Home /News /kutchh-saurastra /Kutch: ભુજમાં બે PHCનું ઉદ્ઘાટન તો થયું તે ક્યાં છે તે દર્દીઓ શોધે છે, તમને મળે તો કહેજો!
Kutch: ભુજમાં બે PHCનું ઉદ્ઘાટન તો થયું તે ક્યાં છે તે દર્દીઓ શોધે છે, તમને મળે તો કહેજો!
આ આરોગ્ય કેન્દ્ર શોભાના ગાઠિયા સમાન
જૂની કેશવનગર ગ્રામ પંચાયતની ખંડેર ઈમારતમાં શરૂ કરાયેલ આરોગ્ય કેન્દ્રમાં હાલ આરોગ્ય સુવિધા આપવા માટે તબીબો કે નર્સ તો નથી જ પરંતુ આરોગ્ય ચિકિત્સા માટેના ઉપકરણો અને સાધનોના નામે માત્ર એક ટેબલ છે.
Dhairya Gajara, Kutch: ચુંટણી જાહેર થઈ તે દિવસે જ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ શહેરમાં શુભારંભ કરાયેલા બે શહેરી આરોગ્ય કેન્દ્રો આચારસંહિતાની અમલવારી પહેલા ઉતાવળમાં ખુલ્લા જાહેર કરાયા હોય તેવું દર્શાવે છે. વિધાનસભા અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે ભુજ શહેરના યુ.એચ.સી. 4 અને 5 નો વિધિવત શુભારંભ તો કરાયો પરંતુ એક આરોગ્ય કેન્દ્ર તો હજુ બન્યું જ નથી તો બીજામાં લોકોની ચિકિત્સા સારવાર કરવા કોઈ તબીબો જ નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ બધા રાજકીય પક્ષો પ્રજાનો પ્રેમ જીતવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તો ચુંટણી જાહેર થાય અને આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થાય તે પહેલાં જ હાલના ધારાસભ્યોએ પણ પોતાની કામગીરીમાં વધુને વધુ ઉમેરો થાય તેનો પ્રયાસ કરતા થયા હતા.
ભુજ શહેરમાં પણ ખુલ્લા મૂકવામાં આવનાર બે શહેરી આરોગ્ય કેન્દ્ર પણ ચૂંટણીની જાહેરાત થવાની હોવાના કારણે બપોરે 2.30 વાગ્યાના બદલે સવારે 9.30 વાગ્યે જ તેમનું "શુભારંભ" કરવામાં આવ્યું હતું.
જો કે, મહત્વની વાત એ છે કે, સરકારી યાદી મુજબ શુભારંભ કરાયેલ શહેરી આરોગ્ય કેન્દ્ર 4 અને 5 હજુ શરૂ થયા જ નથી. ભુજના સુરલભીટ્ટ રોડ પાસે બનનારા આ આરોગ્ય કેન્દ્ર 5 માટે હજુ સુધી જમીન જ નક્કી થઈ નથી અને સરકારે તેનું શુભારંભ જાહેર કરી દીધું. બીજી તરફ મહાવીર નગરમાં ઊભું કરાયેલું આરોગ્ય કેન્દ્ર 4 પણ નથી જેવું જ શરૂ થયું છે.
જૂની કેશવનગર ગ્રામ પંચાયતની ખંડેર ઈમારતમાં શરૂ કરાયેલ આરોગ્ય કેન્દ્રમાં હાલ આરોગ્ય સુવિધા આપવા માટે તબીબો કે નર્સ તો નથી જ પરંતુ આરોગ્ય ચિકિત્સા માટેના ઉપકરણો અને સાધનોના નામે માત્ર એક ટેબલ છે.
જૂના ધૂળિયા આંગણા વાળા મકાનમાં શરૂ કરાયેલ આરોગ્ય કેન્દ્ર વિશે કોઈને જાણ થાય તેવું બોર્ડ પણ અહીં નથી તો હાલ બે ઓરડામાંથી એક વપરાશમાં પણ ન લઈ શકાય એટલો ગંદો છે. આ મુદ્દે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીનો ચાર્જ સંભાળતા ડૉ. આર.આર. ફૂલમાલીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે,"હજુ આ સ્થળે નવું બાંધકામ કરવામાં આવશે પણ ત્યાં સુધી આ બે ઓરડામાં જ આરોગ્ય કેન્દ્ર કાર્યરત રહેશે. દરરોજ સાંજે દીનદયાળ તબીબો બે કલાક ત્યાં ઓ.પી.ડી. ચાલુ કરે છે. જ્યારે કે આરોગ્ય કેન્દ્ર 5 માટે હજુ જમીન શોધવાનું કામ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર દ્વારા શરૂ કરાયેલ મોહલ્લા ક્લિનિક પર ભાજપના અનેક નેતાઓ દ્વારા અપૂરતી સુવિધાઓ આપતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે જ બીજી તરફ કચ્છમાં પણ ભાજપના ધારાસભ્ય દ્વારા આચારસંહિતા પૂર્વે પોતાની કામગીરીમાં મોરપીંછ ઉમેરવા ઉતાવળમાં શરૂ કરાયેલા આ બે આરોગ્ય કેન્દ્ર દર્શાવે છે કે કાગડા બધે જ કાળા છે.
આ મુદ્દે ખુલાસો લેવા નીમાબેન આચાર્યનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા તેમણે ફોનનો ઉત્તર આપ્યો ન હતો. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ચુંટણી પૂરી થયા બાદ કામ આગળ વડે તેવું જણાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર