Home /News /kutchh /Kutch: માતાના મઢના મંદિરની પાણી અને ગટરલાઈનમાં ભંગાણ પડ્યું

Kutch: માતાના મઢના મંદિરની પાણી અને ગટરલાઈનમાં ભંગાણ પડ્યું

નવરાત્રી માટે ખુલ્લો મુકવામાં આવેલા પ્રવેશદ્વાર બહાર જ પાણી ભરાયાં

ભારે વરસાદ બાદ આ વર્ષે માતાનો મઢ ગામમાં ગટરની સમસ્યા વિકરાળ બની હતી અને તંત્ર દ્વારા મહા મહેનતે ચોક થયેલી ગટરોને સાફ કરી સમસ્યાનો સમાધાન લાવવામાં આવ્યો હતો

    Dhairya Gajara, Kutch:  નવરાત્રી દરમિયાન લોકો દેશ વિદેશથી કચ્છના માતાના મઢ ખાતે દર્શન કરવા પહોંચે છે. લાખો લોકો આ નવ દિવસમાં માં આશાપુરાના દર્શન કરતાં હોય છે તેવામાં આ વર્ષે ભારે વરસાદ બાદ માતાના મઢ ગામમાં ઉભરાતી ગટરોએ વિકરાળ સમસ્યા ઊભી કરી હતી. દૂર દૂરથી આવતા ભાવિકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે માંડ માંડ નવરાત્રી પૂર્વે ગટર ઉભરાતી તો બંધ કરી પરંતુ નોરતા શરૂ થતાં જ પાણીની પાઇપલાઇન તૂટી પડતા એક સાંધે ત્યાં તેર તુટે જેવું તાલ સર્જાયું હતું.

    અહીંની ગટર લાઇનો નાની પડી રહી છે

    માતાના મઢ ગામે છેલ્લા અનેક વર્ષોથી ગટરની સમસ્યા લોકોના માથાનો દુખાવો બની છે. સમગ્ર વર્ષ દરમ્યાન દર પૂનમે અહીં દર્શનાર્થે આવતા લોકો પણ સતત ઉભરાતી ગટરથી પરેશાન થયા છે. 2500 લોકોની વસતીને ધ્યાને રાખીને બનેલી ગટર વ્યવસ્થા સામે અનેક દિવસોમાં 25 હજાર લોકો અહીં દર્શનાર્થે આવે છે. તેવામાં અહીં સ્થપાયેલી હોટલો અને ધરમશાળાઓમાંથી નીકળતા પાણી સામે અહીંની ગટર લાઇનો નાની પડી રહી છે.

    ગામમાં ગટરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

    તેમાં પણ આ વર્ષે તો ભારે વરસાદ બાદ ગામમાં ગટરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરાયા બાદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે મે મહિનાના અંતમાં ગટરનું સમારકામ શરૂ કર્યું હતું. મોડે મોડે શરૂ થયેલું કામ નવરાત્રી પહેલા પૂરો કરવો તંત્ર માટે એક મોટો પડકાર હતો. જો કે, તંત્રએ માંડ માંડ નવરાત્રી પહેલા ગટરની સમસ્યાનો હંગામી ધોરણે ઉકેલ લાવી દીધો હતો અને બાકીનું કામ દિવાળી બાદ કરવાનું જણાવ્યું હતું. પરંતુ નવરાત્રી શરૂ થતાં જ મંદિરની પાણીની લાઈન અને ગટર લાઈનમાં ભંગાણ થતાં ફરી પરિસ્થિતિ તૈસી કી તૈસી થઈ ગઈ હતી.

    માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ગામમાં ઉભરાતી ગટરોની સમસ્યા તો હાલ પૂરતી હલ કરવામાં આવી છે, પરંતુ રવિવારથી ફરી પાણી અને ગટરની લાઈનો તૂટવાનું શરૂ થયું હતું. "માતાના મઢ જાગીર મંદિર જુદી પાણી અને ગટરની લાઈનો ધરાવે છે. રવિવારે સાંજે પાણીની લાઈનમાં ભંગાણ થતાં મંદિરના ગેટ નંબર ચાર બહાર પાણી ભરાયાં હતાં. તો પાણીની લાઈનની બાજુમાં આવેલી ગટર લાઇન પણ તૂટી પડી હતી,

    ગેટ નંબર ચાર બહાર જ પાણી ભરાયાં

    વધુમાં સરપંચનું કહેવું છે કે રવિવારે તૂટેલી લાઈનોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે સોમવારે પ્રથમ નોરતે જ ફરી પાછી મંદિરની પાણીની લાઈન તૂટી પડતા ગેટ નંબર ચાર બહાર જ પાણી ભરાયાં હતાં. ઉલ્લેખનીય છે કે પ્રથમ નોરતા સુધીમાં મંદિરમાં એક લાખથી વધારે લોકોએ શીશ નમાવી દર્શન લીધા છે ત્યારે આ પ્રવેશદ્વાર પાસે ભરાયેલા પાણી હજારો લોકો માટે માથાનો દુખાવો બની છે..
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kutch

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन