Home /News /kutchh-saurastra /કુરિવાજોને તિલાંજલિ આપી રાજપૂતો આપશે નારસિંહ પઢિયારને શ્રદ્ધાંજલિ

કુરિવાજોને તિલાંજલિ આપી રાજપૂતો આપશે નારસિંહ પઢિયારને શ્રદ્ધાંજલિ

કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા સાથે નારસિંહ પઢિયારની ફાઇલ તસવીર

  કારડિયા રાજપૂત સમાજનાં પીઢ નેતા નારસિંહ પઢિયારનું 3 જુલાઇના રોજ જૂનાગઢમાં અવસાન થયુ હતુ. સમાજના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે 29 (રવિવાર) જુલાઇના રોજ સુરેન્દ્રનગરમાં એક વિશેષ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કર્ણાટકાના રાજ્યપાલ વજુભાઇ વાળા પણ ઉપસ્થિત રહેશે. આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન અખિલ ગુજરાત સમસ્ત રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યુ છે. જેના પ્રમુખ કાનભા ગોહિલ (રજોડા) છે.

  મહત્વની વાત એ છે કે, નારસિંહ પઢિયારને રાજપૂત સમાજ અનોખી શ્રદ્ધાંજલિ આપશે. ખાસ કરીને સમાજનાં ચાલતા કુરિવાજોને તિલાજંલી આપી રાજપૂતો નારસિંહ પઢિયારને શ્રદ્ધાંજલિ આપશે એમ જાણવા મળે છે.

  આ કાર્યક્રમના આયોજકો દ્વારા સમાજનાં આગેવાનોને કહી દેવામાં આવ્યું છે કે, તેઓ જ્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવે ત્યારે તેમના ગામોમાંથી કુરિવાજો બંધ કરવાના ઠરાવો પસાર કરીને સાથે લાવે.

  આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જે કુરિવાજોને બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે.

  જે કુરિવાજો પર લગામ કે બંધ કરવાનો ઠરાવ થશે તેમાં મુખ્યત્વે નીચે મુજબના છે.

  1. કાણ-મોકાણ, બેસણાં માટે ફક્ત એક-અથવા બે દિવસ રાખવા

  2. બારમુ-કારજ પ્રથા બંધ કરવી, રોવા-કુટવા તથા છાજિયા લેવાનું બંધ કરવું.

  3. ડી.જે. વાળા ફૂલેકા બંધ કરવા. લગ્ન પ્રસંગોમાં અફિણ, જુગાર, દારૂ બંધ કરવા.

  4. લગ્ન સમુહમાં કરવાનો જ આગ્રહ રાખવો. તેમજ લોકોને જીવતદાન માટે રક્તદાન અને દેહદાન કરવું

  5. વેવિશાળમાં ખોટા રિવાજો બંધ કરી ફક્ત 11-15 વ્યક્તિઓ દ્વારા સાદાઇથી કરવો.

  6. કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે જાગૃત રહેવું.

  7. બેટી બચાવો અભિયાન કરવું. ભૃણ હત્યા અટકાવવી. દીકરીને લક્ષ્મી ગણવી.

  8. જીવન અમૂલ્ય છે. એટલે આપઘાતના બનાવો અટકે એ માટે જાગૃતિ લાવવી.

  નારસિંહ પઢિયાર પીઠ રાજકીય નેતા અને સમાજ અગ્રણી હતા. તેઓ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ડાયરેક્ટર, તાલાલાના ધારાસભ્ય, ગુજરાત રાજ્ય ડેરી વિકાસના ચેરમેન, જૂનાગઢ નગરપાલિકાનાં પ્રમુખ તેમજ ગુજરાત મેરી-ટાઇમ બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છે.

  આ ઉપરાંત, શ્રદ્ધાંજલિનાં દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે અને દરેક ગામ-શહેરમાંથી લોકોને રક્તદાતાઓની યાદી મોકલી આપવા પણ કહેવામાં આવ્યુ છે. આ ઉપરાંત, 60,000 જેટલા વૃક્ષો વાવવીને નારસિંહ પઢિયારને ‘વૃક્ષાજંલી’ આપવાનો નિર્ણય કરાયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Rajput, Tribute, Vajubhai Vala

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन