Home /News /kutchh-saurastra /

રાજકોટ: જાહેરનામાનો કડક અમલ, 30 હજારથી વધુ પાણીના પાઉચ જપ્ત

રાજકોટ: જાહેરનામાનો કડક અમલ, 30 હજારથી વધુ પાણીના પાઉચ જપ્ત

    રાજકોટ: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે રાજકોટમાં આજથી પાણીના પાઉચ પર પ્રતિબંધ મુક્યો છે. જો કે આ અંગેનું જાહેનામુ ગઈકાલે બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે આજે આરોગ્ય વિભાગની ટીમે રાજકોટમાંથી 30 હજાર કરતા વધુ પાણીના પાઉચ જપ્ત કર્યા છે.

    આજે આરોગ્ય વિભાગની ટીમે રાજકોટમાં અલગ અલગ જગ્યા પર જઈને દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 30 હજાર કરતા વધારે પાણીના પાઉચ જપ્ત કર્યા હતા. આ સાથે જ જાહેરનામાનો અમલ કરવા માટે વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.

    રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ખાલી પાણીના પાઉચનો શહેરની મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનમાં તથા પાણીની લાઈનમાં આવા ખાલી પાઉચ પાણીની નીક અને મોરીઓ તથા ગટર લાઈનમાં ફસાઈ જઈને પાણીનો નિકાલ સ્થગિત કરી દે છે. જેથી આવી લાઈનમાં ફસાયેલ ખાલી પાઉચનો નિકાલ કરવો ઘણું મુશ્કેલ બની જાય છે. તેમજ શહેરની સ્વચ્છતા જળવાતી નથી. જાહેર આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. અને તેના કારણે જાહેર આરોગ્ય માટે જોખમ ઉભુ થાય છે. આનાથી સ્વચ્છ નાગરિક જીવનમાં ઉપદ્રવ ઉભો થાય છે જે અટકાવવો ઘણો જ જરૂરી છે.

    આવી પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર ધી બોમ્બે પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-૧૯૪૯ ની કલમ ૩૭૬/એ હેઠળ મળેલ સત્તાઓની રૂએ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ પાણીના પાઉચનું વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવા હુકમ કરી એ અંગે એક જાહેરનામું પણ પ્રસિધ્ધ કર્યું છે.

    આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ઉપરોકત કાયદાની કલમ ૩૭૬/એ હેઠળ તેમજ અન્ય જોગવાઈઓ હેઠળ પગલાં લેવામાં આવશે અને જરૂર જણાયે CRPC ની કલમ-૧૩૩ હેઠળ જાહેર ન્યૂસન્સ ઉભું કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    મહત્વનું છે કે વિશ્વ પર્યાવરણ દિવસના એક દિવસ પહેલા રાજકોટના મેયર અને મ્યુનિસિપલ કમિશ્વરે પ્લાસ્ટિકના પાઉચ વેચવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. જે પ્રતિબંધ આજથી અમલમાં મુકવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત સરકાર હાલ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે એક અભિયાન ચલાવી રહી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Plastic, Sale, રાજકોટ

    આગામી સમાચાર