Kutch: પક્ષીને બચાવવા શ્વાનને પથ્થર મારતા લોકોએ સાધુને માર્યા; હવે સાધુઓ અને ટ્રસ્ટીઓ આમને સામને
Kutch: પક્ષીને બચાવવા શ્વાનને પથ્થર મારતા લોકોએ સાધુને માર્યા; હવે સાધુઓ અને ટ્રસ્ટીઓ આમને સામને
ટ્રસ્ટીઓએ મિટિંગ બોલાવી જ્યારે કે સાધુઓ કહે કે કોઈ ટ્રસ્ટ જ નથી
ભુજના એક મંદિરમાં આઠ મહિના પહેલા અયોધ્યાથી આવેલા સાધુએ સેવા શરૂ કર્યા બાદ વિવાદો શરૂ થયા છે, ત્યારે ગત શુક્રવારે સાધુ સાથે મારામારીના બનાવ બાદ મંદિરના ટ્રસ્ટીઓ સાધુને રહેવા આપવું કે નહીં તે નક્કી કરશે.
Dhairya Gajara, Kutch: કચ્છના મુખ્યમથક ભુજના ગાયત્રી મંદિર (Bhuj Gayatri Temple) પાછળ આવેલા આ બિહારીલાલ મંદિર (Biharilal Temple) પ્રત્યે લોકોને અતૂટ આસ્થા છે. દર વર્ષે મંદિરના પાટોત્સવ પ્રસંગે હજારો લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે. તો છેલ્લા 30 વર્ષથી મંદિરમાં સેવા આપતા મહંત રામદાસજી મહારાજે આ મંદિરને એક નાની ડેરીમાંથી વિશાળ મંદિર બનાવ્યું છે. 26 વર્ષ સુધી મૌન રહેલા મહંતની તપસ્યાના કારણે તેમને મૌની બાબા (Mouni Baba) તરીકે પણ ઓળખવામાં આવે છે જેમણે મંદિરમાં ગૌશાળા બનાવી આસપાસના લોકોને મફતમાં છાસ આપવાની પણ શરૂઆત કરી હતી. પણ થોડા મહિનાઓ અગાઉ મંદિરમાં એક નવા સાધુ મહારાજે મહંતના શિષ્ય તરીકે પ્રવેશ લીધા બાદથી આ મંદિરનું વાતાવરણ બદલાયું છે.
બિહારીલાલ મંદિર તરીકે ઓળખાતા દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે આઠ મહિના અગાઉ અયોધ્યાથી આવેલા રિતેશદાસજી મહારાજે મહંતના શિષ્ય તરીકે મંદિરમાં સેવા આપવાનું શરૂ કર્યા બાદ આસપાસના લોકો સાથે વખતે ને વખતે વિવાદ ઊભા થયા છે, જે કારણે વિસ્તારના રહેવાસીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા અગાઉ આ સાધુ મહારાજને આ મંદિરથી ચાલ્યા જવાનું કહેવા મહંત પાસે માંગણી કરાઈ હતીજે મહંતે નકારી હતી. તો હાલમાં જ બનેલી એક ઘટના બાદ તો મંદિરના સાધુઓ અને ટ્રસ્ટીઓ આમને સામને થઈ ગયા છે.
બનાવની વિગતો મુજબ શુક્રવારે રિતેશદાસજી મહારાજ દ્વારા મંદિર પાસેના એક ચબૂતરામાં કબૂતર પર હુમલો કરવા જતા શ્વાનને પથ્થરથી ભગાડવા પ્રયત્ન કરતી વખતેપથ્થરોતે વિસ્તારમાં ફરતા એક માનસિક દિવ્યાંગ અને મૂકબધિર 'પોપટ'ને વાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોપટ તે વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી રહે છે અને આસપાસના લોકો સાથે હળી મળીને રહે છે.
પોપટના પગે પથ્થર વાગતા જ આસપાસના લોકોએ પોતાના જૂના 'ખાર' કાઢ્યા હોય તેમ સાધુને મંદિરની અંદરથી ઘસેડી મંદિરની બહાર લાવી માર મરાયો હતો. આ બનાવ બાદ સાધુ રિતેશદાસજીએ ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પણ મુદ્દો ત્યાં જ ન અટકતા તે સોસાયટીના રહેવાસીઓ દ્વારા પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેદન આપી રજૂઆત કરી હતી કે તે સાધુના કારણે સોસાયટીની મહિલાઓ મંદિરે દર્શન કરવા જઈ શકતી નથી.
આ મામલો મંદિરના ટ્રસ્ટીઓ સુધી પહોંચતા ટ્રસ્ટીઓએ પણ તાત્કાલિક મિટિંગ બોલાવી છે અને હયાત ચાર ટ્રસ્ટીઓમાંથી એક ટ્રસ્ટીને અમેરિકાથી બોલાવી લીધા છે. તો બીજી તરફ મંદિરના સાધુઓ દ્વારા આક્ષેપ કરાયા છે કે મંદિરનું કોઈ ટ્રસ્ટ નથી અને તેઓ મંદિર મૂકીને ક્યાંય જશે નહીં.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર