Home /News /kutchh-saurastra /

રાજકોટઃ મહિલાનો આપઘાતનો પ્રયાસ, 100 કરોડની જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ

રાજકોટઃ મહિલાનો આપઘાતનો પ્રયાસ, 100 કરોડની જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ

    રાજકોટમાં ક્લેક્ટર કચેરી ખાતે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, ઘટનાને લઇને પોલીસ સહિત અધિકારીઓમાં અફરાતફરી સર્જાઇ હતી. મહિલા આત્મવિલોપન કરે તે પહેલા જ કચેરીએ હાજર સુરક્ષાકર્મીઓએ રોકી અટકાયત કરી હતી.

    પ્રાપ્ત વિગત મુજબ ગુરુવારે સવારે ક્લેક્ટર કચેરી ખાતે પ્રેમીબહેન મહિલા અચાનક દોડી આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, કહેવામાં આવી રહ્યું છે કે રૂપિયા 100 કરોડની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, આ અંગે મહિલાનું કહેવું છે કે તેણીને ન્યાય ન મળતાં તે આત્મવિલોપન કરી રહી છે, જો કે મહિલા આત્મવિલોપન કરે તે પહેલા જ તેણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

    શું છે સમગ્ર મામલો ?

    રાજકોટના કુવાડવા રોડ પર શિવશક્તિ પાર્કમાં રહેતા પ્રેમીબેન ટપુભાઇ પરસાણા નામની મહિલાનું કહેવું છે કે તેમના ભાઇઓ મુળજીભાઇ ટપુભાઇ પરસાણા, ધીરૂભાઇ પરસાણા, હરિભાઇ પરસાણા અને તેમના દીકરાઓએ અંદાજે રૂપિયા 100 કરોડની વારસાઇ જમીનમાં બીજાના અંગૂઠાના આધારે પચાવી પાડી છે. એટલું જ નહીં આ જમીન નામે કરવા તંત્રના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપી બિનખેતી કરાવવા કારસો ઘડ્યો છે. ત્યારે પ્રેમીબહેન ગુરુવારે કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.



    વડાપ્રધાનને લખ્યો છે પત્ર

    અગાઉ પ્રેમીબહેને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરેલી  લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, મારા ભાઇઓએ અગાઉ આ ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અરજી કરી હતી. જેમાં અમે વાંધો રજૂ કરતા અને સૂચિત સોસાયટીમાં બાંધકામ હોય, સિવિલ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય, ટીપી મુજબ રેકોર્ડમાં વિસંગતતા હોય અને જમીન બાંધકામને નડતર વૃક્ષો હોય જેવા કારણોસર બિનખેતીની અરજી ગ્રાહ્ય રાખી ન હતી. આમ બિનખેતીની અરજી બબ્બે વખત ગ્રાહ્ય ન રખાયા બાદ હાલના અધિકારીઓ દ્વારા તેને બિનખેતીમાં ફેરવવા નિર્ણય કરાયો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Land dispute, કલેક્ટર કચેરી

    આગામી સમાચાર