Kutch: કચ્છમાં અસહ્ય ગરમી વચ્ચે બીમારી વધતા 108 ઇમરજન્સી સેવામાં 17 ટકાનો થયો વધારો
Kutch: કચ્છમાં અસહ્ય ગરમી વચ્ચે બીમારી વધતા 108 ઇમરજન્સી સેવામાં 17 ટકાનો થયો વધારો
નિષ્ણાંતોએ લોકોને ગરમીથી બચવા તકેદારી રાખવા સલાહ આપી
એપ્રિલ મહિનાથી વધેલી ગરમીના કારણે લોકોમાં તાવ, ઝાળા ઉલ્ટી જેવી બીમારીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે 108 ઇમરજન્સી સેવા માટે આવતા કોલમાં પણ 17 ટકાનો વધારો થયો છે
Kutch: એપ્રિલ મહિનાથી જ કચ્છમાં ઉનાળાની (Kutch Summer) શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલ મે મહિનો શરૂ થતાં ગરમીએ પોતાનુંવિકરાળ રૂપ કચ્છના લોકોને બતાવી રહી છે. રણ પ્રદેશ (Desert Region) હોવાના કારણે કચ્છમાં સામાન્યપણે ગરમીનો પ્રકોપ વધુ રહેતો હોય છે, તેમાં પણ આ વર્ષે તો ગરમીએ લોકોને બેહાલ કરી મૂક્યા છે. તેવામાં ગરમીના કારણે વધારે સંખ્યામાં લોકો બીમાર (Kutch Rise in Diseases) પડી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સને (108 Ambulance) આવતા ઇમરજન્સી કોલની (Health Emergency Calls) સંખ્યામાં પણ અનેક ઘણો વધારો જોવા મળ્યો છે.
સામાન્યપણે કચ્છમાં એપ્રિલ મહિનાથી જ ગરમી પુરઝોરે લોકોને બેહાલ કરવાનું શરૂ કરતી હોય છે. આ વર્ષે પણ એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં ગરમીનું જોર વધ્યું છે. દરિયાઈ વિસ્તાર સિવાયના ભાગોમાં લોકો ગરમીના કારણે પરેશાન થઈ રહ્યા છે. તેમાં પણ બન્ની જેવા રણ પ્રદેશમાં તો અંગ દઝાડતી લૂ અને ધૂળની ડમરીઓ વચ્ચે તે વિસ્તાર અગનભઠ્ઠામાં ફેરવાયું છે.
તો ગરમીના કારણે થતી બીમારીઓમાં પણ આ તાપના કારણે વધારો થયો છે. 108 એમ્બ્યુલન્સ સેવા માટે આવતા ઇમરજન્સી કૉલની માત્રામાં પણ 17 ટકાનો વધારો નોંધાયો છે. 108 દ્વારા એપ્રિલ મહિનામાં કુલ 4242 ઇમરજન્સી કોલ લેવામાં આવ્યા હતા જે ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની તુલનાએ 17 ટકા વધારે હતા. તો આ 4242 કોલમાંથી 728 કોલ ગરમી સંબંધિત ઇમરજન્સીના હતા.
તો 108 દ્વારા અપાયેલ માહિતી મુજબ એપ્રિલ મહિનાની શરૂઆતથી જ વધેલા કેસોના કારણે 108ના ઇએમટી અને પાયલટ પણ લોકોને સેવા પૂરી પાડવા સતત દોડી રહ્યા છે. રાબેતા મુજબના ઇમરજન્સી બનાવો વચ્ચે ગરમીના કારણે વધતી બીમારીઓના કારણે આ કર્મચારીઓના કામ પર પણ ભારણ વધ્યું છે.
આ ગરમીમાં દ્વિચક્રી વાહનો પર મુસાફરી કરતી વેળાએ લૂ લાગવી, તાપના કારણે પડી જવું, ચક્કર આવવા બેભાન થઇ જવું તેવી તકલીફો લોકોને સહન કરવી પડે છે. ત્યારે જ ગરમીના કારણે તાવ, શરદી, ઝાડા, ઉલ્ટી અને પેટના દુખાવા જેવા રોગોનું પ્રમાણ પણ વધ્યું છે તેવું તબીબોએ જણાવ્યું હતું.
આવા તાપમાં લોકોને બપોરના સમયે આવશ્યક કામ સિવાય બાહર ન નીકળવા, શરીરને હાઇડ્રેટ રાખવા તેમજ ઠંડી વસ્તુઓનું સેવન કરવાની સલાહ નિષ્ણાંતો આપી રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર