Rajkot police: ફરિયાદીના કહેવા પ્રમાણે યુનિવર્સિટી પોલીસના જે તે સમયના ડી સ્ટાફ પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આરોપીઓને અંદરોઅંદર મુખમૈથુન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી.
અંકિત પોપટ, રાજકોટ: રાજકોટની યુનિવર્સિટી પોલીસ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. પોલીસ તાજેતરમાં મુખમૈથુન વિવાદમાં ચર્ચામાં આવી છે. ત્યારબાદ રાધા કૃષણ સોસાયટીમાં ભૂમાફિયાઓના આતંકના કારણે પાટીદાર કારખાનેદારને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કેસની તપાસ આગામી દિવસોમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં જ યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ રાજકોટમાં રહેતા રાકેશ પરમાર નામના વ્યક્તિએ રાજ્યના ડીજીપી તેમજ એસસી-એસટી સેલમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ પ્રમાણે યુનિવર્સિટી પોલીસના ડી સ્ટાફ દ્વારા આરોપીઓને અંદરોઅંદર મુખમૈથુન કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ કેસમાં અન્ય એક પીડિત સામે આવ્યો છે. જેનું કહેવું છે કે રાકેશ પરમારની ફરિયાદ બાદ પોલીસ તેને ઉઠાવી ગઈ હતી અને તેની પાસે કોરા કાગળમાં સહી કરાવી લીધી હતી અને આવું કંઈ બન્યું જ ન હોવાની કબૂલાત કરાવી હતી.
ફરિયાદમાં રાકેશ પરમારે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પોલીસ દ્વારા ડિસેમ્બર મહિનામાં પ્રોહિબિશનના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ તેને ડી સ્ટાફ રૂમમાં પૂછપરછ માટે રાખવામાં આવ્યો હતો. આ સમયે ડી સ્ટાફ રૂમમાં અન્ય ગુનાના કામે આરોપીઓ તેમજ પૂછપરછ માટે શંકાસ્પદને રાખવામાં આવ્યા હતા.
આરોપીઓને અંદરોઅંદર મુખમૈથુનની ફરજ પાડ્યાનો આક્ષેપ
ફરિયાદીના કહેવા પ્રમાણે યુનિવર્સિટી પોલીસના જે તે સમયના ડી સ્ટાફ પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આરોપીઓને અંદરોઅંદર મુખમૈથુન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાતિ વિશે શબ્દો ઉચ્ચારીને તેમને હડધૂત પણ કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ ડીજીપી તેમજ એસસી-એસટી સેલ ગુજરાતને ફરિયાદ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ દ્વારા પોતાના બચાવમાં મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર નામના યુવકને 17 તારીખે પોતાના ઘરેથી ઉપાડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેન્દ્રસિંહ પરમાર પાસે કોરા કાગળ માં સહી લેવામાં આવી હતી.
ખોટી કબૂલાત કરાવ્યાની ફરિયાદ
એટલું જ નહીં, એસી.પી. પ્રમોદ દિયોરા સમક્ષ ડિસેમ્બર મહિનામાં મુખમૈથુન સહિતની કોઇપણ જાતની ગેરકાયદે ઘટના ન બની હોવાનું કબૂલાત કરાવવામાં આવ્યું હતું. પોલીસના ચંગુલમાંથી છૂટતાની સાથે જ મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર દ્વારા પોતાની સાથે બનેલી ઘટના અંગે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે સોગંદનામુ રાજ્યના પોલીસ વડા તેમજ એસસી-એસટી સેલ ગુજરાત રાજ્યને મોકલી આપવામાં આવ્યું છે.
આ મામલે આગામી સમયમાં મહેન્દ્રસિંહ પરમાર તેમજ રાકેશ પરમાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કોઈ તથ્ય જણાય છે કે કેમ? તથ્ય જણાયા બાદ યુનિવર્સિટી પોલીસના સંબંધિત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
જાણવા મળતી વિગત મુજબ મહેન્દ્રસિંહ પરમાર અગાઉ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. તો રાકેશ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુના રાજકોટ શહેર તેમજ ગીર-સોમનાથ જિલ્લામાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર