રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા સીટની પેટા ચૂંટણીનું સસ્પેન્સ યથાવત રહ્યું છે ત્યારે કોંગ્રેસ-ભાજપ બંને પક્ષો આ પહેલે આપ પહેલેની કહેવત મુજબ બંને પક્ષોએ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા નથી ત્યારે ગૂંચવાયેલું કોયડાનો ઉકેલ ક્યારે આવે તે નક્કી નથી.
લીંબડી વિધાનસભા સીટની પેટા ચૂંટણી કોંગ્રેસના સોમાભાઈના રાજીનામાના કારણે આવી છે. લીંબડી બેઠક ઉપર કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. સૌથી વધુ કોળી મતદારો ધરાવતી આ વિધાનસભામાં કોળી ઉમેદવારની અવગણના થઈ શકે તેમ નથી.
કોંગ્રેસ પાસે તો વિકલ્પ છે પણ ભાજપ પાસે એ સિવાય બીજો કોઈ વિકલ્પ ન છતાં તેમનું નામ જાહેર થતું નથી. ભાજપનું મૌન ઘણું બધું કહી જાય છે. હાલમાં લીંબડીમાં મધ્યસ્થ કાર્યાલય પણ ભાજપે ખુલ્લું મૂક્યું છે, તેમનો પ્રચાર પ્રસાર પણ ચાલુ છે. ત્યારે ભાજપના લીંબડી શહેર પ્રમુખ આ અંગે જણાવ્યું કે, પાર્ટી ગમે તેને ટિકિટ આપે અમે અને રાણા સાહેબ સાથે મળીને પાર્ટી સાથે કામ કરવા તૈયાર છીએ.
કોંગ્રેસ માટે સંભવિત ચારથી વધુ ઉમેદવારો છે, ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સોમાભાઈ ગાડા ભાઈ રાજનીતિના ખેલાડી ગણાય છે અને હુકમનો એક્કો જ્ઞાતિનો ચલાવી અને ધાર્યું પરિણામ મેળવી લે તેની ચિંતા ભાજપને સતાવી રહી છે. જેને પગલે ભાજપ હજુ મૌન છે.
આ બાજુ કોંગ્રેસે પણ પોતાની તૈયારીઓ ધમાકેદાર રીતે શરૂ કરી દીધી છે. લીંબડી પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષોની ઉમેદવાર જાહેર કરવાની મડાગાંઠ વચ્ચે કોંગ્રેસ દ્વારા બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પક્ષ કોઇપણ ઉમેદવારને ટિકિટ આપે તેમની સાથે રહીને એક જૂથ થઈને ચૂંટણી લડવા સંકલ્પ આ બેઠકમાં કરવામાં આવ્યો છે.
લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોમાં કયા ઉમેદવારને ટિકિટ મળશે તે બાબતે મડાગાંઠ સર્જાઇ છે, તેવા સંજોગોમાં લીંબડી નેશનલ હાઇવે રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિર ખાતે ૬૧ લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીને ચૂંટણીલક્ષી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ પાર્ટી જે કોઇ ઉમેદવારને ટિકિટ આપે તેમા આજે લીંબડી તાલુકા તથા શહેર કોંગ્રેસ પ્રમુખો, હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનો અને કાર્યકરો સાથે રહીને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર જાહેર થાય તેમને ભવ્ય વિજય અપાવવા એક જૂથ થઈને ચૂંટણી લડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.