Kutch: કચ્છ જિલ્લામાં આવતીકાલે બુધવારે કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 25 જાન્યુઆરીના કચ્છના અમુક વિસ્તારમાં અતિભારે ઠંડી પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવની આગાહી કરાતા તંત્ર ફરી એકવખત સતર્ક થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કચ્છમાં કોલ્ડ વેવથી કોઈ નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેકટરને જરૂરી પગલાં લેવા પણ આદેશ જારી કર્યા છે.
આજે મંગળવારે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી મુજબ બુધવાર 25 જાન્યુઆરીના કચ્છમાં કોલ્ડ વેવની આગાહી દર્શાવવામાં આવી છે અને જિલ્લાના અમુક વિસ્તારમાં અતિભારે ઠંડી પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તો જિલ્લામાં કોલ્ડવેવથી કોઈ નુકશાન અથવા જાનહાનિ ન થાય તે માટે ડિઝાસ્ટર સંબંધિત તમામ પગલાં લેવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જિલ્લા કલેકટરને સૂચના આપવામાં આવી છે. તો સંબંધિત લાઈન વિભાગના જિલ્લાના અધિકારીઓ સાથે મીટીંગ રાખી સુચના પાઠવવા પણ સૂચના આપવામાં આવી છે.
જિલ્લામાં આવેલા રેનબસેરાની વ્યવસ્થાની ચકાસણી કરવા, ભિક્ષુકો તથા અન્ય પ્રવાસી વ્યક્તિઓને કોલ્ડવેવથી બચાવના પગલાં લેવા, વિવિધ સંસ્થાઓની મદદથી કોલ્ડવેવ અસરગ્રસ્તને આશરો આપવા તથા તે સંબંધિત તમામ વ્યવસ્થા કરવા અને આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્રને તાકીદ કરી તેઓની કોલ્ડવેવ સંબંધિત SOP મુજબ આરોગ્ય સંબંધિત રાહત અને બચાવની કાર્યવાહી કરવા પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
તો જીલ્લામાં કોલ્ડવેવથી કોઇ જાનહાની ન થાય તેવી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અને ગ્રામ્ય સ્તરે સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે સંકલનમાં રહી જરૂરી આયોજન કરવા જિલ્લા કલેકટર દ્વારા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ જાહેર આરોગ્યના અધિક નિયામક દ્વારા પણ કોલ્ડ વેવ દરમિયાન રક્ષણાત્મક પગલાં લેવા લોકોને સૂચના આપી છે.
ઠંડીથી બચવા આ પગલાં લઈ શકાય:
- ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપી નો ઉપયોગ કરવો.
-વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ તેમજ બિમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાંજ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું. -ઠંડીથી બચવા રૂમના બારી બારણા બંધ રાખવા -સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં બેસવું -ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાને/ખાનગી તબીબનો સંપર્ક કરી જરૂરી સારવાર મેળવવી -ઠંડી દરમ્યાન વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો -ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તૈલી પદાર્થોનો ઉપયોગ કરવો -શક્ય હોય તો સાદા સાબુના બદલે ગ્લીસરીનયુક્ત સાબુનો ઉપયોગ કરવો
ઉલ્લેખનીય છે કે રણપ્રદેશ કચ્છમાં ઉનાળામાં જેટલી ગરમી હોય એટલી જ તીવ્ર ઠંડી પણ શિયાળા દરમિયાન વર્તાય છે. છેલ્લા થોડા વર્ષોમાં શિયાળા દરમિયાન કોલ્ડ વેવની ઘટનાઓમાં પણ ખૂબ વધારો થયો છે ત્યારે ફરી એકવખત હવામાન વિભાગે જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરી છે.