ગોંડલઃ પોસ્ટમોર્ટમ વગર જ બે બાળકોને દફનાવી દેવાયા, પોલીસે બહાર કાઢાવ્યા

News18 Gujarati
Updated: July 11, 2018, 7:10 PM IST
ગોંડલઃ પોસ્ટમોર્ટમ વગર જ બે બાળકોને દફનાવી દેવાયા, પોલીસે બહાર કાઢાવ્યા
News18 Gujarati
Updated: July 11, 2018, 7:10 PM IST
ગોંડલ તાલુકાના ભુણાવા નજીક આવેલી ફેક્ટરીમાં ચાર દિવસ પહેલા બે માસૂમ બાળકોના પ્રદૂષિત પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોતને ભેટ્યા હતા. પીએમ વગર જ બન્ને બાળકોને દફનાવી અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનામાં પોલીસને શંકા જતા ભુણાવા નજીક જમીનમાં દફન કરાયેલા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી તંત્ર દ્વારા પીએમ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે નજીક ભુણાવા પાસે આવેલા શ્રી પોલીમર્સ નામના કારખાનામાં ગત તા. 6 જુલાઇના રોજ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રહેલ અંદાજીત સાત ફૂટ ઊંડા પ્રદૂષિત પાણી ભરેલા ખાડામાં અભિષેક રાજેશસિંગ થાપા (ઉ.4) તેમજ વર્ષા લક્ષ્મણસિંહ સોનાર (ઉં.3) મૂળ બંને નેપાળીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે ફેક્ટરી માલિકો દ્વારા ખાડામાંથી બાળકોના મૃતદેહોને બહાર કાઢી પીએમ કરાવ્યા વગર દફનવિધિ કરી નાખવામાં આવી હતી, ઉપરાંત પ્રદૂષિત પાણીના ખાડાને બૂરી દેવાયો હતો, બંને બાળકોના પરપ્રાંતીય માતા-પિતાઓને પણ મોટી રકમ આપી ચૂપ કરી દેવાયા હતા.સમગ્ર ઘટના અંગે તંત્ર બેખબર હતું ત્યારે મીડિયા દ્વારા ઘટનાનો પર્દાફાશ કરાતા જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ ગોંડલ દોડી આવ્યા હતા અને તપાસના ચક્રો ગતિમાન કરતા તાલુકા પી.એસ.આઇ. મીઠાપરા તથા પોલીસ સ્ટાફ દ્વારા ભુણાવાના સ્મશાને દોડી જઇ બાળકોના દફનાવાયેલા મૃતદેહો બહાર કાઢી પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી અપાયા હતા. જ્યાં પીએમ બાદ બંને માસૂમ બાળકોના મોતનું સત્ય બહાર આવશે.

મૃતક બાળક અભિષેકના પિતા રાજેશ થાપા છેલ્લા બે માસથી આ ફેક્ટરીમાં પરિવાર સાથે મજૂરી કામ કરતા હતા. સંતાનમાં અભિષેક ઉપરાંત એક પુત્ર હોવાનું તથા મૃતકના પિતા લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સાત માસથી આ ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા તેમની એક માત્ર પુત્રી હતી. કારખાનાના માલિક ભરતભાઈ દઢણીયા હોવાનું અને હાલ કારખાનાનું સંચાલન તેમનો પુત્ર જય તથા અન્ય જયદીપ કરી રહ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બંને બાળકો પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા બાદ તેમના મૃતદેહ બહાર કાઢી પીએમ કેમ ના કરાવ્યું અને પોલીસને જાણ ન કરાય તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે, ઉપરાંત પોલ્યુશન બોર્ડના નિયમ અનુસાર પ્રદૂષિત પાણીનો નિકાલ કરવાનો રહેતો હોય છે, ત્યારે ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જ સાત ફૂટ ઉંડો પ્રદૂષિત પાણીનો ખાડો ભરાયેલો હોય પ્રદૂષણના નિયમનો ભંગ થયો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી પ્રદૂષણ બોર્ડને જાણ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

બંને બાળકોની ફાઇલ તસવીર
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...