ટાંટિયા ખેંચમાં આજે વિધાનસભામાં એકેય રાજપૂત MLA નથી: વજુભાઈ

News18 Gujarati
Updated: July 30, 2018, 8:29 AM IST
ટાંટિયા ખેંચમાં આજે વિધાનસભામાં એકેય રાજપૂત MLA નથી: વજુભાઈ

  • Share this:
ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિના સમીકરણો બદલાતા કારડિયા રાજપૂતનું રાજકારણમાંથી નામુ લખાઇ ગયું છે. ખાસ કરીને, 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી ન શક્યા. આ સ્થિતિ વિશે ચિંતન કરવા અને સમાજના નેતાને શ્રદ્ધાજંલિ આપવા આજે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. ન્યૂઝ18 ગુજરાતીએ આ વિશે એક વિશ્લેષણ કરતો અહેવાલ રવિવારે પ્રસિદ્ધ કર્યો હતો.

રવિવારે સુરેન્દ્રનગરમાં કારડિયા રાજપૂતોના નેતા નારસિંહ પઢિયારને શ્રદ્ધાજંલિનો કાર્યક્રમ યોજાયો હતા. આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ અને કારડિયા રાજપૂત નેતા વજુભાઇ વાળાએ ઉપસ્થિત રહી સ્મરણાજંલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં મુખ્યત્વે કારડિયા રાજપૂતોના રાજકીય પતન પર ચિંતા વ્યક્ત કરી હતી.

વજુભાઇએ તેમના જ્ઞાતિબંધુઓને સંબોધતા કટાક્ષ પણ કર્યો હતો. વજુભાઇ વાળાએ કહ્યુ કે, “રાજકારણમાં એક માણસ-બીજા માણસના ટાંટિયા ખેંચે એને પહોંચી શકાય પણ આપણો જ ભાઇ આપણા ટાંટિયા ખેંચે એને પહોંચી ન શકાય. ગુજરાત વિધાનસભામાં હું ધારાસભ્ય હતો ત્યારે ચાર રાજપૂત ધારાસભ્યો હતો. આજે ગુજરાતની ધારાસભા રાજપૂત વગરની થઇ ગઇ. આમા અંદરોઅંદર ટાંટિયા ખેંચવા વાળાએ મોટો ભાગ ભજવ્યો. એમાં ટાંટિયા ખેંચવા વાળા જ છે.”વજુભાઇએ વધુમાં કહ્યુ કે, હજુય જો પતનના માર્ગે જાવુ હોય તો, મ્યુનિસિપાલીટી પણ સાફ કરી નાંખો. પંચાયતેય સાફ કરી નાંખો. આ રાજકારણમાં રાજપૂતનું બી ના રહે. કરવુ છે આ ?”

“કૌરવો અને પાંડવો અંદરો અંદર લડતા હતા પણ જ્યારે ત્રાહિત વ્યક્તિ સામે આવતા ત્યારે તેઓ કહેતા કે, અમે પાંચ અને સો કૌરવો એમ એકસોને પાંચ છીએ. અંદરોઅદર બઘડાટી બોલાવવામાં કાંઇ વાંધો નહીં. પણ બહાર નીકલ્યા પછી ડાહ્યા ડમરા થઇ જાવ. જે સમાજ અંદરોઅદર લડે તે કોઇ દિવસ પ્રગતિ ન કરી શકે. નારસિંહ પઢિયારના આચાર-વિચારને અનુસરો અને પ્રગતિનો પંથ પકડો” વજુભાઇ વાળાએ જ્ઞાતિબંધુઓને એક તાંતણે બંધાઇ રહેવા સલાહ આપતા કહયું.આધારભુત સુત્રોએ જણાવ્યુ કે, નારસિંહ પઢિયારને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં કારડિયા રાજપૂતોએ એક રીતે ચિંતન કર્યુ કે, ભવિષ્યમાં રાજકારણમાં ટકી રહેવા હવે શું કરવુ ?

વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા પછી એક રીતે સૌરાષ્ટ્રમાં મતના રાજકારણમાંથી કારડિયા રાજપૂતોની નામુ લખાઇ ગયું છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જોતા એ સ્પષ્ટ જણાઇ આવે છે. કેમ કે, સૌરાષ્ટ્રમાંથી એક પણ કારડિયા રાજપૂત ધારાસભ્ય ધારાસભ્ય તરીકે ચૂંટાઇને ગયા નથી. મતના રાજકારણમાં સ્થાનિક જ્ઞાતિના સમિકરણો બદલાતા નેતાઓ માટે આ ચિંતાનો વિષય બન્યો છે.નરેન્દ્ર મોદી વડાપ્રધાન 2014માં વડાપ્રધાન બન્યા પછી ગુજરાતમાં વજુભાઇ વાળા મુખ્યમંત્રીના દાવેદાર હતા. તેમનો અનુભવ અને સ્વીકૃતિ એ બંને પરિબળો તેમના પક્ષે હતા પણ ભાજપે તેમને 2014માં કર્ણાટકના રાજ્યપાલ બનાવતા વજુભાઇની ગુજરાતના રાજકારણમાંથી સક્રિયતા પુરી થઇ ગઇ.

વજુભાઇ વાળા રાજકોટના ભાજપની સલામત ગણતી બેઠક પરથી ચૂંટાતા હતા અને છેક 1998 થી લઇ 2012 સુંધી ચુંટાતા આવ્યા અને મહત્વના એવા નાણા મંત્રી તરીકે રહ્યા. તેઓ કારડિયા રાજપૂતોના મતોને કારણે જીતતા નહોતો પણ સમાજ તેમને તેમના તેના માનતો.

ફાઇલ ફોટો


આ તરફ કારડિયા રાજપૂત ઉમેદવારો-તાલાલા બેઠક પરથી ગોંવિંદસિંહ પરમાર અને સોમનાથ બેઠક પરથી જસાભાઇ બારડ- 2017ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા. બંને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. બીજી તરફ, કોડિનાર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ અનામત થઇ. આ બેઠક પર કારડિયા રાજપૂતોના ઘણા મતો છે અને ધારાસભ્ય કારડિયા જ બનતા પણ હવે એ પણ ન રહી. મહત્વની વાત એ છે કે, ભાજપે દીનુ સોલંકીને જુનાગઢની લોકસભા બેઠક પર ટિકિટ આપી અને 2009ની ચૂંટણીમાં સાંસદ બન્યા પણ અમિત જેઠવા હત્યા કેસમાં તેમની ધરપકડ થઇ. આથી ભાજપે તેમને ટિકિટ આપવાનું બંધ કર્યુ અને તેમનું મતનું રાજકારણ પુરુ થઇ ગયું.

કારડિયા રાજપૂતોની વસ્તી મુખ્યત્વે કોડિનાર, સોમનાથ, તાલાલા, ગઢડા, વલ્લભીપુર, લીંમડી, ધ્રાંગધ્રા અને ધોળકા વિધાનસભા મત વિસ્તારોમાં છે. તાલાલા, સોમનાથ, કોડિનારને બાદ કરતા, અન્ય બેઠકો પર કારડિયાના એટલા બધા મતો નથી કે, કોઇ પક્ષ કારડિયા ઉમેદવારને ટિકિટ આપે. આ સ્થિતિ તેમના માટે રાજકીય અસ્તિત્વની બની રહી છે.
First published: July 29, 2018, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading