રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલમાં ડુબવાથી બે યુવાનનો ડુબવાથી ચકચાર મચી ગઈ છે. સેલ્ફી લેતા કેનાલમાં ગરકાવ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્રીજાએ બુમા બુમ કરતા લોકો ભેગા થયા, એને રેસક્યુ ચાલુ કરતા એકની લાશ મળી બીજાની શોધખોળ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તુલાકાના નવલગઢ ખાતે નર્મદા કેનાલમાં બે પરપ્રાંતિય મિત્રો કેનાલ પાસે સેલ્ફી લેતા મજાક-મજાકમાં કેનાલમાં પડી ગયા હતા. આ સમયે ત્રણ મિત્રો કેનાલ પાસે સેલ્ફી સાથે વીડિયો બનાવી રહ્યા હતા, ત્યારે અચાનક બે મિત્રો કેનાલમાં ગરકાવ થઈ ગયા. હાલમાં રેસક્યૂ ટીમ પહોંચી ગઈ છે અને એકની લાશ શોધવામાં સફળતા મળી છે, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, આજે સવારે 9-10 વાગ્યાની આસપાસ ત્રણ પરપ્રાંતિય મિત્રો કેનાલના ઢાળમાં બેસી મજાક મસ્તી સાથે સેલ્ફી ફોટા અને વીડિયો બનાવી રહ્યઆ હતા, આ સમયે જોખમી જગ્યા પર પગ લપસતા બે મિત્રોએ બેલેન્સ ગુમાવ્યું અને કેનાલમાં ગરકાવ થઈ ગયા. આ સમયે ત્રીજો મિત્ર પણ તેમની સાથે હતો, તેણે બુમા બુમ કરતા આસપાસના સ્થાનીકો ભેગા થઈ ગયા, અને ફાયરની ટીમ તથા પોલીસને ઘટનાની જાણ કરી હતી.
મળતી માહિતી અનુસાર, કેનાલમાં ડુબનાર એક યુવકનું નામ વિકમ્ સજ્જનરામ મેગવાન (23) છે અને બીજાનું નામ જ્યોતિભાઈ સજ્જનરામ મેગવાન છે (22). આ યુવકો મૂળ એમપીના રહેવાસી છે અને બે દિવસ પહેલા જ અક્ષર એગ્રો, નવલગઢ કંપનીમાં નોકરી લાગ્યા હતા. પરંતુ, સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મહત્વની વાત એ છે કે, અકસ્માતની જાણ ફાયરની ટીમને કરતા ટીમ આવી તો ગઈ પરંતુ ધ્રાંગધ્રા ફાયર ટીમ પાસે કોઈ તરવૈયો ન હોવાથી બચાવ કામગીરી ખોરંભે ચઢી હતી, આખરે નગરપાલિકાની ટીમ બોલાવવામાં આવી અને રેસ્ક્યૂ ટીમ શરૂ કરવામાં આવ્યું. હાલમાં એક યુવકની લાશ મળી છે બીજાની શોધખોળ ચાલુ છે. ત્યારે ફાયરની ટીમ આવ્યા બાદપણ શોભાના ગાઠીયા સમાન બની રહેતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પમ ધ્રાંગધ્રાની આ કેનાલમાં આ ઘટનાથી થોડે દુર એક યુવાને કેનાલમાં કૂદી આપઘાત કર્યો હોવાની જાણકારી મળી રહી છે. જિલ્લાના ગાજણગામ પાસે એક યુવાને અગમ્યા કારણોસર મોતની ચલાંગ લગાવી મોત વ્હાલુ કર્યું હતું. આપઘાત કરનાર યુવક બરવાડ જ્ઞાતિનો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આપઘાત કરવા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.