Kutch: ભુજ એરપોર્ટ પર કાર્યરત થઈ એમ્બ્યુલિફ્ટ: વપરાશ માટે 100 રૂપિયા લેશે ચાર્જ
Kutch: ભુજ એરપોર્ટ પર કાર્યરત થઈ એમ્બ્યુલિફ્ટ: વપરાશ માટે 100 રૂપિયા લેશે ચાર્જ
દિવ્યાંગજનો પાસથી પણ વસૂલાશે ચાર્જ
એક્સેસિબલ ઈન્ડિયા કેમ્પેઇન અંતર્ગત ભુજ એરપોર્ટ પર રૂ. 76 લાખના ખર્ચે એમ્બ્યુલિફ્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ સેવા માટે રૂ. 100 ભાડું પણ વસૂલવામાં આવશે.
Kutch: ભુજ એરપોર્ટ (Bhuj Airport) ખાતે આજથી ‘એમ્બુલિફ્ટ’ની (Ambulift) સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દેશના જે એરપોર્ટ પર એરોબ્રિજની (Airport Aerobridge) સુવિધા ન હોય ત્યાં દિવ્યાંગજનો અને વૃદ્ધ લોકો માટે પ્લેનમાં ચડ ઉતર કરવું મુશ્કેલરૂપ બની જાય છે. તો એક્સેસિબલ ઈન્ડિયા કેમ્પેઇન (Accessible India Campaign) અંતર્ગત એરપોર્ટ ઑથોરીટી ઑફ ઈન્ડિયા (Airport Authority of India) દ્વારા આવા જરૂરિયાતમંદ પ્રવાસીઓની સહાયતા માટે ભુજ એરપોર્ટ સહિત દેશના 20 જેટલા એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
હાલ દહેરાદૂન, રાજકોટ, ગોરખપુર, દરભંગા, હુબલી, વિજયવાડા, જોધપુર, ઈમ્ફાલ સહિતના દેશના 14 એરપોર્ટ પર ‘એમ્બુલિફ્ટ’ની સુવિધા ઉપલબ્ધ છે. આજે ભુજના એરપોર્ટ પર એમ્બુલિફ્ટની સુવિધા શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ પર આવતા દિવ્યાંગજનો કે દર્દીઓ અથવા સિનિયર સિટીઝન આ એમ્બુલિફ્ટની સુવિધાની મદદથી ફલાઇટની અંદર ડાયરેક્ટ લઈ જઈ શકાશે. ઉપરાંત ફલાઇટમાં આવતા દર્દીઓને પણ ફલાઇટથી હોસ્પિટલ લઈ જઈ શકાશે. હાલમાં ભુજથી મુંબઈ ફલાઇટ ચાલુ છે અને ટુંક સમયમાં ભુજથી અમદાવાદ ફલાઇટ શરૂ કરવામાં આવશે ત્યારે લોકો આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે.
મેક ઈન ઈન્ડિયા (Make in India) અંતર્ગત એમ્બુલિફ્ટ સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરાઈ છે. એક એમ્બુલિફ્ટની કિંમત 76 લાખ થાય છે. તેમાં એટેન્ડેન્ટ્સ સાથે એકસાથે 6 વ્હિલચેર અને 2 સ્ટ્રેચર સમાવી શકાય છે, તો એમ્બુલિફ્ટ હિટીંગ વેન્ટીલેશન અને એર કન્ડીશનરથી સજ્જ છે.
એરપોર્ટ ઑથોરીટી ઓફ ઈન્ડીયાની સૂચનાથી જરૂરિયાતમંદ પ્રવાસીઓને રૂ. 100 ના ટોકન ચાર્જ પર એમ્બુલિફ્ટની સેવાનો લાભ આપવામાં આવશે તેવી માહિતી એરપોર્ટ ડાયરેક્ટરે આપી હતી. તો દિવ્યાંગ, વૃદ્ધ અને ગંભીર બિમારીથી પીડાતા લોકોને સેવા આપવાની ફરજ સામે આ ટોકન ચાર્જ કેટલા અંશે યોગ્ય છે તે પ્રશ્ન ઊભો થાય છે.
આ મુદ્દે એરપોર્ટ ડાયરેક્ટર તેમજ એરપોર્ટ સલાહકાર સમીતીના સભ્ય દ્વારા મશીનનો ખોટો વપરાશ ન થાય તે માટે એક ટોકન ચાર્જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રખાયું હોવાનો જણાવાયું હતું. તો સાથે જ જણાવ્યું હતું કે રૂ. 76 લાખના ખર્ચે ખરીદાયેલા આ મશીનને રન-વે પાસે પાર્કિંગનું ભાડું લાગે છે તેમજ તેને ઓપરેટ કરતા કર્મચારીઓના પગાર પણ આપવા પડે છે.
ઉલ્લેખનીય છે કે આટલી મોંઘી મશીન વસાવવા તેમજ તેની માવજત પાછળ એરપોર્ટને લાખો રૂપિયાનો ખર્ચ થશે પણ છતાંય દિવ્યાંગજનો માટેની વિવિધ યોજનાઓ કાઢતી સરકાર તેમની હવાઈ સેવા સરળ બનાવવા રૂ. 100 પણ વસૂલે તો તે કેટલા અંશે યોગ્ય છે તે સવાલ તો રહ્યું જ.
ચાર દિવસ પહેલા જ રાંચી એરપોર્ટ પર આવેલા એક દિવ્યાંગ બાળકને ગભરાટના કારણે ઈન્ડિગો કંપની દ્વારા ફલાઇટમાં બેસવા ન અપાતા કંપનીની કાર્યપદ્ધતિ પર અનેક પ્રશ્નો ઉભા થાય હતા. તો મુદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન સુધી પહોંચતા કંપનીને પોતાનું ઔપચારિક સ્ટેટમેન્ટ પણ જાહેર કરવું પડ્યું હતું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર