સુરેન્દ્રનગર સિવિલમાંથી કોરોનાની સારવાર લઇ રહેલા બે કેદીઓ ફરાર, CCTVમાં ઝડપાયા

ફરાર આરોપીનાં ફાઇલ ફોટા સાથે સીસીટીવીમાં ફરાર કેદીઓ

સુરેન્દ્રનગરનાં ગાંધી સિવિલ હૉસ્પિટલ વોર્ડમાંથી બે કેદીઓ ફરાર થઇ ગયા છે.

 • Share this:
  રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરનાં ગાંધી સિવિલ હૉસ્પિટલ વોર્ડમાંથી બે કેદીઓ ફરાર થઇ ગયા છે. હૉસ્પિટલમાં કેદીઓની ગણતરી કરતા આ વાત સામે આવી છે. હાલ હૉસ્પિટલ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. હાલ પોલીસે નાસી ગયેલા કેદીઓને શોધવાની કવાયત હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરેન્દ્રનગરના કોવિડ વોર્ડ પાસે કોઇ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી.  આ ફરાર બે દર્દીઓ અન્ય જગ્યાના સીસીટીવીમાં ઝડપાઇ ગયા છે.

  ચાદરનું દોરડું બનાવીને ફરાર થયા

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસ પહેલા સુરેનદ્રનગરની સબ જેલમાં સજા ભોગવી રહેલા 60 કેદીઓના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. જે બાદ તમામને મહાત્મા ગાંધી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે કોવિડ વોર્ડમાંથી પાંચ વાગ્યાની આસપાસ સબજેલનાં બે કેદી દર્દીઓ ફરાર થઇ ગયા હતા. આજે સવારે પોલીસ અધિકારીઓએ હૉસ્પિટલમાં જ્યારે સારવાર લઇ રહેલા કેદીઓની ગણતરી કરી રહ્યાં હતાં ત્યારે આ વાતની જાણ થઇ હતી. આ બે દર્દીઓ બીજામાળેથી ચાદરની મદદથી નીચે ઉતરીને ભાગી ગયા હતાં. આ કેદીઓ ભાગ્યા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હૉસ્પિટલની આસપાસ તહેનાત હતો. તો સવાલ એ થાય છે કે, આ બંન્ને કેદીઓ કઇ રીતે પોલીસની નજર સામેથી ભાગી ગયા.

  ફરાર કેદીઓની ફાઇલ તસવીર


  સિવિલ હૉસ્પિટલનાં મેઇન ગેટ પર સીસીટીવી કમેરા જ નથી

  સિવિલ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલનાં મેઇન ગેટ ઉપર કેમેરા નથી. બંને ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડ છે પણ સીસીટીવી કેમેરા નથી. જ્યાં કેદીઓને સારવાર માટે રાખવામાં આવ્યાં હતાં તે જ હૉસ્પિટલમાં સીસીટીવી કેમેરા ન હોય તેની પર પણ ઘણાં સવાલો ઉભા થાય છે.

  ફરાર થઇને કેદીઓએ કપડા બદલી નાંખ્યા

  આ બંન્ને કેદીઓ સિવિલ હૉસ્પિટલનાં કોવિડ વોર્ડનાં બીજામાળેથી ચાદરની મદદથી નીચે ઉતર્યા. જે બાદ હૉસ્પિટલમાંથી બહાર નીકળીને બીજા કપડા પણ બદલી નાંખ્યાં હતા. જેથી કોઇ તેમને સરલતાથી શોધી ન શકે. આ માહિતી સીસીટીવી જોઇને મળી રહી છે. આ બંન્ને ગઠિયાઓએ ફરાર થઇને કપડા બદલી લીધા અને તે બાદ પણ શાંતિથી ફરતા દેખાઇ રહ્યાં છે.

  સીસીટીવીમાં ઝડપાયેલા કેદી


  જિલ્લાની બોર્ડરો સીલ કરાઇ

  આ સમાચાર  બાદ સિવિલમાં દોડધામ મચી ગઇ હતી. બીજીબાજુ પોલીસ અધિકારીઓએ પણ આ બે કેદીઓને શોધવાની કવાયત હાથ ધરી છે. આ બાબતની જાણ થતા સુરેન્દ્રનગર જિલ્લાનાં ડીવાયએસપીએ જિલ્લાની બોર્ડર સીલ કરી દેવાનાં આદેશ આપ્યાં છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આ બંન્ને ફરાર કેદીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: