રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: જિલ્લામાં એક અનોખી પ્રેમ કહાનીનો કરૂણ અંત આવ્યો છે. એક 42 વર્ષિય વ્યક્તિ અને 25 વર્ષિય યુવતીએ પ્રેમ લગ્ન કર્યાના 6 વર્ષ બાદ પોતાના જ ઘરમાં આપઘાત કરી લેતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામમાં રહેતા 42 વર્ષિય બળદેવ ભાઈ અને 25 વર્ષિય યુવતીએ 6 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જેમણે અચાનક પોતાના ઘરમાં અલગ અલગ જગ્યા પર ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી ગઈ છે. એક સાથે બંને જણાએ આપઘાત કર્યો અને તે પણ અલગ અલગ રૂમમાં જેને પગલે આપઘાતનું કારણ પોલીસ માટે પણ કોયડો બની ગયું છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ગુરૂવાર રાત્રે આ લોકોના આપઘાતની ઘટના ત્યારે સામે આવી જ્યારે બળદેવભાઈના ખેતરમાં કામ કરી રહેલ સુરેશ નામનો યુવક કોઈ કામ માટે બળદેવભાઈના ઘરે ગયો. સુરેશ જ્યારે બળદેવભાઈના ઘરે ગયો ત્યારે તેણે જોયું કે બળદેવભાઈ અને તેમની પત્ની બંને લોકો ગળે ફાંસો લગાવી લટકી રહ્યા હતા. આ ઘટનાની તેણે તુરંત પાડોશીઓને જાણ કરતા લોકો ભેગા થઈ ગયા અને યુવતીના પરિવારજનો પણ દોડી આવ્યા. પોલીસને મામલાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અને બંનેની લાશ ઉતારી પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસને મળતી માહિતી અનુસાર, 25 વર્ષીય યુવતીના પિતા હકાભાઈ મૂળ દાધોળિયા ગામના રહેવાસી પરંતુ સરા ગામમાં રહી વાડી ભાડે રાખી ખેતી કામ કરતા હતા. તેમના ખેતરની બાજુમાં બળદેવભાઈનું ખેતર આવેલું હતું. હકાભાઈની દીકરી હેમા રોજ કામ માટે ખેતરે આવતી હતી, ત્યારે બાજુના ખેતરના માલિક બળદેવભાઈ સાથે તેને આંખ મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. બંને વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં તેમની મરજી પ્રેમાણે બંનેના પરિવારે તેમના સાદગીથી ફૂલહાર કરી લગ્ન કરાવ્યા હતા. તેમના લગ્નને 6 વર્ષ થયા બંને સારી રીતે પોતાનો સંસાર ચલાવી રહ્યા હતા. પરંતુ અચાનક તેમણે આપઘાતનું પગલું ભરતા બંને પરિવારમાં શોક છવાઈ ગયો છે.
આ મામલે પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, બંને લોકો વચ્ચે કોઈ તકરાર થઈ ન હતી, બે દિવસ પહેલા તેઓ સાથે લગ્નમાં પણ જઈ આવ્યા હતા. બંને વચ્ચે સારા સંબંધ હતા અને ખુશ હતા. બંનેની લાશ ઘરમાં અલગ અલગ જગ્યા પર મળી આવી હતી. યુવકની લાશ ઘરના રૂમમાં તો યુવતીની લાશ બીજા રૂમમાં મળી આવી હતી. જેને પગલે પોલીસ આપઘાતની ઘટનાને શંકાના આધારે જોઈ રહી છે. જો બંને લોકોએ આપઘાત કરવો હોત તો સાથે એક જ રૂમમાં કર્યો હોત પરંતુ અલગ અલગ રૂમમાં આપઘાત કરતા શંકા ઉપજાવે છે. જોકે, પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે.