જય મીશ્રા ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતમાં પાછલા એક અઠવાડીયાથી ઠંડીનો પારો વધ્યો છે, અને તેની સાથે જ ફરી સ્વાઇન ફ્લૂએ માથુ ઉંચક્યુ છે. રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં માત્ર સૌરાષ્ટ્રમાં વર્ષ 2019 જાન્યુઆરી મહિનામાં સ્વાઇન ફ્લૂના કારણે 22 મોત થયાના અહેવાલ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 25થી વધુ લોકોના મૃત્યુ સ્વાઇન ફ્લૂના કારણે થયા છે.સોમવારે 28મી જાન્યુઆરીએ સ્વાઇન ફ્લૂના ચાર નવા કેસ નોંધાયા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સ્વાઇન ફ્લૂના દર્દીઓને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા સ્વાઇન ફ્લૂના વિશેષ વોર્ડમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે. રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં જ છેલ્લા 28 દિવસમાં 15 દર્દીઓના મોત થયા છે.
રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની સારવાર માટે 150 બેડની સુવિધા કરવામાં આવી છે, જ્યારે આ સિઝનમાં ડિસેમ્બર સુધીમાં 46 અને જાન્યુઆરીમાં 22 મળીને આ સીઝનમાં મત્યુઆંક 68 પહોંચ્યો છે. જાન્યુઆરીમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 97 પોઝિટીવ કેસ જોવા મળ્યા છે. હાલમાં રાજકોટ સિવિલ હૉસ્પિટલ ઉપરાંત અન્ય ખાનગી દવાખાનામાં 37 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
સ્વાઇન ફ્લૂના કેસ અંગે રાજ્યના આરોગ્ય કમિશનર અને પ્રિન્સિપલ સેક્રેટરી જયંતી રવિ અને રાજકોટ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.મનિષ મહેતા સાથે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેમનો કોઈ જવાબ મળ્યો નહોતો.
રાજકોટમાં સ્વાઈન ફ્લૂના ગત વર્ષથી લઈને અત્યાર સુધીમાં 165થી વધુ પોઝિટીવ કેસ રાજકોટમાં નોંધાયા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 500 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ કેસની સંખ્યામાં દીનપ્રતિદીન વધારો થઈ રહ્યો છે.
શા માટે સૌરાષ્ટ્રમાં કેસ વધી રહ્યાં છે? સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની સાથે જ ભેજ અને ઝાકળનું પ્રમાણ વધે છે જેના કારણે તાવ- શરદી જોવા મળે છે.તાવ અને શરદીના કેસ વધવાના કારણે યોગ્ય સમયે સારવાર ન મળવાથી કેસ સ્વાઇન ફ્લૂમાં બદલાઈ જાય છે. તંત્રની નિષ્કાળજીના કારણે સ્વાઇન ફ્લૂના કેસમાં સંખ્યા વધી રહી છે. તાજેતરમાં જ નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તંત્રને પહેલાંથી જ સૂચના આપી દેવાઈ છે અને સ્વાઇન ફ્લૂની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ગત વર્ષે જાન્યુઆરીમાં રાજકોટમાં એક પણ કેંસ નોધાચો નહતો વર્ષ 2019ની શરૂઆતમાં રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં 66 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વર્ષ 2018માં જાન્યુઆરીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. 2018માં સૌરાષ્ટ્રનો પ્રથમ કેસ રાજકોટમાં ફેબ્રુઆરીમાં નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર