રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: રાજ્યભરમાં ખનીજ માફિયાનો આતંક બેરોકટોક ચાલી રહ્યો છે. ખનીજ માફિયા અને તંત્રની મિલિભગતથી કોરોડો રૂપિયાનો કારોબાર ધમધમી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. જિલ્લાના ઈતિહાસની સૌથી મોટી રેડ પાડી ભૂસ્તર વિભાગે 22 કરોડની ખનીજ ચોરી ઝડપી પાડી છે.
પ્રાપ્ત માહિતી અનુસરા, સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂસ્તર વિભાગે ઈતિહાસની સૌથી મોટી રેડ પાડી લગભગ 22 કરોડની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે. જિલ્લામાં જીએસપીએલ કંપનીની ગેસ લાઈન પર ગેરકાયદે રીતે ખનીજ ચોરી ધમધમી રહી હતી. આ મામલે અનેક ફરિયાદ પણ પોલીસે એક્શન ન લેતા ભૂસ્તર વિભાગે રેડ કરી ઈતિહાસની સૌથી મોટી ખનીજ ચોરી ઝડપી પાડી 5 લોકોને ઝડપી પાડ્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં Gspl કંપનીની ગેસ લાઈન પર ખનીજ માફિયા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરીને અંજામ આપી રહ્યા હતા. આ વિસ્તારમાં તેલ લાઈન હોવાથી અહીં પ્રતિબંધ હોવા છતા ખનીજ માફિયા બ્લાસ્ટીંગ કરતા હતા. આ મામલે Gspl કંપની દ્વારા સ્થાનિક પોલીસને ફરિયાદ આપી હોવા છતા પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હતી. ઝ્યારે ભૂસ્તર વિભાગ દ્વારા આ રેડ પાડવામાં આવી ત્યારે પોલીસ અને ખનીજ માફીયાઓની ભાઈબંધીની પોલ ખુલ્લા પડી ગઈ છે. પોલીસની રહેમનજર અને મિલિભગતથી આ કરોડોનો કાળો કારોબાર ધમધમી રહ્યો હતો? તેવા પ્રશ્નો ઉભા થયા છે.
તમને જણાવી દઈએ કે, ભૂસ્તર વિભાગે રેડ કરી આ 22 કરોડની ખનીજ ચોરી સાયલાના સુદામડા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. અહીં પુસ્કળ કિંમતી ખનીજ બ્લેક ટ્રેપ જેવા ખનીજ ભંડાર છે. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતા અહીં ખનીજ માફિયા બ્લાસ્ટ કરી વર્ષોથી ધરતી ધ્રુજાવી કાળો કારોબાર ચલાવી રહ્યા છે. સુરેન્દ્રનગર ભૂસ્તર વિભાગે 5 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસ અને ખનીજ માફિયાઓની ભાઈબંધી હવે જગજાહેર થઈ ગઈ છે. જો સાચી દિશામાં તપાસ થાય તો કેટલાક પોલીસ અધિકારીઓના નામ પર આ મામલે બહાર આવે તેવી શક્યતા છે.