Dhairya Gajara, Kutch:આજે એક તરફ સમગ્ર રાજ્યમાં ખેડૂતો (Gujarat Farmers) મીટર વ્યવસ્થાના વિરોધ સાથે ધરણાં (Farmers Protest) પર બેઠા હતા ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર (BJP Government) પર પ્રહાર કરી વીજદર ઘટાડવા અને 200 યુનિટ વીજળી મફત (Free Electricity) આપવા માંગ કરી હતી. તો આગામી દિવસોમાં આ મુદ્દે કલેકટર કચેરીએ રજૂઆતો કરી તેમજ પ્રભાત ફેરી કરીને મફત વીજળીની માંગને સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કરશે.
આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા સંગઠન દ્વારા ભુજ ખાતે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદ ખાતે પક્ષના જિલ્લા પ્રમુખ રોહિત ગોરે સરકાર પર શાબ્દિક વાર કરતા જણાવ્યું હતું કે સરકારે વીજળી ઉત્પન્ન કરતા સરકારી એકમોને ઇરાદાપૂર્વક મારી નાખ્યા છે જેથી સરકારને ખાનગી એકમો પર આશ્રિત થયું છે. તો સાથે જ 2007માં સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્પાદક સાથે 25 વર્ષના કરારમાં ફિક્સ ભાવ હોવા છતાં પોતાના મળતીયાઓના દબાણથી સરકારે વીજળીના ભાવ વધાર્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
તો વીજળીના યુનિટ દર ભાવ જણાવી જિલ્લા પ્રમુખે કહ્યું હતું કે એપ્રિલ 2021માં પ્રતિ યુનિટ ફ્યુલ સરચાર્જ રૂ. 1.80 હતો જે એપ્રિલ 2022 સુધીમાં વધીને 2.30 થયો છે. આ પરિસ્થિતિ જનતા માટે પડ્યા પર પાટું જેવી છે. જનતા મોંઘવારી ઘટે તેવી આશા લઈને બેઠી છે પણ રોજ મોંઘવારીનો ભોગ બનતી આવે છે," રોહિત ગોરે કહ્યું હતું.
તો દિલ્હી અને પંજાબના ઉદાહરણ આપી રોહિત ગોરે કહ્યું હતું કે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાબાદ 200 યુનિટ અને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે. ગુજરાતમાં જ્યારે આટલી મોટી માત્રામાં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સરકારને 200 યુનિટ સુધી વીજળી મફત આપવી જોઈએ. તો આગામી વિધાનસભા ચુંટણીમાં પોતાના પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મફત વીજળી આપવાનું હસેહ તેવું જણાવી જિલ્લા પ્રમુખે કહ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર રચશે તો દિલ્હી અને પંજાબની જેમ અહીં પણ મફત વીજળી આપવામાં આવશે.
તો આજે બુધવારે રાજ્યભરમાં જ્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણાં યોજી તાલુકા મથકો પર મામલતદારને મીટર પ્રથા રદ્દ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા, તેના ઉપલક્ષમાં ખેડૂતોની માંગ યોગ્ય હોવાનું કહી આપ ગુજરાતના ખેડૂતો સાથે છે તેવું કહ્યું હતું.
આ મુદ્દે પાર્ટી દ્વારા આજે બુધવારે જિલ્લા કલેકટર કચેરી મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી આ રજૂઆત સાથે મફત વીજળીની માંગ કરવામાં આવી હતી. આ મહિનાની 26 તારીખ સુધી પાર્ટી દ્વારા અલગ અલગ ગામડાઓમાં જઈ પ્રભાત ફેરી કરી લોકોની વીજળી મુદ્દેની સમસ્યા અને માંગ કરવામાં આવશે. તો સાથે જ મશાલ યાત્રા યોજી લોકોને આ મુદ્દે જાગૃત કરવાનો પ્રયાસ પણ કરાશે.