રાજકોટ : શહેરમાં 12 કલાકના સમયગાળામાં અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે. જે બે ઘટનાઓમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે કે એક બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે.
રવિવારના રોજ સવારના ભાગે શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથ પરા નજીક ઓવરબ્રિજ નીચે પાળી સાથે બાઈક અથડાતાં યુવક ઉલડીને પુલ પરથી નીચે પટકાયો હતો. ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ તાત્કાલિક અસરથી 108 તેમજ રાજકોટ શહેર પોલીસને જાણ કરી હતી. ત્યારે બનાવની જાણ થતાની સાથે જ 108ની ટીમ તેમજ રાજકોટ શહેર પોલીસની બી ડિવિઝન ઘટનાસ્થળ પર પહોંચી હતી. ક્યારે ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમે યુવક પુજન રાજ નિલેશભાઈ ચાવડાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કે બી ડિવિઝન પોલીસના અધિકારીઓ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યારે અકસ્માતની બીજી ઘટના રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર નજીક ઘટી હતી. હાલ કોરોના મહામારી ના કારણે રાજકોટ સહિત રાજ્યભરના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ કરફ્યુ આગામી ૩૧મી જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં શનિવારની રાત્રે 10 વાગ્યાથી રાત્રી કર્ફ્યુ ની શરૂઆત કરી દેવામાં આવી હતી. ત્યારે મહિલા કોલેજ પર બ્રિજ ખાતે રાત્રી કર્ફ્યુ દરમિયાન એ ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના માણસો ચેકિંગમાં હોય છે.
આ પણ વાંચો -
રાજકોટ : 8 ચોપડી પાસ, ભણેલા-ગણેલાઓને છેતરતા, ચાર યુવતીઓ સહિત સાતની ધરપકડ
આ સમયે શનિવારની રાત્રીના પણ કર્ફ્યુ નું પાલન કરાવવા માટે એ ડિવિઝન પોલીસનો સ્ટાફ તેમજ ટ્રાફિક બ્રિગેડના માણસો ચેકિંગ કરી રહ્યા હતા. આ સમયે પોલીસને જોઇ જતા કારચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી પુરપાટ ઝડપે ભાગી રહ્યો હતો. ત્યારે કોટેચા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ તરફ સ્ટર્લિંગ હોસ્પિટલમાં લેબોરેટરી ટેકનીશીયન તરીકે ફરજ બજાવતો કરણ અનિલભાઈ પરમાર નામનો યુવાન પોતાની નોકરી પૂર્ણ કરી આવી રહ્યો હતો. આ સમયે સાઈડમાં આવતી કારે તેના બાઇકને ટક્કર મારતા તે 50 ફૂટ સુધી ઘસડાયો હતો. ત્યારે અકસ્માતમાં ઘવાયેલા યુવકને રાહદારીઓ દ્વારા તાત્કાલીક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે રાજકોટ શહેરના અમુલ સર્કલ નજીક બી.એમ.ડબલ્યુ હંકારી રહેલા ડોક્ટરે એક બાઈકને અડફેટે લીધું હતું, જેમાં કોર્પોરેશનના કર્મચારીનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ડોક્ટર વિરૂદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.