Home /News /kutchh /Kutch: રાજવી પરિવારમાં વિવાદ, ઇતિહાસમાં પહેલીવાર વર્ષો જૂની પત્રી વિધિની ચામર પૂજા બે વખત યોજાઇ

Kutch: રાજવી પરિવારમાં વિવાદ, ઇતિહાસમાં પહેલીવાર વર્ષો જૂની પત્રી વિધિની ચામર પૂજા બે વખત યોજાઇ

આઠમના હનુવંતસિંહ દ્વારા પત્રી વિધિ પણ કરવામાં આવશે

ગઇકાલે કચ્છ રાજપરિવારના મહારાણી પ્રીતિ દેવીએ ચામર પૂજા કર્યા બાદ કોર્ટે તેમની પત્રી વિધિ માટેની અરજી નામંજૂર કરતા રાજપરિવારના બીજા પક્ષમાંથી કુંવર હનુવંતસિંહે ફરી એક વખત ચામર પૂજા કરી હતી

  Dhairya Gajara, Kutch: નવરાત્રીમાં વિશેષ કહી શકાય તેવી માં આશાપુરાની પત્રી વિધિ અને ચામર પૂજા કચ્છનો રાજવી પરિવાર વર્ષોથી કરતો આવ્યો છે. ત્યારે આ વર્ષે નવરાત્રીમાં બે વખત રાજપરિવારના બે અલગ અલગ વ્યક્તિના હાથે ચામર પૂજા કરાઈ હોવાની ઐતિહાસિક ઘટના ઘટી છે. પત્રી વિધિ મુદ્દેના કોર્ટ કેસમાં ગઈકાલે ચુકાદો આવે તે પહેલાં જ મહારાણી પ્રીતિ દેવીએ પૂજા કરી હતી તો કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આજે સવારે રાજપરિવારના કુંવર હનુવંતસિંહ જાડેજાએ પણ પૂજા કરી હતી.


  કચ્છમાં નવરાત્રી નિમિતે નવ દિવસ માં આશાપુરાની વિવિધ પ્રકારની વિધિઓ વડે પૂજા કરવામાં આવે છે. આ સર્વે વિધિમાંથી સૌથી મહત્વની છે આઠમના યોજાતી પત્રી વિધિ, જેની શરૂઆત પાંચમના દિવસથી ચામર પૂજા વડે થાય છે. ગઈકાલે આસો સુદ પાંચમના પરંપરાગત રીતે કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીના હસ્તે ચામર પૂજા યોજવામાં આવી હતી. જો કે, પત્રી વિધિ મુદ્દે કોર્ટનો ચુકાદો આવવાનો બાકી હતો તે પહેલાં જ પ્રીતિ દેવીએ પૂજા વિધિ કરતા અનેક વિસંગતતાઓ સર્જાઈ હતી.


  ઉલ્લેખનીય છે કે રાજપરિવારના બીજા પક્ષમાં મહારાણી પ્રીતિ દેવીના દિયર અને કચ્છના અંતિમ રાજવી મહારાવ મદનસિંહના નાના પુત્ર કુંવર હનુવંતસિંહ દ્વારા પણ આ પત્રી વિધિ કરવાની જાહેરાતો દૈનિક પત્રોમાં અપાઈ હતી. પ્રીતિ દેવીએ જિલ્લા કોર્ટમાં કરેલી પત્રી વિધિ માટે સુરક્ષાની અરજીને કોર્ટે નામંજૂર કર્યા બાદ હનુવંતસિંહ દ્વારા આજે છઠ્ઠના ચામર પૂજા યોજાઇ હતી. રાજાશાહી સમયે રાજપરિવારના મોભી તરીકે મહારાવના હસ્તે જ ચામર પૂજા કરવામાં આવતી અને જે વ્યક્તિ આ પૂજા કરે છે તે જ માતાના મઢ ખાતે પત્રી વિધિ પણ કરે છે. ત્યારે આ વર્ષે ઇતિહાસમાં પહેલી વખત એક જ નવરાત્રીમાં બે વખત ચામર પૂજા કરવામાં આવી હતી.


  ચામર પૂજાની અસલ પરંપરા જળવાઈ
  આજે હનુવંતસિંહ દ્વારા પૂજા કરાયા બાદ ચામર ખભે લઈ આઇના મહેલ પાસે આવેલા મંદિરથી ખુલ્લા પગે ચાલીને દરબાર ગઢ ચોક સુધી પહોંચ્યા હતા. સામાન્યપણે છેલ્લા અનેક વર્ષોથી રાજપરિવારના પ્રતનિધી ચામર લઈને મંદિર બહાર જ ગાડીમાં બેસીને પ્રસ્થાન કરતા હતા પરંતુ પહેલી વખત ચામર પૂજાનો લાભ મેળવેલ હનુવંતસિંહે આ પ્રસંગે ગરબર ગઢ બહાર સુધી ખુલ્લા પગે ચાલીને પોતાની ગાડીમાં પ્રસ્થાન કર્યું હતું.


  ચામર પૂજાનો ઇતિહાસ અને મહત્વ
  ચામર પૂજાના ઇતિહાસની વાત કરીએ તો આજથી અંદાજે 450 વર્ષ પહેલાં ભુજની સ્થાપના થઇ ત્યારે રાજપરિવારના દરબાર ગઢમાં ટિલામેડીમાં બનેલા મંદિરમાં યોજવાની શરૂઆત થઈ હતી. જે તે સમયે કચ્છના મહારાવ પાંચમના દિવસે અહીં માતાજીની પૂજા કરી મોરપંખથી બનેલા ચામરને ધારણ કરી માતાના મઢ માટે ચામર યાત્રા પ્રસ્થાન કરે છે. ભુજથી 100 કિલોમીટર દૂર આવેલા માતાના મઢ મંદિરે પહોંચવા બળદ ગાડામાં બે દિવસ લાગી જતા જેથી સાતમના મહારાવ માતાના મઢ પહોંચી ત્યાં ચાચરા ભવાનીના મંદિરમાં પૂજા કરી ત્યારબાદ આશાપુરા માતાજીના મંદિરે પત્રી વિધિ કરે છે.
  First published:

  Tags: Kutch, Royal family

  विज्ञापन
  विज्ञापन