રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : માલવાણ ખેરવા પાસે આવેલા રામાપીર મંદિર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં ડમ્પરે ઇકો કારને અડફેટે લેતા 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઇકો કારમાં (Fire in Eco car) આગ લાગી જતા અંદર બેઠેલા તમામ લોકો જીવતા બળીને ખાખ થયા છે. કાર એટલી હદે બળી ગઇ છે કે, તેમાં કેટલા સ્ત્રી અને પુરુષ હતા તે પણ ઓળખી શકાતા ન હતા. પરંતુ મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો છે.
ગાડીમાં હતો વારાહી તાલુકાના કોયડા ગામનો પરિવાર
આ અંગે મળતી પ્રાથમિક મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના વારાહી તાલુકાના કોયડા ગામનો પરિવાર ચોટીલા મંદિરે દર્શને ગયા હતા. પરતા ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં 6 લોકો ઇકો કારમાં જીવતા ભૂંજાયા હતા. આ મૃતકોમાં બે બાળકો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ડમ્પર
ગેસ કિટના કારણે આગ લાગ્યાની શંકા
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, આ કારમાં ગેસ કીટ હતી જેના કારણે આગ લાગી હોય શકે છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે. ગાડીની નંબર પ્લેટનાં આધારે આ લોકો ક્યાંના હતા તે અંગેની તપાસ કરવામાં આવશે.
મૃતકોનાં નામ
રમેશભાઈ મનસુખભાઈ નાયી(ઉ.વ. 38) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
કૈલાશબેન રમેશભાઈ નાયી (ઉ.વ. 35) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
સનીભાઈ રમેશભાઈ નાયી (ઉ.વ. 12) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
મિતલબેન રમેશભાઈ નાયી (ઉ.વ. 8) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ
હરેશભાઈ ચતુરભાઈ નાયી (ઉ.વ. 35) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ
તેજલબેન હરેશભાઈ નાયી (ઉ.વ. 32) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ
હર્ષદભાઈ હરેશભાઈ નાયી (ઉ.વ. 6) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ
પાલનપુરમાં પણ હિટ એન્ડ રનમાં એક યુવાનનું મોત
પાલનપુર હાઇવે પર પણ આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાલનપુરમાં આજે વહેલી સવારે ગઠામણના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ગઠામણ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને તેનો મિત્ર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલક બંને યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક એટલો બેફામ હતો કે યુવકને 100 મીટર સુધી ઘસડ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં વાહન નીચે રોડ પર ઘસડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચિરાગ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુરની સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.