રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લૂંટ, હત્યા, રેપ, ચોરી, મારામારી જેવા બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારોની ઘટનામાં લોહીના દાગ પણ સુકાયા નથી એવામાં માત્ર 24 કલાકમાં જિલ્લામાં બીજી હત્યાની ઘટના સામે આવતા પોલીસની ઊંઘ ઉડી ગઈ છે. જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓને ઝડપી પાડવા અને કેસ ઉકેલવામાં લાગી ગઈ છે.
સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે એક યુવકને બેરહમીથી તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, ત્યારે આજે આવી જ એક હત્યાની જિલ્લાના ચોટીલાના કાળાસર ગામેથી સામે આવી છે, જેમાં પતિએ કોષ લઈ પત્નીની કરપીણ હત્યા કરી દીધી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ચોટીલાથી 5 કીમી દુર રેશમીયા રોડ ઉપર આવેલા કાળાસરની સીમમાં આવેલી વાડીનાં શેઢે મહિલાની લાશ પડી હોવાની પોલીસને જાણ થઇ હતી. ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક નજરમાં સામે આવ્યું કે, વાડીએ રહેલી ઝૂંપડીમાં કોષના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી, ત્યારબાદ લાશને ત્યાંથી ઢસડી ખેતરના સેઢા સુધી લઈ જવાઇ હોવાનું જોવા મળ્યું હતું.
ચોટીલા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પ્રાથમિક પુછપરછમાં મરનાર રેખાબેન બથવાર ( ઉ . વર્ષ 37 )ની રાત્રી દરમિયાન તેના પતિ નાઝાભાઇએ જ ક્રુરતા પૂર્વક હત્યા નિપજાવી હોવાનું પોલીસને જાણવા મળતા મૃતકના પરિવારને બનાવની જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસને મળેલી વિગત અનુસાર, પતિ અને પત્ની વચ્ચે રોજે-રોજ કોઈને કોઈ વાતને લઈ ઘરકંકાસ ચાલતો હતો, જેને પગલે પતિએ ઘરકંકાસથી કંટાળી ગુસ્સામાં આવી પત્નીને કોષના ઘા ઝંકી હત્યા કરી છે. આ મામલે પોલીસે હત્યારા પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, આવી જ એક હત્યાની ઘટના ગઈ કાલે સુરેન્દ્રનગર શહેરમાં સામે આવી હતી, જેમાં શહેરમાં આવેલી ટીબી હોસ્પિટલ પાસે એક યુવકની લોહીમાં લથબથ લાશ મળી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી યુવકની લાશને પીએમ માટે મોકલી તેની ઓળખ કરવા તપાસ હાથધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.