સુરેન્દ્રનગર: સાંસદ દેવજી ફતેપરા નારાજ, કહ્યું - ધનજી પટેલે પૈસાના જોરે મારૂ પત્તુ કપાવ્યું

દેવજી ફતેપરા (ફાઈલ ફોટો)

'ધનજી પટેલે તેના ભાણેજને બિઝનેસ કરવા માટે મને મળેલો દિલ્હીનો બંગલો માંગ્યો હતો, જે મે આપવાની ના પાડતા તેમણે અને જયંતી કાવડીયાએ પૈસાના જોરે મારી વિરુદ્ધ કાવતરૂ રચી મારી ટિકિટ કપાવી'

 • Share this:
  ભાજપા દ્વારા આજે વધુ 48 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતના 15 ઉમેદવારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગરની બેઠક પરથી દેવજી ફતેપરાનું પત્તુ કપાતા નારાજગીના સુર ઉભા થયા છે. સાંસદ દેવજી ફતેપરાએ ફરી ટિકિટ ન મળતા સીધો આરોપ ધનજી પટેલ અને જયંતી કાવડીયા પર થોપી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપા દ્વારા ગુજરાતની 15 સીટો માટે ઉમેદવારના નામની જાહેરાત બાદ સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરાએ પોતાનું પત્તુ કપાતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટિકિટ કપાવવા પાછળ ધનજી પટેલ અને જયંતી કવાડીયાનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

  સાંસદ દેવજી ફતેપુરાએ આ મુદ્દે બળાપો કાઢતા કહ્યું કે, અમારા સુરેન્દ્રનગરમાં ધનજી પટેલ એક મોટા માણસ છે હું તો નાનો માણસ છુ. ધનજી પટેલે તેના ભાણેજને બિઝનેસ કરવા માટે મને મળેલો દિલ્હીનો બંગલો માંગ્યો હતો, જે મે આપવાની ના પાડતા તેમણે અને જયંતી કાવડીયાએ પૈસાના જોરે મારી વિરુદ્ધ કાવતરૂ રચી મારી ટિકિટ કપાવી છે.

  તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, આવતીકાલે રવિવારે આ મુદ્દે મે મારા સમાજની બેઠક બોલીવી છે. જેમાં સમાજના આગેવાનો અને સમાજના લોકો આવશે. હું મારી વાત રાખીશ. પછી સમાજ જે નિર્ણય કરશે તે હું આગળ કરીશ. મે મારા સમાજ સહિત તમામ સમાજના લોકોને સાથે લઈ ચાલ્યો છું. પૈસાના જોરે કોળી સમાજના આગેવાનનું પત્તુ કાપવામાં આવ્યું છે, હવે મારો સમાજ જેમ કહેશે તેમ કરીશ. જો મારો સમાજ મને કોંગ્રેસમાં જોડાવાનું કહે તો હું તેમ પણ કરી શકુ છું. અને ભાજપમાં રહી જે ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે તેના પડખે ઉભા રહેવાનું કહે તો તેવું પણ કરીશ.

  આ બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગર બેઠક પરથી દેવજી ફતેપરાનું પત્તુ કપાવવા પર નિવેદન આપ્યું છે કે, સુરેન્દ્રનગરના કાર્યકરોની ઈચ્છા હતા કે, દેવજી ફતેપરાના સ્થાને કોઈ નવા ચહેરાને સ્થાન આપવામાં આવે. ચૂંટણી સમિતીએ સેન્સમાં જોયું કે કાર્યકરો પોતાના નેતાને રિપીટ કરવા નથી માંગતા જેથી ભાજપાએ આ નિર્ણય લીધો છે.

  તો દેવજી ફતેપરાએ વિજય રૂપાણીના નિવેદનના વિરોધમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, 80-85 ટકા સેન્સ મારા ફેવરમાં ગઈ છે, આઈબી રિપોર્ટ પણ 80-85 ટકા મારા ફેવરમાં ગયો છે, તો પણ મારૂ પત્તુ કાપવામાં આવ્યું છે, જે ધનજીભાઈ પટેલ અને જયંતી કવાડીયાના ઈશારે અને પૈસાના જોરે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  તમને જણાવી દઈએ કે, બાજપાએ આજે જાહેર કરેલી બેઠકોમાં ગુજરાતની 15 બેઠકના ઉમેદવારના નામ પણ જાહેર કર્યા, જેમાં 14 બેઠકો પર જુના ઉમેદવારના નામ રિપીટ કરવામાં આવ્યા છે પરંતુ સુરેન્દ્રનગરની બેઠક પર દેવજી ફતેપરાનું પત્તુ કાપી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ હવે સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપાના ખેમામાં બબાલ ઉભી થઈ છે.
  Published by:kiran mehta
  First published: