટા લગાડવાની પણ માંગ છે.

  • વિવિધ ટેલીકોમ કંપનીઓના ટાવરની સમસ્યાથી પણ લોકો ત્રસ્ત છે.

  • શહેરના વિકાસ માટે ફાળવાયેલા પ્લોટો અને બગીચાનું નવીનીકરણ તથા તેની જાળવણી કરવા ઇચ્છે છે લોકો.

  • રખડતા ઢોરમાંથી મુકિત મળે એવું લોકો ઇચ્છી રહ્યા છે. રખડતા ઢોરોની સમસ્યાથી છાશવારે નાના મોટા અકસ્માત સર્જાય છે.

  • બંધ ટ્રાફિક સિગ્નલો શરૂ કરવાની પણ માંગ ઉઠી રહી છે.

  • શાક અને ફ્રુટ વિક્રતાઓને નવી શાક માર્કેટ ઉપલબ્ધ કરાવવા સહિતના મુદાઓ 2022ની ચૂંટણીમાં મહત્વના બની શકે છે.


  અંજાર વિધાનસભા બેઠકમાં આવું પણ બન્યું

  અંજાર વિધાનસભા બીજેપી નામના એક ગ્રુપમાં થોડા સમય પહેલા જ ભાજપના જ એક સક્રિય સભ્યએ પોતાની બિભત્સ સેલ્ફી શેર કરતા ચકચાર મચી હતી. અંજાર વિધાનસભા બીજેપીના આ વોટ્સઅપ ગ્રુપમાં પૂર્વ મંત્રી વાસણ આહિર સહિત અનેક મહિલા સભ્યો પણ સામેલ હતી.

  ભુજ તાલુકાના આહિર પટ્ટીના અને અંજાર વિધાનસભા મતવિસ્તારમાં આવતા એક ગામના ભાજપના સક્રિય સદસ્યએ પોતાની ખૂબ જ અશ્લીલ અને અર્ધનગ્ન સેલ્ફી શેર કરી દીધી હતી. રાત્રીનો ભાગ હોવાથી તથા થોડીવારમાં જ આ તસવીર ડિલિટ કરી દેતા મોટાભાગના ગ્રુપના સભ્યોને આ બનાવની જાણ થઇ ન હતી. જોકે વોટ્સઅપ ગ્રુપના કેટલાક સક્રિય સભ્યોએ તાત્કાલિક આ તસવીરનો સ્ક્રીનશોટ લઇ લીધો હતો અને આ માહિતી ફેલાવી દીધી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : લેટેસ્ટ ન્યૂઝ માટે ક્લિક કરો

  ગ્રપુના એડમિન રણોછડ વાસણ આહિરે આ બાબતે જણાવ્યું હતું કે આ અંગે તેમને જાણકારી મળી હતી, જે બાબતે તેમણે પોતે તપાસ આદરી, સાથે જ આ વ્યવહાર માટે જે જવાબદાર હતા તેને ગ્રુપમાંથી દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

  કોંગ્રેસના ગઢમાં ભાજપે આ બેઠક પર ગાબડું પાડી પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. હવે આગામી ચૂંટણીમાં મતદારોને મોંઘવારી સહિતના મુદ્દા અસર કરે છે કે પછી વિકાસનો મુદ્દો સ્પર્શે છે એ જોવાનું રહ્યું.
  Published by:Hareshkumar Suthar
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, અંજાર

  विज्ञापन
  विज्ञापन